ટ્રેડિશનલ ડ્રેસ પર ખૂબ જામશે આ હેર સ્ટાઇલ

હેવાર અને લગ્નની સીઝન આવી રહી છે ત્યારે ટ્રેડિશનલ ડ્રેસની તો તમે પસંદગી કરી જ લીધી હશે. પરંતુ આવા પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસને તમે કઇ રીતે સંભાળશો, કેવી જ્વેલરી પહેરશો એ દરેક વિશે વિચારવુ જરૂરી છે. કપડાં અને જ્વેલરી તો નક્કી કરી લેશો, પરંતુ મેકઅપ કે હેરસ્ટાઇલ યોગ્ય ન હોય તો ડ્રેસની મજા જ ખરાબ થઇ જાય છે. તમારા તમામ પ્રયત્નો છતાં પણ સારો દેખાવ ન મળે. હેર સ્ટાઇલ વ્યવસ્થિત ન હોય તો પછી તમે ભલે ગમે એટલા મોંઘા કપડાં પહેરશો છતાં પણ સારા ન લાગતાં મૂડ ડાઉન થઇ જાય છે. તમામ વસ્તુઓને સાથે રાખીને ટ્રેડિશનલ લૂકને કઇ રીત સંભાળી શકાય તે જાણવુ ખૂબ જરૂરી છે.

અત્યારે એક્ટ્રેસમાં સૌથી વધુ હોટ ફેવરીટ હેરસ્ટાઇલ ચાલતી હોય તો તે છે સ્ટ્રેટ હેર. કોઇપણ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસમાં સ્ટ્રેટ હેર ખૂબ સરસ લાગે છે. તમે સાડી પહેરો, ડ્રેસ હોય, ઇન્ડો વેસ્ટર્ન હોય કે પછી કુર્તી હોય આવા તમામ પ્રકારના ડ્રેસમાં સ્ટ્રેટ હેર તમને ડીસન્ટ લુક આપશે. જો તમારા વાળ નાના છે તો પોકર હેર સ્ટ્રેટ લુક પણ ખૂબ સારો લાગશે. આ હેર ઓફ શોલ્ડર ડ્રેસીસ પર વધુ સારા લાગે છે. અને આમ પણ અત્યારે ઓફ શોલ્ડર ડ્રેસની ઘણી બોલબાલા છે. ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા ઘણી વખત આવી હેર સ્ટાઇલમાં જોવા મળે છે. હવે સાડીની વાત આવે એટલે મનમાં તરત આપણને જૂની અને જાણીતી હેરસ્ટાઇલ અંબોડો જ તરત યાદ આવે. જી હા, બિલકુલ કોઇપણ પ્રકારની સાડી હોય, સિલ્ક, કાંજીવરમ, બાંધણી કે લહેરિયુ દરેક પ્રકારની સાડીમાં અંબોડો ખૂબ સરસ લાગે છે. અને જો અંબોડાની સાથે મોગરાની સફેદ વેણી નાખવામાં આવે તો તો સોને પે સુહાગા જેવી વાત થઇ જાય.

અંબોડાની વાત કરી જ છે તો એવુ પણ નથી કે તમારે સિમ્પલ અંબોડો જ લેવો. ઘણી સાડી એવી હોય છે કે જેમાં મેસી લુક અંબોડો પણ સારો લાગે છે. દિપીકા પદુકોણને તમે ઘણી વાર આ પ્રકારના લુકમાં જોઇ હશે. મેસી લુક અંબોડો બનાવી, આગળથી લટ બહાર કાઢી હેર સ્ટાઇલ કરશો તો એ ખૂબ જ સરસ લાગશે. હવે તમે એવુ માનતા હોવ કે ચોટલાની ફેશન જૂની થઇ ગઇ છે તો એ તમારી વાત તદ્દન ખોટી છે. ટ્રેડિશનલ ડ્રેસમાં ચોટલો હંમેશા સરસ જ લાગે છે. ચોટલો તમે સરસ રીતે ઓળો કે પછી એને મેસી લુક આપો બંને પ્રકારના ચોટલા ટ્રેડિશનલ ડ્રેસ પર સારા લાગશે. આ સિવાય તમે સાઇડમાં પાંથી પાડીને પણ વાળ ઓળી શકો છો. વાળને નીચેથી થોડા ટર્ન કરીને અથવા તો કર્લ્સ કરીને સાઇડ પાંથી પાડી દરેક વાળને આગળની સાઇડ લઇ લો. આ પ્રકારની હેરસ્ટાઇલની સૌથી સારી વાત એ છે કે આમાં વધુ સમય નથી જતો. કોઇપણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ હેરસ્ટાઇલ બ્યુટીફુલ લાગશે.

ડ્રેસ કે ગાઉનમાં થોડા કર્લ્સ સાથે અથવા તો સ્ટ્રેટ હેર સાથે હાફ પોની પણ સારી લાગે છે. પરંતુ વાળ એકદમ ખેંચીને ઓળવા કરતા થોડો મેસી ટાઇપ પફ જેવુ કરીને હાફ પોની લેશો તો સારો લુક આપશે. શોર્ટ હેર હોય તો પણ તમે ટ્રેડિશનલ ડ્રેસમાં સારી એવી હેર સ્ટાઇલ કરી શકો છો. ભીના વાળને તમારા હાથથી જ સેટ કરી દો અને પછી વાળ કોરા થશે એટલે બોહેમિયન વેવ્ઝ જેવો લુક આપશે. આ તમામ પ્રકારની હેર સ્ટાઇલ માટે તમારી પાસે એક સ્ટ્રેટનર અને એક કર્લર મશીનની હોવુ ખૂબ જરૂરી છે. જે હવે બજારમાં ખૂબ સહેલાઇથી અને સસ્તા ભાવે મળી રહે છે. જો કે હવે તો બંને મશીનનું કામ એક મશીને જ સંભાળી લીધુ છે એટલે તમારે સ્ટ્રેટનર અને કર્લર મશીન અલગ-અલગ લેવાની જરૂર પણ નહી પડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]