ઢીંચણનો દૂઃખાવો અને યોગ

ઢીંચણનો દુઃખાવો હવે નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. ઢીંચણનો દુઃખાવો લિગામેન્ટ ફેક્ચર થયું હોય કે, કાર્ટિલેજની કોઈ તકલીફ ઊભી થઇ હોય, સંધિવા થયા હોય કે, ગાઉટ કે અન્ય કોઈ ઇન્ફેક્શનના કારણે થતો હોય છે. આ ઉપરાંત પડવા–અથડાવવાથી પણ ઢીંચણનો દુ:ખાવો થઈ શકે છે. હવે આ બધા કારણો એ મેડિકલ કન્ડિશન થઈ કહેવાય.

યોગશાસ્ત્રમાં અષ્ટાંગ યોગમાં પ્રાણાયામ સમજાવતા લખ્યું છે, કે શરીરમાં પાંચ પ્રકારના વાયુઓ આવેલા છે. વ્યાન, ઉદાન, પ્રાણ, સમાન અને અપાન. બીજા પાંચ પ્રકારનાં નાના વાયું છે નાગ, કુકર, દેવદત્ત, ધનંજય અને કર્મ. આ બધા માંથી ઢીંચણના દુઃખાવા માટે અપાન વાયુનું અસંતુલન જવાબદાર હોઈ શકે. અપાન વાયુ ક્યાં સ્થિત હોય છે, એનું સ્થાન ક્યાં હોય છે? તો અપાન વાયુ નાભિથી નીચે lover abdominal માં હોય છે તો એનો અર્થ એ થયો કે અપાનવાયુ જો બગડે, અપાનવાયુનો દોષ વધે તો પાચન નબળું પડે શરીરના વિજાતીય તત્વોને બહાર ફેંકતો તંત્ર ખોરવાય એટલે નાભિથી નીચે કોઈ પણ જગ્યાએ દુઃખાવો, સોજો, ખાલી ચઢવી, મેન્સ્ટ્રએશનમાં તકલીફ, કમરનો દુઃખાવો, એડીનો દુઃખાવો વગેરે વગેરે થઈ શકે છે. જો આહાર-વિહારનું ધ્યાન ન રાખે તો પણ ઢીંચણનો દુઃખાવો થઈ શકે છે એટલે યોગમાં કીધું છે કે આહાર એટલો જ લેવો જેટલો તમે વિહાર કરતા હોય.

અહીં એક પ્રસંગ તમને કહું, એક ગામ હતું, ત્યાં એક ખૂબ જ્ઞાની, પ્રતિભાશાળી, ભગવદીય સ્વભાવવાળા સાધુ મહારાજ પધાર્યા. ગામના લોકો ખુશ થઈ ગયા. સવાર સાંજ કીર્તન થાય. બધાને ખૂબ આનંદ આવે. ગામના આગેવાનોએ સાધુ મહારાજનો રહેવા-જમવાની વ્યવસ્થાનું પૂરતો ધ્યાન રાખતા. એક દિવસ ગામના શેઠ જમવાનું લઈને આવ્યા. સાધુ મહારાજે ના પાડી. શેઠ તો મૂંઝાયા ! કહે કે મહારાજ અમારાથી કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા માંગીએ છીએ. મહારાજે કહ્યું કે ના આજે હું ના જમી શકું કારણકે આજે હું વિહાર કરવા એટલે કે ચાલવા જઈ નથી શક્યો. આ છે પોતાની જાતની શિસ્ત. જો આવી શિસ્ત રાખીએ તો ઘણી બધી બિમારીઓથી બચી શકાય.

જેટલી શારીરિક હલનચલન હોય એટલો જ ખોરાક આરોગવો જોઈએ આપણામાંના ઘણા ઘડિયાળ જોઈને ખોરાક આરોગે છે દાખલા તરીકે આઠ વાગે એટલે કહે ચાલો ચા નાસ્તો આપો, બાર વાગે એટલે કહે જમવાનો ટાઈમ થયો છે, સાંજના ચાર વાગ્યા પાછો ચા નાસ્તાનો સમય થઈ ગયો ને રાત્રે આઠ વાગ્યે તો જમવું જ પડેને ! અને જો મિત્રો રાત્રે ભેગા થાય તો ૧૧-૧૨ વાગ્યા રાત્રે ફરી ખાવાનું આરોગે. આ બધાની સામે શારીરિક હલનચલન કેટલી થઈ છે? તો જવાબ આવશે ઘરેથી ઓફિસ જઈને, ખુરશી ટેબલ પર બેસી કામ કરવાનું, બીજું કશું જ નહીં. તો પછી આટલો બધો ખોરાક ન લેવાય, ખોરાક પચસે નહી. તો હવે શું કરવું ? ઉપાય વિચારીએ તો સૌથી પહેલા દિવસમાં બે વાર જ ખોરાક લેવો. એમાય રાત્રી ભોજન હળવુ લેવું. ૫-૬ ગ્લાસ ગરમ પાણી (ઋતુને ધ્યાનમાં રાખીને) પીવું, ઠંડુ પાણી, ઠંડા પીણા, ઠંડો ખોરાક બંધ કરવો, કબજીયાત ન રહેવી જોઈએ.

હવે આસન કેવી રીતે મદદ રૂપ થાય તે કહું. સૌથી પહેલા તો ઢીંચણ ન દુઃખે એના માટે કોઈ આસન ન કરવા, એ કેમ દુઃખે છે એના મૂળ કારણમાં જવું. નાવાસનથી આંતરડાના અવયવોને મસાજ મળે છે. સાથે સાથે કમરનો દુઃખાવો હોય તો નાવાસન ના કરવું જોઈએ. ઉત્થાનપાદાસન પણ આંતરડા, યુટ્રસ, બ્લેડર, પાચન શક્તિને મજબૂત કરતા આસનો છે. એ વાત ધ્યાનમાં રાખવી કે આપણા આરોગ્ય માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ. ટ્વીસ્ટીંગના આસનોથી પેટના સ્નાયુઓને મસાજ મળે છે સાથે ગેસ, અપચો, ઓડકાર આવવા, પેટમાં ને છાતીમાં બળતરા થવી આ પાચનના વિકારોને દૂર કરવા ટ્વિસ્ટીંગના આસનો લાભદાયી નીવડે છે.

ભુજંગાસનનો પ્રયોગ પણ નિયમિત કરવો જોઈએ. યોગમાં સાતત્યતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. રોજ નિયમિત રૂપે યોગ થાય તો શરીરની અંદરની શુદ્ધિ થાય, અને મના વિકારો પણ ઓછા થાય. આપણા શરીરમાં આવેલા પાંચ વાયુ પણ બેલેન્સ રહે એના માટે સુપ્તપાદાંગુષ્ઠાસનમાં પગ ઉપર અને સાઈડમાં તકીયાનો ઉપયોગ સાથે કરવું. Sequence of ૩ આસન એટલે ટ્વિસ્ટીંગ, એબ્ડોમિનલ અને ઇન્વર્જનની સાથે પગ, સાથળની તાકાત વધારવા. બારી પર પગ મૂકી શકાય ઢીંચણની ઢાંકણીને થોડી અંદરની તરફ લાવવવાની છે. પેટ હળવું બનશે એટલે ઢીંચણ પર વજન ઓછું આવશે. અને ઢીંચણની ઉપર, પાછળ, નીચેના સ્નાયુઓની તાકાત વધશે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)