અંકિતા શેઠઃ હોટેલ & હોસ્પિટાલિટી સ્ટાર્ટઅપની સિદ્ધિ

કેડી કંડારવી અઘરી છે બાકી ચીલો પડેલો હોય તો ચાલ્યાં જવાય એમ વાતવહેવારમાં સૌ જુએઅનુભવે છે. એમાં પણ જ્યાં રુપિયોપૈસો રોકીને વેપારનું સાહસ કરવાનું હોય અને તે પણ એવા ક્ષેત્રમાં; જ્યાં યુઝવલી યુવતીઓ કામ કરતી ન હોય તો સાહસનું જોખમ સવાયું રહે છે. આવા સીધાં ચડાણ ચડીને મોભે જઇ શકેલાં મુંબઇના અંકિતા શેઠનું નામ આજે વિસ્ટા રુમ્સ ઓનર્સ તરીકે ચમકી રહ્યું છે. હોટેલ એન્ડ હોસ્પિટાલિટી સેગમેન્ટમાં આગવું નામ અંકિત કરનારાં અંકિતા શેઠ સાથે chitralekha.com અમદાવાદ બ્યૂરોના વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલે મુંબઇમાં મુલાકાત લીધી હતી. યુવા વર્ગની આગવી સિદ્ધિઓને આપની સમક્ષ મૂકતાં વિશેષ ફીચર યુવા ટેલેન્ટમાં પ્રસ્તુત છે આ મુલાકાતઃ


પારિવારિક ભૂમિકાઃ

આફ્રિકાના જીબૂટીમાં પિતા મહેન્દ્રભાઇ અને માતા જ્યોત્સનાબહેન શેઠના ઘેર અંકિતાનો જન્મ થયો. આ પરિવારનો ગુજરાત સાથેનો સંબંધ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું ગામ ધ્રાફા તેમનું વતન હોવાને લઇને છે. તેઓ ત્રણ ભાઇબહેન છે એક મોટાંબહેન અને એક નાનો ભાઇ છે. જોકે તેમનો સંયુક્ત પરિવાર રહ્યો છે જેને લઇને જીબૂટી અને મુંબઇ બંને સમાનપણે તેમના માટે ઘરસમાન રહ્યાં છે. ભણવાની ઉંમર થતાં અંકિતા મુંબઇમાં પરિવાર સાથે રહેવા મોકલી દેવામાં આવ્યાં હતાં. મુંબઇમાં જ ઉછર્યાં અને ભણ્યાં છે. અંકિતાએ મુંબઇની નરસી મોનજી કોલેજમાં બીકોમ અને રાહેજા કોલેજમાં બીએમએસ-બિઝનેસ મેનેજમેન્ટ સ્ટડીઝ અને એમઇટી કોલેજમાંથી બે વર્ષનો મેનેજમેન્ટ કોર્સ કરેલો છે.

નવી કેડીના પગરણઃ

વિસ્ટા રુમ્સ પહેલાં પણ તેમણે એક બિઝનેસ રન કર્યો છે. ટ્રાવેલિંગનો ખૂબ  શોખ હતો. ભારતમાં અને ભારતની બહાર નાનપણથી ફરવાનું રહ્યું છે. એટલે ત્યારથી એવું હતું કે આ સેગમેન્ટમાં, આ સેક્ટરમાં કંઇ કરવું છે. એમાં હોટેલ, વિલાઝ અને બંગલો એ બધું એટલું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે એમાં આગળ વધતાં ગયાં.

હોટેલમાં રહેવાનું થાય ત્યારે ચેક ઇન પછી રુમની કે રુમ સર્વિસીસમાં એવા એવા અનુભવ ભારતભરમાં થાય છે કે પ્રવાસની મજામાં કમી આવી જાય. આવું ન થાય અને અગવડ અને અસુવિધાની અકળામણ ન અનુભવવી પડે તેવા રુમ્સ એટલે વિસ્ટા રુમ્સ. બજેટ હોટેલ કે ફાઇવ સ્ટાર હોટેલ, વિસ્ટા રુમ્સ બૂક કર્યો છે તો સો ટકા સગવડ સુવિધાની ગેરંટી, મતલબ કે આ છે અંકિતાના બિઝનેસની સફળતા.વિસ્ટા રુમ્સ નામકરણની વાત પણ રસ પડે તેવી છે. અંકિતા અને તેમના બે બિઝનેસ પાર્ટનર અમિત દમાની અને પ્રણવ માહેશ્વરી પોતાના વેન્ચર માટે એક નાનકડાં બાળકનું નામ પાડવાનું હોય ને કેવી કેવી સર્ચ થાય, ચર્ચા થાય તેમ ઘણી શોધ કરી હતી. કંઇક અર્થસભર હોય અને નાવીન્ય પણ લાગે તેવું નામ જોઇતું હતું. વિસ્ટા એટલે કે એક પ્રકારનો વાસ્ટ વ્યૂ… આ નામ પોતાના કામકાજ સંદર્ભે એકદમ સૂટેબલ લાગ્યું અને વિસ્ટા રુમ્સ નામ લોક કર્યું હતું.

એક તરફ જોખમ, બીજી તરફ સહકાર

ટ્રાવેલ્સ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં નવું વેન્ચર શરુ કરવાનું હોય એટલે સ્વાભાવિક જ આ કંઇક જોખમી છે એવી સેન્સ આવે. સાહસ કરવાનું હોય ત્યારે ફેમિલી એન્ડ ફ્રેન્ડઝ તેમ જ સોસાયટીના પ્રતિભાવ કંઇક તો મળે જ. આ ક્ષેત્ર આપણાં ગુજરાતીઓ માટે કોમનલી નથી જોતાં, તો અંકિતા માટે પણ થોડોક શરુઆતી પ્રતિભાવ એ હતો કે કેવી રીતે કરશો, કોઇ બેકગ્રાઉન્ડ નથી, કેવા માણસો સાથે કામ કરવું પડશે…એવા એવા ઢગલો પ્રશ્નો સામે આવી ગયાં હતાં. જોકે અંકિતાની ક્ષમતા અને તૈયારી જોતાં સપોર્ટ પણ હતો. અંકિતાએ ઓનલાઇન સ્પેસમાં નવી ટેકનોલોજી સાથે કામ કરવાનું હતું. વળી સૌથી વધુ જરુરી એવું તત્વ પણ હાજર હતુઃ દ્રઢ નિર્ણય, કે આ જ કરવું છે. તો પારિવારિક પક્ષે સંપૂર્ણ સહકાર મળ્યો હતો.

સ્ટાન્ડર્ડ ક્વોલિટી સર્વિસ આપવાનું ધ્યેય

તમને જણાવું કે અંકિતા એચઆરનું ભણ્યાં છે એટલું જ નહીં, જોબ પણ કરી ચૂક્યાં છે.તેથી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ સેવા આપવા માટે તેમના ઉચ્ચ માપદંડો નક્કી હતાં. સ્વાગતથી લઇ ચેક આઉટ સુધી મુલાકાતીને પ્રિવિલેજ વેલકમનો અનુભવ થતો રહે તેવી તેમની મનસા હતી. અંકિતા પોતે દુનિયાના દેશોમાં ફર્યાં છે અને ત્યાંની હોટેલ્સની ક્લીનલીનેસ, રુમના સંશાધનોની ક્વોલિટી હોય તે આપણાં ત્યાં કેમ જોવા ન મળે તેવું અંકિતાને લાગતું હતું. આપણાં દેશની હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે લાવી શકાય તે માટે કામ કરવું હતું. બહારની હોટેલમાં જે પ્રકારે સર્વિસ ક્વોલિટી છે જે કસ્ટમરને સંતુષ્ટ કરે તે પ્રકારની સર્વિસીસ અહીં જોવા મળતી નથી તેવી સરખામણી થઇ જતી હોય છે. તો અંકિતા માટે આ બાબત પ્રાધાન્યરુપ હતી કે તેઓ તેમની ટીમને એવી રીતે તૈયાર કરે અને કસ્ટમર્સને એવો પ્રિવિલેજ અનુભવ કરાવે તેવી સર્વિસીસ પૂરી પાડે. હોટેલ ઇન્ડસ્ટ્રીઝની સેવાઓને સ્ટાન્ડર્ડાઇઝ કરવી એ અંકિતાના બિઝનેસની સફળતાનો માપદંડ રહ્યો હતો.

મેરેજ ઇઝ અ પાર્ટ ઓફ લાઇફ…

ભણીગણીને નોકરીધંધામાં ઠરીઠામ થવાની વાત હોય ત્યારે કોઇપણ યુવતી માટે લાઇફ શિફ્ટિંગ હેપનિંગ-લગ્નનો પ્રશ્ન નાનેમોટે અંશે રહેતો હોય છે. તો અંકિતા માટે આ હેપનિંગ કેવી રહી તે વિશે પૂછતાં અંકિતા કહે છે,’ લાઇફમાં બધું જ પસાર થવાનું હોય છે. મેરેજ, ચિલ્ડ્રન વગેરે બધાં જ તબક્કા જીવનમાંથી પસાર થવાના છે. પણ લગ્ન એ આપણને અટકાવી દેનારી વસ્તુ નથી. જો લાઇફ પાર્ટનર અને ઇન લૉઝ સપોર્ટિવ હોય તો તમે આગળ વધી શકો છે’. અંકિતા માટે આ માત્ર બોલવાના શબ્દો નથી કારણ કે તેમના માટે આ અનુભવની વાત રહી છે. તેમણે લવમેરેજ કર્યાં છે અને તેમના પતિ કૃણાલ કપૂર તેમને તમામ સપોર્ટ પૂરો પાડે છે અને કહે છે કે લાઇફમાં ગમતું હોય એ બધું જ કરવાનું. ડરવાનું નહીં. વળી અંકિતાનો તો જનમ જ બિઝનેસ ફેમિલીમાં છે એટલે વેપારવણજ તો કહી શકાય કે ગળથૂથીમાં મળ્યો છે. અંકિતા કહે છે કે પહેલેથી જ એવું ઘડતર મળ્યું છે કે બેસી ન રહો પણ કોઇ ગોલ નક્કી કરી તે માટે કંઇ કરો. તો ફેમિલી સપોર્ટની વાત કરીએ તો અંકિતા એ માટે ઘણાં સદભાગી રહ્યાં છે.

નવી ક્ષિતિજોની તલાશ

વિસ્ટા રુમ્સ શરુ કર્યે ચારેક વર્ષનો સમય વીતી ચૂક્યો છે ત્યારે નવી ક્ષિતિજો તલાશવાનું શરુ કર્યું અંકિતાએ. કારણ એ જ, કે હોટેલ એન્ડ હોસ્પિટાલિટી સેગમેન્ટમાં ઉચ્ચતમ સર્વિસીઝ આપવાનું ધ્યેય. અંકિતાનું નેકસ્ટ ધ્યેય છે વિલા અને બંગ્લોઝ. હા, એવા વિલાઝ અને બંગ્લોઝમાં કલાકોથી લઇ વેકેશન સ્ટે આપતી એકદમ ન્યૂ ટ્રેન્ડમાં સર્વિસ. આમાં એમ છે કે મોટેભાગે રીચ ફેમિલીઝ એક કરતાં વધુ ઘર વસાવતાં હોય છે. જ્યાં તેમણે એક્સ્ટ્રા ઇનવેસ્ટમેન્ટ કર્યું હોય અને ફક્ત હોલિડે માટે જ તેઓ જતાં હોય છે બાકીના સમયમાં એવાં વિશાળ બંગ્લોઝ અને વિલાઝ વપરાશ વગરનાં રહે છે, જ્યાં બધું એમને એમ પડ્યું રહે છે. આવા ઘરની દેખભાળ કરવી અને ટૂંકસમય માટે બીજા કોઇ ફેમિલી કે ગ્રુપને એન્જોય કરવા માટે અમુક રકમમાં આપવાનું તેમણે શરુ કર્યું છે. ઘરના માલિકને લાભ એ કે મેઇન્ટેન્સ કવર થાય, રેવન્યૂ મળે એ પ્રકારનું આ નવા વેન્ચરમાં સેટઅપ કર્યું છે. આ એસેટ્સમાં એકસ્ટ્રા ઓર્ડિનરી થિંગ્ઝ ધરાવતાં વ્યૂઝ હોય, વેલી વ્યૂઝહોય, રીવર વ્યૂઝ હોય, સ્વિમિગ પુલ્સ સહિતની અત્યાધુનિક સગવડો હોય…એમ અત્યંત આકર્ષક સ્પોટ હોય તે ખાસ જોવામાં આવે. આ કેટેગરીમાં સેલિબ્રિટીઝ પીપલ્સ કે જેમના તમે મિત્રો હોવ કે રીલેટિવ હોવ તો જ તમને જવા મળે તેવા વિલાઝ અને બંગ્લોઝમાં તમને સ્ટે મળે તો આ આઇડિયા ઝડપથી ક્લિક ન થાય તો જ નવાઇ ને..બહરહાલ, આ સંભવ બનાવવું એમ આસાન પણ નથી કેમ કે અતિપ્રતિષ્ઠિત વ્યક્તિના બંગલામાં તમે રહ્યાં છો તેવું કહેવાનો આનંદ કસ્ટમર જરુર શેર કરે, પણ એવા સેલિબ્રિટીઝ એક્સપોઝ નથી થવા ઇચ્છતાં હોતા કે તેમની પ્રોપર્ટીઝમાં આ પ્રકારે રહી શકાય છે તે જાહેર કરે. સો, તમે સમજી શકો છો કે અંકિતા માટે તેમને આ વેન્ચરમાં જોડવા સહમત કરવા એ ટફ ટાસ્ક હતું. અત્યંત મૃદુસ્વરે શાલીન વાણીના સ્વામિની અંકિતાએ આ ટાસ્ક પાર પાડ્યું છે અને ખૂબ ટૂંકાગાળામાં તેમણે એ વિલાઝ અને બંગ્લોઝ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવામાં સફળ નીવડ્યાં છે. અલબત્ત, એ કોના બંગ્લોઝ અને વિલાઝ છે તે જાહેર કરી વ્યાવસાયિક શરતોનો ભંગ કરવા નથી માગતાં. વિસ્ટા રુમ્સ દ્વારા તમે પણ આવા સ્પોટ પર ખુશનુમા સમય ગાળી શકો છો. લોનાવલા, કરજત, અલીબાગમાં બે એકર, ત્રણ એકરના બ્યૂટીફુલ બંગ્લોઝમાં વિસ્ટા રુમ્સ મળે છે. ચાર પ્રોપર્ટી સાથે શરુ થયેલ આ સાહસ ચાર વર્ષમાં તો ભારતમાં 1200 જેટલી હોટેલ્સ સાથે અને શ્રીલંકા તથા માલદીવમાં ટાઇઅપ કરી ચૂક્યાં છે. ઉપરાંત 140 જેટલાં લક્ઝરી વિલા, બંગલોઝ અને હોમ સ્ટે સાથે જોડાઇ ગયાં છે.

અનુભવમાંથી નીપજી છે આ શીખ

નવા જમાનાની નવી ટેકનોલોજીમાં નવો બિઝનેસ શરુ કરનાર આન્ત્રેપ્રિન્યોર અંકિતા જ્યારે આ બિઝનેસમાં આવ્યાં ત્યારે બધું જ નવું કંડારવાનું હતું. તેમને પોતાનું વેન્ચર શરુ કરવામાં અન્ય બે બિઝનેસ પાર્ટનરનો સાથ પણ મળ્યો છે, તેઓ ત્રણની ટીમ સરખેભાગે તમામ કામકાજ સંભાળે છે. તેમની અંધેરી સ્થિત ઓફિસમાં 40થી 42 યુવાઓનો સ્ટાફ સતત કામકાજ કરે છે તો અન્ય ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર વિસ્ટારુમ્સની દેખભાળથી લઇને તમામ ટાઇઅપ માટે દિવસરાત જોયાં વિના અંકિતા રચ્યાંપચ્યાં રહે છે. મહિલા તરીકે તેઓ અલગઅલગ સમયે આમ થાય કે તેમ ન થાય તેવી બાઉન્ડ્રીઝથી નથી વિચારતાં. હોટેલ એન્ડ હોસ્પિટાલિટી બિઝનેસમાં આવવા માગતી યુવતીઓને જરુરી માર્ગદર્શન આપતાં અંકિતા કહે છે;’  સૌથી વધુ જરુરી છે આત્મવિશ્વાસ અને બીજું છે નિર્ભયતા.  તમારી તૈયારી હોવી જોઇએ કે નેગેટિવ વિચારો આવે તો તેને કેવી રીતે ડીલ કરવા એ મહત્ત્વની વાત છે. અને ત્રીજું કે હાર્ડ વર્ક. સખત પરિશ્રમ. જેટલી તમારી ક્ષમતાને વિસ્તારી શકો તેટલું તમે કરો. સતત મહેનત કરશો તો સો ટકા સફળતા મળશે જ.

એક વસ્તુ છે કે જે ક્ષેત્રમાં પુરુષોનું જ આધિપત્ય છે તેવા સેક્ટરમાં તમે એક મહિલા તરીકે પ્રવેશો છો ત્યારે અને તે વેન્ચરમાં ઓળખ મેળવ્યાં પછી..આ બે બિંદુની વચ્ચેથી પસાર થાય છે માઇન્ડ સેટ. પ્રોફેશનલ વર્લ્ડમાં બધું સમુંસૂતરું પાર નથી પડતું તેના ખાસ પડકાર તો રહેવાના જ. હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યાપ્ત દૂષણો વિશે તમે અજ્ઞાત ન રહી શકો પણ તેને પાર કેવી રીતે કરવા તેની ચતુરાઇ તો કેળવવી જ પડે. અંકિતાએ તેમ કરીને આજે પોતાનું સ્થાન જમાવ્યું છે. એ માઇન્ડસેટ વચ્ચેનો અનુભવ વર્ણવતાં અંકિતા કહે છે કે, ‘જ્યારે નવુંનવું હોય ત્યારે લોકો તમને અલગ રીતે જુએ છે કે આમને કેટલી ખબર હશે, પણ તેમને એક્સપિરિયન્સ થાય પછી તેઓ ચોક્કસ અલગ રીતે વર્તે છે. તમારા બિઝનેસની જે જાણકારી છે તે પાંચ જ મિનિટમાં સામેની પાર્ટી જાણી લે છે કે તમે યોગ્ય છો. એ પછી બધું સ્મૂધ થઇ જાય છે.’

અન્યોની સેવામાં સહજ આનંદ

સફળ વ્યકિતઓ માટે નવરાશનો સમય પણ કામ ઉપરાંતના કામકાજનો સમય બની જતો હોય છે તે લાક્ષણિકતા જોવા મળે છે. અંકિતા માટે પણ એમ જ છે. નવરાશનો, કહો કે હળવાશનો પર્યાય એટલે તેમને માટે અન્યોને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરવી. એટલે તેઓ એક એનજીઓ સાથે સંકળાયાં છે જેમાં તેઓ તેમના સભ્યો પાસેથી ફક્ત ત્રણસો રુપિયા મેળવે છે અને એ રુપિયા તેઓ એવી જરુરિયાતમંદ વ્યક્તિઓને આપે કે જેનાથી તેઓ પગભર બને. 2014થી શરુ કરેલી આ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં લગભગ 50 લાખ રુપિયા જેવી અમાઉન્ટ ભેગી કરી ચૂક્યાં છે અને 50 હજાર ઉપર લોકોને લાભ મળ્યો છે. સ્વરોજગાર ખડો કરે તે રીતે કામ કરવા માટે કોમ્પ્યૂટર્સ આપવા, સિલાઇ મશીન્સ આપવામાં આવે છે.

મેક ઇન ઇન્ડિયામાં યુવા સાહસિકતા પર જે ભાર મૂકવામાં આવ્યો છે તેમાં નોકરી કરનાર નહીં નોકરી આપનાર બનો એવું સીધેસીધું ન કહેવું હોય ને ઉદાહરણ આપવું હોય તો આપણાં આ અંકિતા શેઠનું નામ આપી શકાય ને?