નવરાત્રીમાં આ નવો ટ્રેન્ડી લુક અપનાવી ગરબે ઘૂમવા થઈ જાવ તૈયાર…

નવરાત્રીમાં કાંઇ નવુ ન આવે તો એ નવરાત્રી કેમની કહેવાય? દરેક નવરાત્રીમાં કાંઇક ને કાંઇક નવુ આવ્યા જ કરે છે પછી એ ફેશન હોય કે પછી ગરબા સ્ટાઇલ હોય કે નવો ગરબો હોય. અને આજના યંગસ્ટર્સ કાંઇક નવુ અપનાવવામાં બિલકુલ ખચકાતા નથી.. હવે આજની યુવતીઓની નવરાત્રીની ફેશન સ્ટાઇલની જ વાત કરી લો. યુવતીઓ તમને માત્ર ચણીયા ચોળીમાં જ નહી પરંતુ ધોતી, કેડિયા જેવા ઇન્ડો વેસ્ટર્ન લુકમાં પણ દેખાતી હશે. હજુ પણ નવરાત્રીના ઘણા દિવસો બાકી છે અને જો તમે પણ ચણીયા ચોળી પહેરવા નથી માગતા અને તમારા લુક સાથે કંઇક નવુ એક્સપેરિમેન્ટ કરવા માગો છો તો તમે ટ્રાય કરી શકો છો ઘણા બધા નવા પ્રકારના ઇન્ડો વેસ્ટર્ન.ઇન્ડો વેસ્ટર્ન લુકમાં અત્યારે એટલી બધી ફેશન નીકળી છે કે તમારે એના માટે વધુ રૂપિયા ખર્ચવાની પણ જરૂર નહી પડે. તમારી પાસે ઘરમાં ચણીયા ચોળી પડ્યા હશે એમાંથી જ તમે કાંઇક નવુ પહેરી શકશો. ચણીયા ચોળી, બ્લાઉઝ, દુપટ્ટાનો અલગ-અલગ રીતે ઉપયોગ કરીને નવો લુક લઇ શકો છો. સૌથી પહેલા વાત કરીએ તો તમારી પાસે જીન્સ તો હશે જ. હવે આ જીન્સ પર કોઇ ક્રોપ ટોપ અથવા તો તમારા ચણીયા ચોળીનું બ્લાઉઝ પહેરી તેની પર મિરર વર્ક અથવા તો ગામઠી કચ્છી વર્કનો દુપટ્ટો લઇ તેની પ્લીટ્સ બનાવી બ્લાઉઝ પર લગાવી દો અને તેની સાઇડની પ્લીટ્સ જીન્સમાં લગાવી દો. આની સાથે જ્વેલરીમાં તમે ઇયરિંગ્સ, ટીકો અને કંદોરો નાખી શકો છો જે તમને ટ્રેડિશનલ સાથે વેસ્ટર્ન લુક આપશે અને ગરબા રમવાની પણ એટલી જ મજા આવશે.

હવે તમે રોજબરોજના દિવસોમાં જે કુર્તી પહેરો છો એને પણ તમારા નવરાત્રીના લુકમાં ઉમેરી શકો છો. જીન્સ સાથે થોડી મિરર વર્ક વાળી અથવા તો ગામઠી જેવી કુર્તી હોય તેને પહેરો અને તેની પર કંદોરો અથવા તો ટ્રેન્ડી બેલ્ટ બાંધી લો. તમારી પાસે ચણીયા ચોળી પર પહેરવા માટે ઓક્સોડાઇઝ અથવા તો કોડીનો કંદોરો તો હશે જ તો એને કુર્તી પર લગાવી દો જે તમને એક ગ્લેમરસ લુક આપશે.તમે તમારા ટ્રેન્ડી મિરર વર્ક દુપટ્ટા સાથે પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. જીન્સ ઉપર ટાઇટ સ્ટ્રેપ ટોપ પહેરી લો. હવે તેની પર તમારા ટ્રેન્ડી દુપટ્ટાને તમે અલગ-અલગ શ્રગ બનાવીને નાખી શકો છો. દુપટ્ટાને અલગ-અલગ રીતે શ્રગ બનાવીને કઇ રીતે પહેરવો એના ટ્યુટોરીયલના વિડીયો તમને યુટ્યુબ પર ખૂબ સહેલાઇથી મળી રહેશે. તમે જે રીતે ઇચ્છો એ રીતે દુપટ્ટા સાથે નવી-નવી ડીઝાઇન કરી શકો છો. બ્લાઉઝને ચણીયાની સાથે પહેરવા કરતા એને જીન્સની સાથે પહેરશો તો એક ફ્યુઝન લુક પણ મળશે. અને જીન્સ પર બેલ્ટ પહેરવાની જગ્યાએ કંદોરો બાંધી લો અને કાનમાં મોટા ઇયરિંગ્સ પહેરી લો. ઓક્સોડાઇઝ અને કોડી સિવાય પણ અનેક કંદોરા અત્યારે બજારમાં મળી રહ્યા છે.અન્ય પણ કેટલીક સ્ટાઇલ છે જેને તમે અનુસરી શકો છો. ડેનિમના સ્કિન ટાઇટ જીન્સ પર બ્લેક ટી-શર્ટ પર કેડિયુ પહેરી શકો છો જે તમને એકદમ કુલ લુક આપશે. કેડિયુ પહેરી માથામાં દુપટ્ટાની પાઘડી બનાવી પહેરશો તો એક ટ્રેન્ડી લુક મળશે. જીન્સ સિવાય હવે ધોતી પર પણ યુવતીઓ પોતાની પસંદગી ઉતારી રહી છે. નીચે પોમ-પોમ વાળી ધોતી જેવુ પહેરી ઉપર ગામઠી ટોપ અથવા તો એના જેવુ જ પોમ-પોમ વાળુ ટોપ પહેરી શકો છો. આ સિવાય શોર્ટ અનારકલી ટોપ પણ ખૂબ સરસ લાગે છે. તો હજુ પણ નવરાત્રી બાકી છે તો તમે પણ આ રીતે જ ટ્રેન્ડી લુક અપનાવી ગરબે ઘુમવા તૈયાર થઇ જાવ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]