સીમા પટેલનું નારીત્વ: સ્ત્રીઓ અને તેની લાગણીઓને સર્જનાત્મક અંજલિ

ગુજરાતના ચિત્રકળામાં અગ્રણી કલાકારોમાં સીમા પટેલ એક આગલી હરોળમાં બિરાજે છે. અમદાવાદમાં આગામી 23 એપ્રિલ, 2023ના રોજ સિંઘુભવન રોડ પર આવેલા મારુતિનંદન ખાતે સાંજે 5.30થી 9.30 દરમિયાન તેમના આકર્ષક પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવાનું છે જેનો બહુ જ રસપ્રદ વિષય છે: નારીત્વ. આ પરથી જ સમજી શકાય કે કળા દ્વારા પોતાની અંતરની વાતો રજૂ કરતાં સીમા પટેલે અહીં સ્ત્રીઓના વિવિધ સ્વરૂપો અને તેમની વિવિધ ભાવનાઓને વાચા આપવાનું સર્જનાત્મક કામ કર્યું છે.

સીમા 8 વર્ષની કુમળી વયથી ચિત્રકળામાં ખૂબ રુચિ ધરાવતા હતા પરંતુ આ રુચિને ક્યારેય ગંભીરતાપૂર્વક લઈને તેને પૂરતો સમય આપવાનો મોકો જ ન મળ્યો. અરે, તેમને પોતાને એવી કલ્પના સુદ્ધાં નહોતી કે તે ચિત્રકળામાં કશુંક કરી શકે છે. ફેમિલી બિઝનેસ માટે તેમણે કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું અને તે સમયે સૌથી વધુ પ્રચલિત એવા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં તેમણે ડિપ્લોમા પણ કર્યું. અભ્યાસ પૂરો કર્યા બાદ લગ્ન કરીને ઠરીઠામ થયા અને બાળકો થયા પછી તેમના ઉછેરમાં વ્યસ્ત થઈ ગયા. એક સામાન્ય ગૃહિણી જેવો જ જીવનનો ઘટનાક્રમ સીમા પટેલનો પણ હતો.

આ ચિત્ર યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ લાઈવ કોન્ટેસ્ટમાં ત્યાં બેસીને બનાવ્યું હતું

વર્ષ 2015માં એક દિવસ તેમણે બસ એમ જ કોઈ દ્રશ્યની કલ્પના કરીને તેને કાગળ પર ઉતારવા પ્રયત્ન કર્યો. સીમાએ કોઈ પણ ખાસ હેતુ વિના દોરેલા આ ચિત્રને સૌએ ખૂબ વખાણ્યું. હવે તેમણે તેમની આ કળા પર ધ્યાન આપ્યું અને તેને વધુ મઠારવા માટે તેમણે અમદાવાદમાં ફાઇન આર્ટ્સનો એક કોર્સ પણ કર્યો. એક વખત પોતાની કળા અને તે પ્રત્યે લગાવ વિશે જાણ થઈ ગયા પછી સીમાએ ક્યારેય પાછું વળીને નથી જોયું. અત્યાર સુધીમાં તેમણે વિવિધ માધ્યમોમાં સેંકડો ચિત્રો બનાવ્યા છે જેમાં ઓઇલ કલર, એક્રેલિક, પેસ્ટલ, વોટર કલર, ગ્રેફાઇટ ચારકોલ, પોસ્ટર કલર, સોફ્ટ પેસ્ટલ, કલર પેન્સિલ, ટેક્ષ્ચર પેઇન્ટ, કોફી પેઇન્ટ વગેરે સ્વરૂપમાં આર્ટનો સમાવેશ થાય છે. એક્રેલિક તેમને મનપસંદ હોવાને કારણે તેમના પેઇન્ટિંગના કલેક્શનમાં તેની સંખ્યા મહત્તમ છે. વળી, એક અનુભવી કલાકારોની જેમ સીમાના દરેક પેઇન્ટિંગ પણ તે પાછળ રહેલી સીમાની લાગણી તેમજ તેમના વિચારોની અભિવ્યક્તિ છે.

પેઇન્ટિંગ જગતમાં એક સન્માનનીય નામ ધરાવતા સીમાનું માનવું છે કે તેમની તમામ સફળતા તેમના કુટુંબીજનો, તેમના ગુરુ બિપિન પટેલ તેમજ તેમના સૌ મિત્રોના સહયોગ અને સમર્થન થકી શક્ય બન્યું છે. તેમણે પોતાના પરિવારને હંમેશા પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે પણ સાથોસાથ સમય કાઢીને (અથવા ક્યારેક ‘ઓવરટાઈમ’ કરીને) પોતાના પેઇન્ટિંગના શોખને પણ સતત ધબકતો રાખ્યો છે.

ચિત્રકળામાં સતત કઈક નવું કરવા પ્રયત્નશીલ તેવા સીમાએ ચાંપાનેર અને અમદાવાદની હેરિટેજ સાઇટ્સ પર બેસીને લાઈવ પેઇન્ટિંગ કર્યા છે અને એક મહત્વની સિદ્ધિની વાત કરીએ તો સીમા હરિયાણાના ક્ષિતિજ આર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ પણ જીત્યા છે. સીમાનો આ સંગ્રહ આધુનિક સમયની એ દરેક સ્ત્રી વિશે છે જે રોજિંદા પડકારોનો સામનો કરવામાં સ્વ-અસ્તિત્વને ભૂલી જાય છે. તેમના માટે પોતાની જાતને અને પોતાની લાગણીને પ્રતિબિંબિત કરવી એ અન્ય તમામ મહત્વના કામ જેટલું જ જરૂરી છે. સામાન્ય રીતે તેઓ પોતાની આસપાસ બનતી ઘટનાઓ કે સંવાદોનો આધાર લઈને પોતાની કલ્પના અનુસાર પેઇન્ટિંગ બનાવતા હોય છે. કોવિડ લોકડાઉન દરમિયાન તેમણે રોજનું એક પેઇન્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને ગમે તે રીતે પોતાની જ આ ચેલેન્જને પૂરી પણ કરી હતી.

વિવિધ ઉંમરની, વિવિધ બેકગ્રાઉંડની વિવિધ સ્ત્રીઓની વિવિધ લાગણીઓ અને તેમના ગુણોને માત્ર કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરીને વાચા આપવાનો પડકાર સીમાએ પોતાની જાતને આપ્યો હતો અને એનું જ આકર્ષક પરિણામ છે ‘નારીત્વ’. રસ્તા પર બબલ્સ બનાવતી બાળકી, શાળાએ જતી ટીનેજર, ગર્ભમાં બાળક ઉછેરતી સ્ત્રી, સફળતાને પોતાની મુઠ્ઠીમાં સમાવી રાખવા માંગતી સફળ યુવતી, સ્વની શોધમાં ભટકતી સ્ત્રી કે મોડર્ન મીરા. આ કલેક્શનમાં સીમાના દરેક ચિત્રો સ્ત્રીના ભિન્ન સ્વરૂપો કે લાગણીને વાચા આપે છે.

સીમા બહુ દ્રઢપણે માને છે કે હકારાત્મક રહેવું, ખુશ રહેવું એ સુખી જીવનની ચાવી છે. કલા એ તમારી જાતને જાગૃત કરવામાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને કલા પ્રત્યેનો આ જ પ્રેમ અને સન્માન તેમના દરેક પેઇન્ટિંગમાં ઝળકે છે. આવા ઉત્કૃષ્ટ કલાકારની વિવિધ કલાકૃતિને માણવા માટે અમદાવાદના કલા-પ્રેમીઓ માટે ‘નારીત્વ’ની મુલાકાત બહુ અનેરો અનુભવ સાબિત થશે.

(જેલમ વ્હોરા)