શું છે PCOS? કેવી રીતે રાખશો કાળજી?

જકાલ યંગસ્ટર્સની લાઇફ બગડતી જઇ રહી છે. ખાસ કરીને યુવતીઓની લાઇફમાં ખૂબ ફેરફાર થઇ રહ્યા છે. રોજીંદા ખાવા પીવામાં, ઉંઘમાં ફેરફારને કારણે યુવતીઓની લાઇફસ્ટાઇલ બગડે છે. જેને લીધે તેનુ માસિક પણ અનિયમિત બની જાય છે. જેને કારણે આગળ જતા ઇન્ફર્ટિલિટી જેવી સમસ્યા થઇ શકે છે. PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ નામની તકલીફ થાય છે.સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં હોર્મોન્સનું બેલેન્સ હોવુ મહત્વનું છે. આજકાલ વધી રહેલા હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે PCOS નામની તકલીફ થઇ રહી છે. આ સ્ત્રીની ઓવરીને લઇને સંબંધિત હોય છે. આ રોગ 15 થી 40 વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ રોગને કારણે સ્ત્રીને ખીલ તેમજ વધુ પડતા વાળની સમસ્યા સતાવે છે. તો કોઇ સ્ત્રીને વજન વધારે હોય અથવા તો અચાનક એમનુ વજન વધી જાય છે. આ રોગને કારણે બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ લેવલ વધવુ , માસિક એકદમ અનિયમિત આવવુ જેવા પ્રોબ્લેમ્સ થાય છે.

સૌથી પહેલા તો આ રોગ કઇ રીતે થાય છે એ સમજીએ. સ્ત્રીની ઓવરીમાં જીવનભરના એગ્સ જમા થયેલા હોય છે, જેમાંથી દર મહિને એક એગ પુખ્ત બને છે. ઓવરીમાં આ બધા એગ્સ ફોલિકલની અંદર સુરક્ષિત હોય છે, જે એક પ્રવાહીરૂપ પદાર્થ છે અને દરેક એગ ફરતે વીંટળાયેલો છે. જ્યારે એગ પુખ્ત થઈ જાય ત્યારે આ ફોલિકલ તૂટે છે અને એગ છૂટું પડી ઓવરીમાંથી બહાર આવે છે. આ બહાર આવવાની જે પ્રક્રીયા છે એ મગજની પિચ્યુટરી ગ્રંથિ દ્વારા હૅન્ડલ થાય છે. આ ગ્રંથિ જ લોહીમાં સ્ત્રી-હૉર્મોન એસ્ટ્રોજનને રિલીઝ કરે છે, જેનાથી એગ ઓવરીમાંથી છૂટું પાડવામાં મદદ મળે છે. પરંતુ જ્યારે શરીરની આ હૉર્મોનની અછત સર્જા‍ય છે ત્યારે આ એગ ઓવરીમાંથી છૂટું પડતું નથી અને ઓવરીની અંદર જ રહી જાય છે.મોટાભાગે ઓવરવેઇટ સ્ત્રીઓને આ પ્રકારનો રોગ વધુ જોવા મળે છે. પરંતુ જે સ્ત્રીઓ ઓવરવેઇટ નથી તેઓ પણ આ રોગનો શિકાર બની શકે છે. નાની ઉંમરમાં વધુ પડતો સ્ટ્રેસ લેવો, જલદી આવતી મેચ્યોરિટી, ભણવાને કારણે ફિઝિકલ એક્ટિવિટીમાં કે સ્પોર્ટ્સમાં ઓછુ ધ્યાન આપવુ, ફેટયુક્ત ખોરાક અને બેઠાળુ જીવનને કારણે આવુ થાય છે. આ તકલીફ પાછળ મોટેભાગે ખોટી લાઇફ સ્ટાઇલ જવાબદાર હોય છે. આ રોગની આમ તો કોઇ દવા નથી, તમે જેમ તમારી લાઇફ સુધારશો તેમ રોગથી મુક્ત થઇ શકશો. 15 થી 22 વર્ષની યુવતીને આના માટે કોઇ દવા આપવાની જરૂર નથી હોતી. જો તે પહેલાથી પોતાની લાઇફ સ્ટાઇલમાં સુધારો કરે, ખાવા-પીવામાં ધ્યાન આપે, વજનમાં ધ્યાન આપે તો આ પ્રોબ્લેમ જાતે જ દૂર થઇ જશે.

આ પ્રોબ્લેમ ન થાય એના માટે ખાસ ડાયટ પર ધ્યાન રાખવુ જોઇએ. તમે ખોરાકમાં ગાયનું દૂધ, પનીર, દહીં, એગ્સ લઇ શકો છો. જો કે ઘણીવાર એવુ પણ બને છે કે તમે ડેરી પ્રોડક્ટ્સ બંધ કરો તો આ તકલીફ દૂર પણ થઇ શકે છે પરંતુ એ કેસ પર આધાર રાખે છે. જેને આ તકલીફ હોય એવી યુવતીઓએ ફળો અને શાકભાજી પૂરતી માત્રામાં ખાવા જોઇએ. અવાકાડો, અખરોટ, રાઇઝ, ઓલિવ ઓઇલ લઇ શકાય. સાથે જ વધુ પડતી શુગર ખાવાનુ ટાળવુ જોઇએ અને ધીમે-ધીમે બંધ કરી દેવુ જોઇએ. જમવાનો સમય પણ ચોક્કસ રાખવો જોઇએ.જ્યારે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોય ત્યારે પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, વધુ પડતી શુગર કે મીઠાવાળું ફૂડ, કોલ્ડડ્રીંક્સ નુક્સાન કરે છે. ડાયેટ સાથે એક્સરસાઇઝ પણ એટલી જ મહત્વની છે. સ્પોર્ટ્સ કે સ્વિમિંગ જેવી ફિઝિકલ એક્ટિવિટી પણ કરી શકાય છે. આ સિવાય ટેન્શનથી બને એટલા દૂર રહેવુ જોઇએ. સાથે દરરોજ 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઇએ.