મુંબઈ સ્લમનો યુવાન, ઇસરોમાં મેળવ્યું સ્થાન

જીવનમાં સફળતા મળી જતી હોય છે અને મેળવવી પડતી પણ હોય છે. યુવાનીનો તોખારી મિજાજ કંઇ કંઇ મોટા કાર્ય સિદ્ધ કરવાના ધ્યેય રાખે છે અને શા માટે ન રાખે… આ જ તો સમય હોય છે જીવનને ઉજ્જવળ કરવાનો… સાથસહકાર, સુખસગવડ, પૈસોટકો બધું ત્યારે કામ આવે છે જ્યારે ખુદ કંઇ કરવાની ધગશ ધરાવતાં હોઇએ. મુંબઇની ઝૂંપડપટ્ટીમાં રહેતાં અસંખ્ય માનવીમાંથી એક એવી પ્રતિભા નીખરી આવી છે જેને અનુલક્ષીને ઉપર કહ્યું તે લાગુ પડે છે. આ યુવાનની ઝળહળતી સફળતા એ છે જે ચાંદસિતારાને સ્પર્શે છે, હા, સાચે જ!

કહેવાય છે કે ચંદ્ર પર પહોંચવાનું નિશાન હોય અને પહોંચો નહીં તો પણ સિતારા તો હાથમાં આવે જ છે. બીજી રીતે આપણે ત્યાં કહેવત છે તેમ, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન… આ ભૂમિકા જેને જાણીને સાર્થક લાગે તેવો યુવાન છે પ્રથમેશ હિરવે… આ મુંબઇ ચ્યા મુલગાની વાત યુવાનો માટે પ્રેરક બને તેવી છે.પ્રથમેશની સફર ચાંદસિતારાથી નહીં પણ નક્કર જમીની વાસ્તવિકતાની રહી છે. 25 વર્ષથી તે સામાન્ય વર્ગના પરિવારમાં કુટુંબ સાથે મુંબઇમાં રહે છે. મુંબઇમાં પોવઇમાં ફિલ્ટરપાડા સ્લમ્સમાં 10 બાય 10ની રુમમાં તેનો પરિવાર રહે છે. નાનકડાં ઘરની પોચી દીવાલ જોકે પ્રથમેશને સ્વપ્નોથી વંચિત નથી રાખી શકી. એન્જીનિયરિંગની ડિગ્રી ધરાવનારો પ્રથમેશ તેના પરિવારમાંથી, વિસ્તારમાંથી જ નહીં, સમગ્ર મુંબઇમાંથી પહેલો મુંબઇકર બની ગયો છે જેણે ઇસરોના એન્જીનિયર હોવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

પ્રથમેશે મુંબઇની ભગુભાઈ મફતલાલ પોલિટેકનિક કોલેજમાંથી ઇલેકટ્રિકલ એન્જીનિયરિંગનો ડિપ્લોમા કર્યો હતો. તે પછી એલએન્ડટીમાં અને ટાટા પાવર્સમાં ઇન્ટર્નશિપ કરી. બાદમાં તેણે ડીગ્રી લેવાનું નક્કી કર્યું અને પોતાના સબ્જેક્ટમાં નવી મુંબઇની શ્રીમતી ઇન્દિરા ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો.

પ્રથમેશની આંખમાં બાળપણથી સ્વપ્ન અંજાયેલું હતું કે કંઇક મોટું અને શાખવાળું કામ કરવું છે. એવું મોટું કામ કે જે તેના કુટુંબ માટે સ્વપ્નમાં પણ ન વિચારી શકાય. તેના સ્વપ્ન એટલા માટે સહજ ન હતાં કે તેના પરિવારની સ્થિતિ કંઇક અલગ હતી. એવી કફોડી સ્થિતીમાં તેણે જ્યારે એન્જીનિયરિંગમાં જવાનું નક્કી કરેલું ત્યારે કેરીયર કાઉન્સિલરે તેને સાયન્સના ક્ષેત્રના બદલે વિનયન શાખામાં જવાનું કહ્યું હતું. ત્યારે પ્રથમેશના હૈંયામાં ફાળ પડી ગઇ હતી. જોકે અડગ મનથી ગમે તેટલી મુશ્કેલી પડે પણ ઇજનેરીમાં જ અભ્યાસ કરવો છે તેવું નક્કી કરી જ લીધું. પોતાના સ્વપ્નને વિખેરાઇ જતું જોવું તેને મંજૂર ન હતું. માતાપિતાને કહ્યું કે ગમે તે થાય તે એન્જીનિયર બનીને રહેશે અને તેના માતાપિતાએ પણ તેનામાં વિશ્વાસ મૂક્યો કે દીકરો જે કદમ ઉઠાવશે તે સમજીવિચારીને તૈયારી સાથે ઉઠાવતો હશે.

પ્રથમેશ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. જ્યાં તેની આગવી સમસ્યાઓ સાથે અભ્યાસમાં ધ્યાન લગાવવાનું હતું. આ પરિસ્થિતિથી તે અજાણ ન હતો. વસતીની ગીચતાનો રોજનો શોરબકોર તેના માઇન્ડને ડિસ્ટ્રેક ન કરે તેની કાળજી લેવાની હતી. તેનો ઇજનેરીનો ડિપ્લોમા કોર્સ તેના માટે બીજી એક ચેલેન્જ પણ લઇને આવ્યો હતો.દસમા સુધી તે મરાઠીમાં ભણ્યો હતો અને હવે એકાએક ઇજનેરીની સંકુલ પરિભાષાઓ સીધેસીધી હાઇ ડેફિનેશન ઇંગ્લિશમાં ભણવાની હતી. પ્રથમેશના બિગ ડ્રીમ્સ માટે સીધેસીધા રસ્તા ન હતાં.

2014માં ડીગ્રી લઇ લીધી તે સાથે જ તેણે સારા પદ માટે સૌમાં પ્રિય એવી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી. નાપાસ થયો. આ નિષ્ફળતાએ તેને સ્વપ્નસિદ્ધિના પ્લાનમાં થોડો ફેરફાર કરાવ્યો. 2016માં તેણે દેશની શીર્ષ સંસ્થા ઇસરોમાં જોબ માટે અરજી કરી, પણ તેની અરજી વેઇટિંગ લિસ્ટથી આગળ જ વધી ન હતી. આ સમય દરમિયાન નોકરીની અન્ય ઓફરો મળી, તેમાંથી પ્રથમેશે એન્જીનિયરિંગ વર્કની જોબ સ્વીકારી લીધી. જોકે પોતાનું ધ્યેય ભૂલ્યો ન હતો. મે માસમાં તેણે ઇસરોમાં એન્જિનિયરની જોબ માટેની અરજી કરી.આ વખતે, ઇસરોમાં આવેલી કુલ 16,000 અરજીમાંથી 9 કેન્ડિડેટ પસંદ થયાં હતાં, અફકોર્સ પ્રથમેશ હિરવે તેમાંનો એક સફળ ઉમેદવાર હતો!

પ્રથમેશને ઇસરોમાં નોકરી મળી ગઇ ત્યાં સુધી તેના ઘરનાં લોકોને ઇસરો એટલે શું તેની કોઇ ગતાગમ ન હતી. પ્રથમેશના માતા ઇન્દુ આઠમી પાસ છે. તેમણે દીકરાની સફળતાનો ભારોભાર આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે ‘તેને મળેલી નોકરી એટલે શું છે તે મને સમજાયું ન હતું. પ્રથમેશના પિતાજીએ જ્યારે મને જણાવ્યું કે આપણો દીકરો બહુ મોટી શાખવાળી સંસ્થામાં કામ કરે છે ત્યારે મને ખૂબ જ હરખના આંસુ આવી ગયાં હતાં. મારી નજર સામે મારા દીકરાએ નાનપણથી કરેલી આકરી મહેનત તરવરી રહી હતી. આ નોકરી તેનું ફળ હતી.જે તેને જોઇતું હતું તે મળ્યું હતું. મારા દીકરા માટે મને ખૂબ ગર્વ છે, તેની મહેનત રંગ લાવી છે.’’પ્રથમેશ હિરવે હવે સ્લમ્સમાં રહેનાર ઇસરોનો ઇલેકટ્રિકલ સાયન્ટિસ્ટ છે. મુંબઇ જેવા મેટ્રો સિટીમાં આ સફળતા મેળવનાર તે એકમાત્ર મુંબઇકર બની ગયો છે તે વળી અલગ સિદ્ધિ છે. પ્રથમેશને ચંડીગઢમાં પોસ્ટિંગ મળ્યું છે. એક મહેનતુ યુવાન તરીકેની તેની સફળતા દ્રઢ નિશ્ચય અને ધ્યેય મેળવવા માટે બિનશરતી પ્રયત્નની સાદર કથા બની ગઇ છે.