માત્ર શરીર માટે નહીં આત્માના કલ્યાણ માટે પણ યોગ

આપણું શરીર મંદિર છે. યોગના આઠ અંગો આ મંદિરને કેવી રીતે સંભાળવું એ સમજાવે છે. આરોગ્ય, સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા અષ્ટાંગયોગ અગત્યનો ભાગ ભજવે છે. આસનની પ્રેક્ટિસ દ્વારા સાધક શરીર અને મન પર નિયંત્રણ મેળવે છે, અને આત્મા માટે યોગ્ય સ્થાન બનાવે છે. માનવ શરીર એક અત્યંત જટિલ મિકેનિઝમ છે. સ્નાયુ, હાડપિંજર, રુધિરાભિસરન, પ્રજનન, પાંચન, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, યકૃત અને બરોળ,  હ્રદય , પેટ,  આંતરડા, કિડની, ગર્ભાશય, ફેફસા અને મગજ જેવા અસંખ્ય અવયવો વિવિધ ઉત્તમ કાર્યો કરે છે. એકની પાછળ એક સુંદર રીતે ગોઠવેલા અવયવોવાળુ શરીર છે.

શરીરના સૂક્ષ્મ આવ્યોને કેવી રીતે વિસરાઇ જવાય?

ઓજ, મન, ચેતના આ બધા અવયવો મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી અવિરત કાર્ય કરે છે. આ દરેક અવયવને આ મિકેનિઝમને નિયંત્રિત કરવા, નિયમન કરવા અને શિસ્તબદ્ધ કરવા એ કોઈ સરળ કાર્ય નથી. આ માટે શરીરને સાચવવાની પ્રવૃત્તિ સચોટ હોવી જોઈએ. આ વાતને ટેકો આપવા માટે યોગાસન એ શ્રેષ્ઠ ઉપહચાર છે. અસંખ્ય આસનો છે જે આ જટિલ મશીનને સુચારુ રૂપે સાચવી શકે છે. ઋષિ ગોરખનાથ નું કહેવું છે કે “ પૃથ્વી પર જીવંત પ્રજાતિઓ છે તેટલા આસનો છે” સાચું માર્ગદર્શન જરૂરી છે એ સાચી સમજણ સાચા જ્ઞાનવાળી યોગ નિષ્ણાત વ્યક્તિ મળી જાય તો આપણે શરીર અને મનને સાચવી શકીએ.

શરીરના નાના ફેરફારોથી શરીરની અંદર શું અસર થાય છે તે યોગશાસ્ત્રમાં ઋષિ-મુનિઓએ સમજાવ્યું છે. એવો ઉલ્લેખ છે કે માનવ શરીર દ્વારા પ્રાપ્ત શારીરિક હલનચલન કેટલી હોઈ શકે?  તો એ આંકડો છે ૮૪ લાખ જેટલી હોઈ શકે. હલન-ચલનનું આ પરીવહન શરીરના દરેક કોષને પોષણ અને શક્તિ આપે છે. આંકડાઓ આપણા ઋષિમુનિઓની ઊંડી સમજની ઉપજ છે. આ જ્ઞાનને પૂરતો આદર આપવો જ રહ્યો. આસનની પ્રેક્ટિસ દ્વારા સાધક સ્વ.ની શોધ કરી શકે અને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકે છે. એક સરળ આસન કાળજીપૂર્વક કરાય કે તીવ્ર જાગૃતિ સાથે કરવામાં આવે તો ઘણા ફાયદાઓ જોઈ શકાય છે.

જ્યારે આપણી કુટેવો,આદતો, મર્યાદા ચુકે છે, ત્યારે આપણા અવયવો હડતાલ પર ઉતરવાની જાહેરાત કરે છે. અને ધીરે-ધીરે આપણું સ્વાસ્થ્ય બગડે છે. તન અને મન દુરસ્ત થઈ જાય છે. એ વખતે યોગ આપણને બચાવે છે. નાના હળવા આસનોથી ફરી લોહીના પરિભ્રમણમાં પ્રાણ પૂરી શકાય છે. દાખલા તરીકે – ગાડી લઈને વ્યક્તિ પ્રવાસે નીકળે તો લાંબા અંતર કાપ્યા પછી પેટ્રોલ તો પુરાવું જ પડે ને, એમ ઓક્સિજન – પ્રાણ શરીરમાં પેટ્રોલ પૂરે છે. રસ્તામાં આવ્યા ખાડા – ટેકરાનું ધ્યાન ન રાખીએ તો ગાડી પછડાય. તો જેમ ગાડીને નુકસાન થાય છે તેમ આપણા શરીરમાં સમયસર સૂવું જોઈએ, આહાર – વિહારનું ધ્યાન રાખીએ તો શરીરનું તંત્ર ખોરવાતું નથી. યોગાસનના અધ્યયનમાં શરીરને સમજવું એ વધુ મહત્વનું છે. જે બિગિનર્સ છે સામાન્ય રીતે જોયું છે કે તે શરીરના શરીરના અંગોના કાર્યોથી અજાણ હોય છે.

યોગના ક્ષેત્રમાં શીખવું એ મંદિરના દરવાજા પર ભક્ત ઉભા હોય એના જેવું છે. અંદરનો રસ્તો શોધવા માટે મુંઝાય છે. આ સ્તરે યોગની પ્રેકટીસ અગત્યની છે.  જેમ યોગ કરતા જાવ શરીર અને મન કેળવાતું જાય છે, પરંતુ એકલવ્ય જેવા શિષ્યો ભાગ્યે જ જોવા મળે છે. એકલા એકલા આત્મસૂઝ અને ગુરૂના સાનિધ્યની ધારણા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે.  આપણે બધા સંસારી છીએ, અનેક વિટંબણાઓ છે અને જવાબદારીઓ છે. કર્તવ્ય કરવાના હોય ત્યારે યોગ માટે એવા કોઈ નિષ્ણાત ગુરુ જોઈએ જે માત્ર શરીર માટે નહીં આત્માના કલ્યાણ માટે પણ યોગ કરાવે.  શારીરિક માનસિક સ્થિતિમાં બદલાવ લાવે, વ્યવહારમાં પરિવર્તન સમજાય એવા યોગ કરાવે. નહીં કે માત્ર  અંગ મરોડ કરી વધુ ફ્લેક્સિબલ થઈ શરીરનું પ્રદર્શન કરે.

આરોગ્ય અને સંવાદિતા બક્ષિસ પ્રાપ્ત કરવા માટે શરીર અને મન કેળવવા માટે સહાય મળે છે. સાધકને ઉત્સાહને ઉમંગ પ્રદાન કરે છે, યોગ પ્રત્યે રસ જગાડે એવા ગુરુ જોઈએ. ત્યારે અંદરની યાત્રા શરૂ થઈ શકે. બ્રહ્માંડના દરેક અનુભવોને વ્યક્ત કરનાર સર્વવ્યાપી ઈશ્વર માનવ શરીરના દરેક કોષમાં પણ રહે છે. શરીર આ રીતે એક મંદિર છે જેમાં દૈવિ ભાવના છે. આ આસન પ્રાણાયામની પ્રેક્ટિસ દ્વારા સાધક દૈવી તત્ત્વની અંદર તપાસ કરી શકે છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)