સ્ત્રીમાં શું મહત્વનું? સુંદરતા કે સ્વભાવ?

ક સ્ત્રીમાં સુંદરતા કે દયાભાવના શું વધુ મહત્વનું છે? મોટા ભાગના લોકો સુંદરતા કહેશે. પરંતુ આજના યુવાનો સ્ત્રીમાં સુંદરતા નહીં પરંતુ સારા સ્વભાવની અપેક્ષા રાખતા હોય છે. પુરુષો સ્ત્રીના દયાળુ સ્વભાવને વધુ પસંદ કરતા હોય છે. હવે પુરુષોની માનસિકતા બદલાઇ છે, તેમના વિચારોમાં ચેન્જ આવ્યો છે. સુંદરતા તો મેકઅપ કરવાથી પણ મળી જશે પરંતુ દયાળુ અને સારો સ્વભાવ નહીં મળે.તમારો કઠોર, એટિટ્યુડ અને ઇગોથી ભરેલો સ્વભાવ તમે મેકઅપમાં નહીં છૂપાવી શકો. તમે સુંદર છો તો એ ઇશ્વરની દેન છે અને એના માટે તમારે ખુશ પણ થવું જોઇએ પરંતુ જો સુંદરતાની સાથેસાથે તમારો સ્વભાવ પણ સુંદર છે તો તમારે ખુશ નહીં પરંતુ ઇશ્વરનો આભાર માનવો જોઇએ. કારણ કે એ ખૂબ ઓછા લોકોમાં જોવા મળતો હોય છે.

સુંદરતામાં પણ એવુ છે કે કેટલા મેકઅપ અને કોસ્મેટીક વાપર્યા બાદ પણ થોડો જ ફેર પડશે. જો સુંદરતામાં ફરક આવશે તો પણ એ વધુ સમય સુધી નહીં ટકી શકે. હજુ પણ એવું છે કે ઘણા પુરુષો સ્ત્રીના સૌંદર્ય પાછળ ઘેલા થાય છે. સ્ત્રીની સુંદરતા જોઇને પુરુષ આકર્ષિત થાય છે અને સુંદરતાને જોઇને સંબંધ લગ્નમાં પણ પરિણમે છે. પરંતુ હવે આ પહેલાંની માનસિકતા નથી રહી. પુરુષો હવે સ્ત્રીના સૌંદર્ય પહેલા સ્ત્રીનો સ્વભાવ જોવે છે. લગ્ન માટેની અલગ-અલગ વેબસાઇટ હોય છે એમાં વ્યક્તિની પ્રોફાઇલમાં સારા ફોટો રાખવામાં આવે છે કે એક સારો ફોટો જોશે અને પસંદ કરી લેશે. પણ હવે વિચારોમાં બદલાવ આવી ગયો છે. લોકો તમારી પ્રોફાઇલ, તમારા વિચારો, તમારી હોબીઝ પરથી માણસ કેવુ હશે એનુ અનુમાન લગાવતા હોય છે. અને ઘણા બધા પુરુષોએ સ્વીકાર્યુ પણ છે કે મહિલાની સુંદરતા કરતા તેઓને મહિલાઓનો સ્વભાવ વધુ આકર્ષિત કરે છે. દેખાવમાં સ્ત્રી ઓછી સુંદર હશે તો ચાલશે પરંતુ તેનો સ્વભાવ તો સારો હોવો જ જોઇએ.

આજે સ્ત્રી અને પુરુષ બંને એક સમોવડા ગણવામાં આવે છે. પહેલા એવુ હતુ કે સ્ત્રીને ઘરની ચાર દિવાલોમાં રહેવાનું અને ઘરનું કામ કરવાનુ. ત્યારે સ્ત્રીને એટલુ શિક્ષણ પણ આપવામાં નહોતુ આવતુ એટલે ઘર સંભાળવા સિવાય એની પાસે બીજી કોઇ આવડત પણ નહોતી અને તેની પાસેથી એટલી અપેક્ષા પણ રાખવામાં નહોતી આવતી. આવા સમયે સ્ત્રીઓની સુંદરતા સિવાય બીજી કંઇ અપેક્ષા રાખવામાં નહોતી આવતી. પરંતુ આજે જમાનો કંઇક અલગ જ છે, આજે સ્ત્રીઓ પુરુષોથી પણ આગળ છે. સ્ત્રીઓનો પોતાનો અવાજ છે, પોતાની ઓળખ છે, આજે સ્ત્રીઓને પોતાના માટે કોઇ પાસે હાથ ફેલાવા નથી જવુ પડતુ. આવી સ્ત્રીમાં પણ જો પુરુષ એક સ્ત્રીમાં સુંદરતા જોવે તો એ મૂર્ખ ગણાય. ઘણીવાર આજે પણ સ્ત્રીનો અવાજ દબાવવામાં આવે છે, ઘરમાં બેસીને કામ કરે અને સાસુ-સસરા અને પતિની અપેક્ષા પૂરી કરે એવુ ઇચ્છવામાં આવે છે. પણ આવુ કરનારા લોકો મૂર્ખ છે. જો સ્ત્રીને છૂટ આપીને કામ કરવા દેશો તો એક દિવસ દિકરાથી પણ આગળ જઇને બતાવશે. અને જે કામમાં પુરુષને ફાંફા પડતા હશે એ કામ સ્ત્રી કરી બતાવી એના કરતા પણ આગળ વધી જશે. દરેક પુરુષ એક સ્ત્રીમાં સારા સ્વભાવની સાથે હકારાત્મક સ્વભાવની પણ જોવે છે. જો દરેક પુરુષ આ સમજણ રાખશે અને સમજશે તો સાચી રીતે પુરુષમાં સમજદારીનું પ્રમાણ છે એમ કહી શકાય.

આજે સ્ત્રીઓ નોકરી અને એની લાઇફમાં એટલી વ્યસ્ત હોય છે કે પરિવારજનોને સમય આપવો મુશ્કેલ થઇ જાય છે. પુરુષને આવી સ્ત્રીઓ પસંદ નથી પડતી. તેઓ દયાળુ સ્વભાવની સાથે સ્ત્રી પાસેથી કેરીંગ નેચરની પણ આશા રાખતા હોય છે. સ્ત્રીઓ વ્યસ્ત જીંદગીમાં દરેક વસ્તુને સમય નથી આપી શકતી. ત્યારે આ બાબત પુરુષોનો મનમાં ખટકતી હોય છે. કે હું લગ્ન કરીને સ્ત્રીને મારા ઘરે લાવ્યો છું તો એ મને, મારા ઘરને પૂરતો સમય આપે, અમારી જરૂરીયાતો પૂરી કરે. આજની મહિલાઓ દુનિયા સાથે તાલમેલ રાખીને આગળ વધવામાં માને છે. સ્માર્ટ અને સફળ કરીયર ધરાવતી સ્ત્રીઓ સુંદરતામાં પણ એટલી જ માહીર હોય છે. પરંતુ સ્માર્ટ, સફળ કે સુંદર હોય, પુરુષ પહેલા સ્ત્રીનો સ્વભાવ અને જરૂરીયાત જોવે છે. શું હું જે સ્ત્રીને પરણુ છું એ મારા ઘરને સાચવશે ખરી? શું એ મારી અને મારા પરિવારની જરૂરીયાત પૂરી કરશે ખરી? પરંતુ આ દરેક વસ્તુમાં પુરુષ એ વાત ભૂલી જાય છે કે સ્ત્રીની પોતાની પણ એક લાઇફ છે, જે એ લાઇફ જીવતી આવી છે એમાં એડજસ્ટ કરીને સાસરી પક્ષને અપનાવે છે.

પરંતુ આવા સમયે પુરુષ એ ભૂલી જાય છે કે સ્ત્રીની શું ઇચ્છા હશે. તમારા ઘરમાં આવીને સેટ થાય છે દરેક વસ્તુને પોતાની બનાવીને અપનાવે છે પરંતુ જ્યારે એની જરૂરીયાત પર ધ્યાન નથી દેવાતુ ત્યારે એક સમયે એ નાસીપાસ થઇ જાય છે કે આટલુ કરવા છતાં પણ મને શું મળે છે?  આવા સમયે જો પુરુષ અને સ્ત્રી બંને એકબીજાને સમજીને રહેશે તો સંબંધ લાંબા સમય સુધી ટકી રહેશે. આજના યુવાનો પ્રેક્ટિકલ છે , એ સમજે છે કે જીવન સારી રીતે જીવવુ હોય અને સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવા હોય તો સુંદરતા કરતા સ્ત્રી સમજદાર હોવી વધુ જરૂરી છે. અને જો સામે પુરુષમાં પણ આટલી સમજૂતી હશે તો જીંદગી હશી ખુશીથી વિતાવી શકશો.