સ્ટૅ કનેક્ટેડ – ચેલેન્જ ઍક્સેપ્ટેડ

કવીસમી સદીના હિન્દુસ્તાનમાં આપણે વાત ભલે સ્પેસ અને મંગળ ગ્રહની કરીએ, પણ રિયાલિટી એ છે કે ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય, આપણાં દેશમાં આજે પણ કરોડો મહિલાઓ પોતાના પતિ અને પરિવાર એમાં સાસરિયાં લોકો પણ આવી ગયાં-નો આખો અથવા અડધો ભાર પોતાના ખભા ઉપર ખેંચી રહી છે.

વાત ફિલ્મોની નહીં, વિમેન સૉસાયટીની કરવાની છે. પરંતુ એ પહેલાં એક સવાલ કે શું તમે “તુમ્હારી સુલુ” ફિલ્મ જોઈ? ન જોઈ હોય તો જોઈ લેજો. ફિલ્મનું મુખ્ય પાત્ર સુલુ છે. આ પાત્રમાં અભિનેત્રી વિદ્યા બાલન આપણને ઈન્સ્પાયર્ડ કરી જાય છે. નૉર્મલી તો હિન્દી ફિલ્મો એક માત્ર હીરોના સૉલ્ડર ઉપર જ બૉક્સ-ઑફિસ ઉપર ચાલી જાય અથવા પિટાઈ જતી હોય છે. પરંતુ બૉલિવૂડમાં અત્યારે બે હિરોઈન એવી છે કે જે પોતાના ખભા ઉપર ફિલ્મની સફળતાને ઊંચકી લે છે. એક કંગના રાનાવત (રનૌત) અને બીજી આ વિદ્યા બાલન. કંગનાએ “તનુ વૅડ્સ મનુ” સિરિઝ અને વિદ્યાએ “કહાની” સિરિઝ આપી એ ઉલ્લેખનીય છે.

ફિલ્મ “તુમ્હારી સુલુ”માં વિદ્યા બાલન યાને સુલુ એક મધ્યમ વર્ગની પરિણીતાનું કિરદાર છે. આ પરિણીતા પતિ અને સંતાનવાળું ઘર ચલાવવા ઝઝૂમે છે અને દરેક ચૅલેન્જ ઍક્સેપ્ટ કરી લે છે. સુલુ ઘરનું કામકાજ પણ સંભાળે છે. પતિ અને સંતાનની દેખરેખ પણ રાખે છે અને આર્થિક પ્રવૃત્તિ પણ કરે છે. સુલુ બધી ચૅલેન્જ ઊપાડી લે છે.

સ્ટૅ કનેક્ટેડ ઍન્ડ ચૅલેન્જ ઍક્સેપ્ટેડ. આપણે સૉસિયલ મીડિયામાં ભલે બધાં સાથે કનેક્ટેડ રહીએ. વાસ્તવિક સમાજ સાથે પણ કનેક્ટ રહીએ અને આપણી સમક્ષ આવતી દરેક ચૅલેન્જ ઍક્સેપ્ટ પણ કરીએ. તમે હસતાં હસતાં જૉબ કે બિઝનેસ કરો કે રોદણાં રડીને ફરિયાદો કરતાં કરતાં આર્થિક પ્રવૃત્તિ કરો, તો પણ હકીકત એ જ છે કે તમારે ઘર ચલાવવામાં સપૉર્ટ કરવો જ પડે છે.

ખૂબ જાણીતું સુવાક્ય છે. “કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો.” શું આપણે સૌ આમ કરી શકીએ છીએ? આ ચૅલેન્જ પણ સ્વીકારવા જેવી છે. ગમતું કામ કરવાની જીવનશૈલી અપનાવીએ. મોટાભાગે સ્ત્રીની જિંદગીમાં મૅનોપૉઝ ફૅઝ પછી ચૅન્જ અનુભવાતો હોય છે. ૪૫ વર્ષની ઉંમર પછી સ્ત્રીની જિંદગીમાં નિત નવા ફેરફારો આવતાં રહે છે. માત્ર આંતરિક જ નહીં, બાહ્ય ફેરફારો પણ ખરા. આ એક એવો તબક્કો હોય છે કે ઘર-પરિવાર, પતિ-સંતાનો હોવા છતાં સ્ત્રી પોતાની જાતને એકલી પડી ગયેલી અનુભવે છે.

સ્ત્રીના મધ્યાહ્નનો આ ફૅઝ પણ સમજવા જેવો છે. આ ઉંમરે પતિ પોતાની નોકરી કે બિઝનેસમાં વીસ-પચીસ વર્ષ જેટલો સીનિયર અને સેટ થઈ ગયો હોય છે. તેને પોતાના ફિલ્ડમાં સફળતા પણ મળી ચૂકી હોય છે, એનો તેને નશો પણ ચઢી ગયો હોય છે. સંતાનો ભણીને નોકરી-બિઝનેસમાં અને પરણીને ઠરીઠામ થઈ ગયા હોય છે. સ્ત્રીએ પત્ની, માતા અને ઘરની જવાબદાર વ્યક્તિ તરીકે પરણીને 45 વર્ષની જિંદગી સુધી યાને વીસથી પચીસ વર્ષ ઘર-પરિવાર પાછળ ખર્ચી કાઢ્યાં હોય છે. વીતેલા સમયમાં સ્ત્રીએ પોતાની જિંદગી, પોતાનો શોખ, પોતાની પસંદ-નાપસંદ વિશે કશું જ વિચાર્યું પણ હોતું નથી અને માત્ર પતિ-સંતાનો કાજે બલિદાન અને સમર્પણ જ કર્યું હોય છે.

હવે સ્ત્રીનું શું? તે ઉંમરના 45માં વર્ષે સાવ એકલી પડી ગઈ હોય છે. તેની જિંદગી બિઝી હોવાં છતાં તેનો સમય અને એકાન્ત તેને કોરી ખાય છે. તેને એક જ દ્વિધા હોય છે કે હવે હું શું કરું? પતિની બિઝી લાઈફ અથવા અવગણનાએ સ્ત્રીને સમય નામની સૌથી મોટી વણમાગી ભેટ આપી હોય છે. એક એવો શૂન્યાવકાશનો ટૂકડો કે જે ભરવા માટે તે હવાતીયાં મારતી રહે છે. તેનો લીલોછમ માળો જાણે શાંત પડી ગયો હોય છે. પક્ષી (પતિ) જાણે માત્ર રાતવાસો કરવા જ આવતો હોય છે અને સવાર પડતાં જ ઊડી જાય છે. દર્પણ તેનો સાથી બનીને કહી રહ્યો હોય છે કે તેની સુંદરતા કરમાઈ રહી છે. એક સમયે વસ્ત્રો તંગ થતાં ત્યારે તે શરમાતી અને આજે હવે વસ્ત્રો તંગ થઈ રહ્યા હોય ત્યારે તે ઝંખવાઈને નિરાશ થઈ જાય છે.

મેનોપૉઝના કારણે 45ની આસપાસ પહોંચેલી સ્ત્રી માનસિક અને શારીરિક સમસ્યાથી પીડાતી હોય છે, ત્યારે તેને સમજવાવાળું તેની આસપાસ કોઈ હોતું નથી. વારંવાર તેનો મૂડ સ્વિંગ થાય છે પણ તેના મૂડને સમજનારું પણ હોઈ હોતું નથી. તે ગુંગળામણ અને અકળામણ અનુભવે છે, પણ તેની આ પીડા, હતાશા,વસવસો અને તરફડાટ ઘરની ચાર દીવાલોમાં ડુસકાં બનીને શાંત થઈ જાય છે. જાણે કે તે ફરી એકવાર પ્રસવ પીડા અનુભવતી હોય છે અને સ્ત્રી પોતાની કાળજી લેતું હોય એવા પાત્ર તરફ ઢળે છે. તેનામાં પ્રેમનાં અંકુર ફૂટે છે. સ્ત્રી એવા પાત્રને ચાહવા લાગે છે કે જે તેને આત્મવિશ્વાસ, ખુમારી અને જુસ્સો આપે છે.સ્ત્રી આ ઉંમરે એવા પાત્રની ખોજ કરે છે કે જે પાત્ર સ્ત્રીને જિંદગી જીવવાનું એક નવું કારણ પણ આપે છે. જ્યારે મોટી ઉંમરે સ્ત્રી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે તે પ્રેમ સિવાય અન્ય કોઈનો પણ વિચાર કરતી નથી.ઉંમરનો આ પડાવ છે કે તે હવે દુનિયાદારીની ચિંતા પણ કરતી નથી. પ્રેમ તો તેનામાં પહેલેથી જ  હતો પણ એ સ્વેચ્છાએ પ્રેમ સંકેલીને બેઠી હતી. એણે ગૃહસ્થજીવનમાં પોતાના પ્રેમને પાંજરામાં કેદ રાખ્યો હતો,પણ હવે તેને કોઈની પરવા કર્યા વિના પ્રેમના આકાશમાં ઊડવું છે. જ્યારે પોતાના પરિવારના પક્ષીઓ જ ઉડી ગયાં છે તો હવે એ પણ જરાક પાંખો ફફડાવે તો ખોટું શું છે? એને આખું આકાશ નથી જોઇતું. એને ઊડીને ચાલ્યા જવું નથી. એને તો બસ થોડી અમસ્તી મોકળાશ જોઇએ છે, તો એમાં ખોટું શું છે?

 

દિનેશ દેસાઈ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]