ઘૂંટણનું દર્દઃ બચવા આટલું ધ્યાન રાખો

જકાલ લોકો ન હોય એવી બીમારીઓની ભોગ બની રહ્યાં છે. નાના હોય કે મોટા ઘણાં બધાં લોકોને ગંભીર બીમારી થઇ રહી છે. પછી તમે હેલ્થ કોન્શિયસ હોય કે યોગ કરતા હોવ કે કસરત કરતા હોવ કે પછી ખાવાપીવામાં ધ્યાન રાખતા હો, છતાં પણ બીમારી થાય છે. આટલું ધ્યાન રાખવા છતાં લોકો બીમારીનો ભોગ બને ત્યારે નવાઇ લાગે છે. ટીનેજર્સની વાત કરીએ તો અને એમાં પણ ખાસ કરીને ટીનેજ ગર્લ્સની વાત કરીએ તો લગભગ 10 ટકા જેટલી ટીનેજ છોકરીઓ પગના ઘૂંટણના દુખાવાનો ભોગ બને છે. કેટલાક દુખાવા એવા હોય છે કે જેમાં સર્જરી કરાવવી પડતી હોય છે તો કેટલાક એવા હોય છે કે જેનો ઇલાજ માત્ર ફીઝિયોથેરાપીથી જ કરી શકાય છે.યુવાન છોકરીઓને જે ઘૂંટણમાં દુખાવો થાય છે એ બીમારીને પટેલોફિમોરલ પેઇન સિન્ડ્રોમ કહે છે. આ પ્રોબ્લેમને દૂર કરવા માટે કોઇ સર્જરીની જરૂર નથી પડતી. માત્ર ફિઝીયોથેરપીથી બીમારી દૂર કરી શકાય છે. પરંતુ આ દરમિયાન ખૂબ જ ધ્યાન રાખવુ પડતુ હોય છે. પટેલો એટલે ઘૂંટણની ઢાંકણી અને ફિમોરલ એટલે થાપાનું હાડકું. આ બંનેનું જ્યાં જોડાણ એટલે કે સાંધામાં જે દુખાવો થાય એને પટેલોફિમોરલ પેઇન સિન્ડ્રોમ કહેવાય. જ્યારે ઘૂંટણની ઢાંકણી સાથળના હાડકા સાથે ઘસાય ત્યારે આ દુખાવો થાય છે. આ પ્રકારનો દુખાવો વધુ પડતુ કામ કરતા હોય, ટીનેજર્સ, મજૂર વર્ગના લોકો અને ખાસ કરીને સ્પોર્ટસ પર્સનને વધુ થાય છે. આ ઢાંકણી ઘસાય અને ઢીલી પડે ત્યારે દુખાવો થતો હોય છે. ઘણા લોકોને એવુ લાગે છે કે ક્યાંક ક્રેક થઇ હશે અથવા તો તૂટી ગયુ હશે તો અંદર આટલો બધો દુખાવો થતો હશે. પરંતુ એવુ નથી હોતુ, આ તકલીફ છે એ સ્નાયુઓના ઇમ્બેલેન્સને કારણે થાય છે. ઢાંકણીની આજુબાજુ અમુક સ્નાયુ કડક થઇ જાય છે અને અમુક સ્નાયુ નબળા પડી જતા હોય છે. સ્નાયુઓની જે પકડ હોય છે એ નબળી પડે એને કારણે દુખાવો થાય છે.

સૌથી મોટી વાત કે આ રોગનું નિદાન કઇ રીતે થાય?  આના માટે કોઇ ટેસ્ટની જરૂર નથી. જ્યાં ઢાંકણી છે ત્યાં છોકરીઓને દુખાતુ હોય છે. અને જેમ તમારુ કામકાજ વધે તેમ તમને દુખાવો વધતો જાય છે, આરામ કરવાથી રાહત લાગે છે. ઘણી છોકરીઓને સપાટ તળિયાની પણ તકલીફ રહે છે તેમને આ પ્રોબ્લેમ થઇ શકે. ઘણાના શૂઝમાં પ્રોબ્લેમ હોય અથવા તો કોઇના હિપ્સ એકદમ પહોળા હોય છે જેને લીધે આ તકલીફ થઇ શકે છે. આ એવી તકલીફ નથી કે ગભરાવાની કે ટેન્શન લેવાની કંઇ જરૂર નથી. મોટા ભાગે 99 ટકા ટીનેજરને આ પ્રોબ્લેમ હોય છે. ફક્ત ફિઝીયોથેરપીથી સારા થઇ શકો છો. કોઇ કેસ જ એવા હોય છે કે જેમાં સર્જરીની જરૂર પડે. એના બાયોમેકેનિઝમને ઠીક કરો તો આ બીમારી દૂર થઇ જાય. ફિઝીયોથેરપીમાં જે સ્નાયુ નબળા પડી ગયા હોય એને મજબૂત કરવાના હોય છે. સ્નાયુઓનું ઇમ્બેલેન્સ સરખુ થઇ જાય એટલે દુખાવો પણ મટી જાય છે.

કેટલીક એવી બાબતો છે જેનુ ખાસ ધ્યાન રાખવાનુ હોય છે. સૌથી પહેલા તો આ બીમારીનું ચોકક્સપણે નિદાન કરાવો કે હકીકતમાં ઘૂંટણમાં શું તકલીફ છે. ખબર પડી જાય કે તમને આ જ બીમારી છે તો ધ્યાન રાખો કે શું વધુ કરશો તો દુખાવો વધશે અને નહી કરો તો દુખાવો ઓછો થશે. જો તમે વધુ ચાલતા હોવ અને દુખાવો વધતો હોય તો તમે ચાલવાનુ ઓછુ કરી દો. પછી ઘૂંટણ પર ભાર રાખીને નીચે બેસવુ કે ઉઠક-બેઠક કરવી આ તમામથી દુખાવો વધે છે તો એવી વસ્તુ ન કરવી જોઇએ. આ દુખાવામાં બરફ ખૂબ જ મદદરૂપ થશે. ઘૂંટણને જેટલુ બને એટલુ આરામ આપો અને આઇસપેક લગાવો. પરંતુ આ પહેલા તમે ડોક્ટરની સલાહ ખાસ લો કે તમને આઇસપેકની જરૂર છે કે હીટપેકની. ફિઝીયોથેરપીમાં ઘૂંટણને સ્ટ્રેચ કરવામાં આવે છે અને આ કસરત મહત્વની હોય છે. કારણ કે એના કારણે સ્નાયુઓની શક્તિ વધે છે અને જે ખૂબ જ ટાઇટ સ્નાયુઓ હોય છે તે ઢીલા પડે છે. આ સિવાય બજારમાં ઘૂંટણ પર પહેરવાનો પટ્ટો પણ મળે છે જેને તમે પહેરી શકો છો.