આર્થિક નિર્ભરતાથી સ્ત્રીને સાચે જ બધું મળી જાય?

હિલાઓની આર્થિક નિર્ભરતાએ મહિલાઓને વધુ આત્મવિશ્વાસી બનાવી દીધી છે. પરંતુ હકીકતમાં જોવા જઇએ તો શું મહિલાઓની સ્થિતિ બદલાઇ છે ખરી કે પછી સ્થિતિ એમની એમ જ છે. બદલાઇ છે તો એ છે માત્ર મહિલાઓની આર્થિક નિર્ભરતા. આ સવાલ વિચારવા જેવો છે, સૌ પહેલાં જોવા જઇએ તો મહિલાઓ માટે આઝાદી એટલે આર્થિક નિર્ભરતા છે. જો મહિલાઓ આર્થિક રીતે નિર્ભર હશે તો તે કોઇ પણ નિર્ણય સહજતા અને આત્મવિશ્વાસથી લઇ શકે છે. પરંતુ શું સાચે જ આવું સંભવ છે ખરું?women distress

આજે પણ કેટલીક જગ્યાએ દહેજ અને દહેજના લીધે થતી હત્યાઓના કિસ્સા સામે આવતાં હોય છે. અને છોકરીઓને લગ્ન કરવા માટે શરતો પણ રાખવામાં આવે છે અને હવે એમાં એક શરતનો વધારો પણ થઇ ગયો છે કે છોકરી ઘરના કામકાજમાં નિપૂણ હોય તેની સાથે એ નોકરી પણ કરતી હોવી જોઇએ. હું હાલના જ એક મુદ્દાની વાત કરવા માગીશ. ફિલ્મ પદ્માવત..સૌ કોઇને ખબર હશે હાલ આ મુદ્દે કેટલો હોબાળો ચાલી રહ્યો છે, કરણી સેનાએ આ ફિલ્મ રીલીઝ ન થાય તે માટે વિરોધ યથાવત રાખ્યો છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય સંભળાવી દીધો છે. કે હવે આ ફિલ્મ દરેક રાજ્યમાં રીલીઝ કરવામાં આવશે. કરણી સેનાની વાત પણ સાચી હોઇ શકે કે ઇતિહાસ સાથે કોઇ ચેડાં હોઇ શકે છે. પણ કેટલાક સમાજમાં જ્યારે છોકરી જન્મતી ત્યારે તેને જન્મતાંવેંત જ મારી નાખવામાં આવતી. અત્યાર સુધીમાં લાખો ભ્રૂણહત્યા કરી દેવામાં આવી હશે. ત્યારે કેમ કોઇ વિરોધ કરવા ન આવ્યું, જ્યારે એક નાની એવી બાળકી પર બળાત્કાર થાય છે ત્યારે કેમ કોઇ વિરોધ કરવા નથી આવતું, ત્યારે કેમ કોઇ અવાજ નથી ઉઠાવતું. અને હાલ ઇતિહાસને લઇને આટલી હદે વિરોધ કરી રહ્યાં છે કે સરકારની સંપત્તિને પણ નુકસાન થઇ રહ્યું છે.

છોકરીને જાતજાતનું ખાવાનું બનાવવાની સાથે સાથે તેને શિવણકામ, ભરતકામ આવડવું જરૂરી છે પછી ભલે તે ઓફિસના ગમે તેટલા ઉંચા પદ પર હોય, જ્યાં છોકરી રસોઇ બનાવવામાં નિપુણ ન બને ત્યાં સુધી તેનું છોકરી હોવુ વ્યર્થ છે. છોકરીઓની કોઇ પણ સિદ્ધિઓનું તેમને મન કંઇ જ ન આવે. લગ્ન બાદ છોકરીની કમાણીનો તેના કુટુંબ પર કોઇ હક રહેતો નથી તમામ હક સાસરીયાંઓનો થઇ જાય છે આવું વિચારવા પણ ઘણાં લોકો હોય છે. કેટલો ખર્ચ ક્યાં, કોના પર અને શા માટે કરે છે તેની પણ પતિ પાસે સંમતિ લેવી જરૂરી છે. આમાં કહેવાનુ એટલું છે કે છોકરી કોઇ પણ નિર્ણય તેની મરજીથી લઇ શકતી નથી. પરિવાર અને સમાજમાં હજુ પણ એવું માનવામાં આવે છે કે પ્રમોશન થાય તો તે પતિનું થાય પછી ભલે પત્ની પતિ કરતા વધુ કમાતી હોય અને ઉંચા પદ પર હોય પણ પરંતુ સમાધાન કરવું હોય તો તે પત્નીએ કરવાનું. પુરુષની જેમ મહિલાઓ પણ ઓફિસમાં તણાવભર્યુ કામ કરી માનસિક ત્રાસ સહન કરતી હોય છે છતાં પણ ઘરે આવીને રસોઇથી માંડીને વાસણ માંજવા સુધીનું કામ માત્ર સ્ત્રીએ જ કરવું પડે છે.women

બાળકનું હોમવર્ક, નાનીનાની એક્ટિવિટીઝથી લઇને તમામ કાર્ય પ્રત્યે ધ્યાન માત્ર માતાએ જ આપવાનું. બાળકોની સંગતનું ધ્યાન રાખવું, તેમને સંસ્કાર આપવા આ તમામમાં માતાનો જ હાથ હોય છે. પછી ભલે પતિ બાળકો સામે દારુ સિગરેટ પીવે કે પત્ની પર હાથ ઉઠાવે. પરંતુ રોલ મોડલ બનાવવામાં અને અસંસ્કારી બાબતોથી બાળકોને બચાવવાની જવાબદારી માતાની જ હોય છે. બાળકોને પરીક્ષામાં માર્કસ ઓછા આવે કે તેઓ ખોટી સંગતમાં પડી જાય તો સવાલ પણ માત્ર માતાને જ પૂછવામાં આવે છે. સગાંસંબંધીઓ સાથે હળતાંમળતાં રહેવું, તેમના લગ્નપ્રસંગમાં જવું, તેમના સુખદુઃખમાં સામેલ થવું આ તમામ વસ્તુ પત્નીને જ કરવી પડતી હોય છે. મહિલા પોતે ભલે શારીરિક સમસ્યાઓથી પીડાતી હોય પણ તેના ઘરપરિવારની તંદુરસ્તીનો ખ્યાલ રાખવો એની જવાબદારી છે. શાકમાં મીઠું વધુ પડી જાય કે પછી રસોઇ બનાવવામાં મોડું થઇ જાય તો તરત તેની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવે છે.

માત્ર આર્થિક નિર્ભરતા જ પૂરતી નથી, ભાવનાત્મક આત્મનિર્ભરતાની સાથે સાથે નિર્ણય લેવાની આઝાદી પણ જરૂરી છે. માનસિક સ્તરે તેમને સમાન દરજ્જો આપવો પણ ખૂબ જરૂરી છે. જો કે આ માટે હજુ પણ મહિલાઓએ ઘણી રાહ જોવી પડે એવું લાગી રહ્યુ છે કારણ કે હજુ પણ મહિલાઓએ ઘણી બધી જગ્યાએ સમાધાન કરવું પડતું હોય છે. મહિલા આઝાદ થઇ હોવા છતાં પણ આઝાદ નથી થઇ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]