દરેક જીવમાં રહેલી એ ત્રણ અવસ્થા કઈ?

યોગશાસ્ત્ર મનુષ્ય સુધી પહોંચ્યું એ પહેલા વર્ષો સુધી આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો એટલે કે ઋષિ મુનિઓ એ એના પર પ્રયોગ કરીને આપણને સિદ્ધ થયેલું વિજ્ઞાન આપ્યું. હું અહીં જે કંઈ પણ લખું છું એ ઋષિમુનિઓના યોગસૂત્ર, વિદ્વાન યોગી પુરૂષોના પુસ્તકોનો સાર અને મારા 20 વર્ષના યોગ જીવનના અનુભવો પરથી સાચી માહિતી આપના સુધી પહોંચાડી રહી છું.

દરેક પ્રાણી ત્રણ અવસ્થામાં રહેતું હોય છે. જેમાં (1) સ્થૂળ અવસ્થા એટલે સ્થૂળ શરીર (2) સૂક્ષ્મ અવસ્થા એટલે સૂક્ષ્મ શરીર (3) કારણ અવસ્થા એટલે કારણ શરીર.

આપણે સૌ પ્રથમ જાણીએ સ્થૂળ અવસ્થા એટલે કે સ્થૂળ શરીર વિશે….

स्थूलशरीरं किम् ?

पञ्चीकृतपञ्चमहाभूतैः कृतं सत्कर्मजन्य

सुखदुःखादिभोगायतनं शरीरम्

अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति

षड्विकारवदेतत्स्थूलशरीरम् ।

भावार्थ : स्थूल शरीर क्या है ? जो पंचीकृत पांच महाभूतों से बना हुआ, पुण्य-कर्म से प्राप्त,  सुख-दुखादि भोगों को भोगने का स्थान है, तथा जिसमें अस्तित्व, जन्म, वृद्धि, परिणाम, क्षय तथा विनाशरूपी षडविकार होते हैं, वह स्थूल शरीर है।

સ્થૂળ શરીર એટલે જેને હાડમાંસનો મોહ અને હું શરીર છું એવો અહમ છે. વિદ્વાનોએ કહ્યું છે કે, પૂણ્ય કર્મો કર્યા હોય ત્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મ જ એક એવો જન્મ છે જે મનુષ્યથી ઉપર ઊઠી શકે છે. પશુ શરીરમાં એ સંભાવના નથી. પશુ જે રીતે જન્મે છે, એ રીતે જ મટી જાય છે. પશુનું ભવિષ્ય નક્કી હોય છે, જ્યારે મનુષ્યનું ભવિષ્ય નક્કી નથી હોતું તેથી તેને બદલી શકાય છે.

सूक्ष्मशरीरं किम् ?

अपञ्चकृतपञ्चमहाभूतै: कृतं सत्कर्मजन्यं

सुखदु:खादिभोगसाधनं

पञ्चज्ञानेन्द्रियाणि पञ्चकर्मेज्न्द्रियाणि पञ्चप्राणादय:

मनश्र्चैकं बुद्धिश्र्चैका

एवं सप्तदशाकलाभि: सह यत्तिष्ठति तत्सुक्ष्मशरीरं ।

भावार्थ: सुक्ष्म शरीर क्या है? जो अपंचीकृत अर्थात सूक्ष्म पांच महाभूतों से बना हुआ, सत्कर्म से प्राप्त, सुख-दुखादि भोग का साधन है, जो पांच ज्ञानेन्द्रियो, पांच कर्मेंद्रियों, पांच प्राणादि, मन और बुद्धि एवं सत्रह कलाओं से युक्त है, वह सूक्ष्म शरीर है।

સૂક્ષ્મ શરીર અંત: કરણ સાથે તાદાત્મ્યતા રાખે છે. એનો સંબંધ શરીરથી ઓછો ને વિચાર, ભાવના અને લાગણીઓથી વધારે છે. એ માત્ર શરીર નથી-એને બુદ્ધિજીવી કહી શકાય. એને પોતાના રૂપ અને શરીરથી કોઈ મોહ નથી, પરંતુ એને તમે મંદ બુદ્ધિ વાળો કહેશો તો એને બહુ ખરાબ લાગશે. કારણ કે અંદર 17 કળાઓની સાથે નાતો બાંધેલો છે. આ 17 કળા એટલે શું? એ સૂક્ષ્મ શરીર એટલે પંચમહાભૂત, સત્કર્મમાંથી પ્રાપ્ત કરેલ સુખ અને દુ:ખ ભોગવવાનું સાધન. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ આ 17 કળાથી યુક્ત છે સૂક્ષ્મ શરીર.

कारणशरीरं किम् ?

अनिर्वाच्यानाद्यविद्यारूपं शरीरद्वयस्य

कारणमात्रं सत्स्वरूपाऽज्ञानं निर्विकल्पकरूपं

यदस्ति तत्कारणशरीरम् ।

भावार्थ : कारण शरीर किसे कहते हैं ? जो अनिवर्चनीय,अनादि,अविद्यारूप है, तथा शरीरद्वय का कारण है, जो सत्स्वरूपता के अज्ञानरूपता एवं निर्विकल्परूप है, वह कारणशरीर है।

મૂળ વૃતિને “કારણ શરીર” કહે છે. ‘કારણ શરીર’નો અગત્યના શબ્દ છે-“મારું”,”મને”,”હું”. કારણ શરીરવાળા મુક્તિની નજીક પહોંચી જાય છે, પરંતુ મુક્તિને પામી શકતા નથી તેનાથી વંચિત રહી જાય છે.

મનુષ્ય શરીર મળ્યું એ સૌભાગ્યની વાત છે, પરંતુ એમાંય સૂક્ષ્મ શરીર વિકસાવવું એ અતિ સૌભાગ્યની વાત છે. મનુષ્ય જન્મ મળી ગયો તેમાં પણ પોતે વિચારીને આત્મસંશોધન કરી શકે છે એ જ અતિ સૌભાગ્યની વાત છે. હવે આ ત્રણ અવસ્થા સમજી લીધા પછી સ્થૂળ શરીર પરથી ઉપર ઉઠીને સૂક્ષ્મ શરીર તરફ જવું જોઈએ. શરીર સ્વસ્થ્ય હોવું જોઈએ, પરંતુ શરીર પર જ ધ્યાન કેન્દ્રીત રહે અને એની પાછળ સમય વધારે પડતો વ્યતિત ન કરવો જોઈએ.

નિયમિત યોગ કરવાથી ફાયદો એ થાય છે કે, આપણું સ્થૂળ શરીર મજબૂત થાય છે. સૂક્ષ્મ શરીરમાં-મન, બુદ્ધિ, લાગણીઓ પર કાબૂ મેળવવા પ્રાણાયામ નિયમિત કરવા જોઈએ. જેથી શ્વાસ પરના નિયંત્રણથી મન અને બુદ્ધિની ગતિ બદલી શકાય છે. ધીમે ધીમે આપણું મન શરીર પરથી ખસીને સત્કર્મ, હકારાત્મકતા અને આદ્યાત્મિકતા તરફ વળી જાય છે. ધ્યાન કરવાથી- કારણ શરીર જે માંગે છે જેમકે, “મને આ જોઈએ”, “મને પહેલું જોઈએ”, “મને મુક્તિ જોઈએ”, એનાથી પણ આગળ વધી કોઈ જ ઈચ્છા-મહેચ્છાઓ ન રહે ત્યારે “મોક્ષ”, “મુક્તિ” અને “ઈશ્વર” મિલન પ્રાપ્ત થાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)