થીમ બેઝ્ડ મેરેજ ટ્રેન્ડમાં આ વર્ષે ઈન થિંગ છે…

દી તારી માસી રે ઢીંગલી, દરીયો તારો દાદો રે.. લોકજીવનની આ કહેવત મને અહીં યાદ આવે છે. દીકરી સમજણી થાય ત્યારથી ઢીંગલા ઢીંગલીની રમત રમતાંરમતાં પોતાના લગ્નના સપનાં જોવાનું ચાલુ કરી દે છે. લગ્નના એકએક પ્રસંગના કપડાંથી લઇને પાનેતર સુધીની તમામ વસ્તુઓ વિશે વિચારતી થઇ જાય છે. જો કે દીકરી જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ જમાના પ્રમાણે વિચાર પણ બદલાતા જાય છે. બીજાનાં લગ્ન કરતાં મારા લગ્ન કઇ રીતે ખાસ બને તે માટે હંમેશા વિચારતી હોય છે અને કંઇક નવું કરવાની રાહમાં હોય છે. લગ્નની વાત કરીએ તો પહેલાંના જમાનામાં બળદગાડાં, ઘોડા પર વરરાજાની જાન નીકળતી. જો કે ઘોડા પર જાન નીકાળવાનો ટ્રેન્ડ હજુ પણ ચાલી રહ્યો છે. પરંતુ હવે પોતાના લગ્ન યાદગાર બની રહે તે માટે દુલ્હા દુલ્હન કંઇક નવું કરતા જોવા મળે છે. ક્યાંક હેલિકોપ્ટરમાં વરરાજાની એન્ટ્રી થાય છે તો ક્યાંક બાઇક પર એન્ટ્રી કરતાં જોવા મળે છે. હવે લગ્ન સીઝનની શરૂઆત થઇ ગઇ છે તો તમે પણ તૈયારી કરી જ દીધી હશે પરંતુ તમે કંઇ ભૂલતા તો નથી ને?

જી હા, તમે સમજી જ ગયા હશો કે આપણે અહીં વાત કરી રહ્યા છીએ આજકાલ ચાલી રહેલા ટ્રેન્ડ- વેડીંગ થીમ, પ્રિ-વેડીંગ ફોટોશૂટ તેમ જ ઓનલાઇન આમંત્રણની. વાત કરીએ ફોટોશૂટની તો દુલ્હા દુલ્હન પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે યુનિક જગ્યાની પસંદગી પર ઉતારી રહ્યાં છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે ઐતિહાસિક જગ્યા વધુ પસંદ કરી રહ્યા છે. નાના શહેરોની વાત કરીએ તો પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે 8000થી લઇને લાખો સુધીના પેકેજ મળે છે. જ્યારે મેટ્રો સિટીમાં આની કિંમત રૂપિયા 45,000થી લઇને 5 લાખ સુધીની હોય છે. લગ્નના 3-6 મહિના પહેલાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવામાં આવે છે.

હવે વાત આમંત્રણની.. આજકાલની વ્યસ્ત લાઇફમાં કોઇને એટલો સમય નથી હોતો કે દરેકના ઘેર જઇને કંકોત્રી આપી લગ્ન માટે આમંત્રણ આપે. જો કે કંકોત્રી તો હવે માત્ર એક શુકનના રૂપમાં જ જોવા મળે છે. કંકોત્રીની જગ્યા લીધી છે સોશિયલ મીડિયા દ્વારા અપાતા આમંત્રણે. હા, હવે તો લગ્ન માટે આમંત્રણ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપવામાં આવે છે. લગ્નની તૈયારીઓમાં સમય બચાવવા હવે લોકો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યાં છે. લગ્નના કાર્યક્રમ, તેનો સમય, સ્થળ આ તમામ વસ્તુને આવરી લઇ એક વિડીયો તૈયાર કરી વૉટ્સએપ, ફેસબૂક તેમજ અન્ય માધ્યમ દ્વારા મહેમાનોને મોકલાવી આમંત્રિત કરવામાં આવે છે. આ એક એવી વસ્તુ છે કે જેથી તમારો સમય પણ બચશે તેમ જ ખર્ચ પણ ઓછો થશે.

સૌથી મહત્વની વાત વેડિંગ થીમ.. તો વેડિંગ થીમ શું છે એ વિશે વાત કરીએ તો તમારા યાદગાર દિવસને વધુ યાદગાર બનાવવો. વેડિંગ થીમમાં તમે તમારી પસંદગીની જગ્યા નક્કી કરી, તેમા કેવું ડેકોરેશન પસંદ કરશો, કયો કલર પસંદ કરશો આ તમામ વસ્તુની સમાવેશ થાય છે. તમે તમારી કોઇ પસંદગીનું કોઇ થીમ નક્કી કરી શકો છો જે તમારી સ્ટાઇલ, તમારા મૂડને દર્શાવે છે. હાલની વાત કરીએ તો યુવતીઓ ટ્રેન્ડી લૂક પર પસંદગી ઉતારે છે. વેડિંગ થીમ માટે પ્રખ્યાત થીમ જે આજકાલ ચાલી રહ્યાં છે તે છે બીચ થીમ, ફેરી સ્ટાઇલ, વુડ થીમ, વિન્ટર થીમ, ફેસ્ટિવલ વેડિંગ થીમ, પીકોક થીમ છે. જેમ કે તમે પીકોક થીમ પસંદ કરો છો તો તમામ વસ્તુ એજ થીમમાં જોવા મળશે. તમારા વેડિંગ કાર્ડ્સ પણ પીકોક થીમ પર જ હશે. સાથે જ તમારા ફેમિલીના સભ્યોના કપડા પણ આ થીમને લગતા જ હશે. દુલ્હનની એન્ટ્રી પણ કંઇક આ થીમ પ્રમાણે જ થાય છે.

જો કે આ પ્રકારના થીમમાં વધુ ખર્ચો થાય છે. જો તમે ખર્ચ ઓછો કરવા માગતા હોવ તો તમે તમારી પસંદગીની જગ્યા પર એક અલગ પ્રકારનું દેશી અને ગામઠી ડેકોરેશન પણ કરી શકો છો જે આજકાલ ધૂમ મચાવી રહ્યું છે. આ થીમમાં અલગઅલગ કલરનાં દુપટ્ટા તેમ જ ફ્લાવર્સથી ડેકોરેશન કરી એક અલગ લૂક આપવામાં આવે છે. તો તમે આમાંથી કાંઇ ભૂલી તો નથી રહ્યા ને?  અને જો ભૂલ્યા હોય તો હરી અપ!! તરત જ નોટ કરી લો અને લગ્નની તૈયારીઓમાં લાગી જાવ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]