પ્રદૂષણ વર્સીસ કેશસૌંદર્ય, આ રીતે લો સંભાળ

જકાલ વધી રહેલા પ્રદૂષણ સામે સૌંદર્યને બચાવી રાખવુ મુશ્કેલ છે. ધૂળ, કચરા, પ્રદૂષણ સામે ચહેરા અને વાળને કઇ રીતે બચાવવા તે એક મોટો સવાલ છે. ચહેરા પર તો ફેશિયલ, ફેસ પેક, બ્લીચ કરીને સુંદરતા રાખી શકાશે. પરંતુ ચહેરાની જેમ વાળને સારા રાખવુ મુશ્કેલ છે. જયારે એક્ટર-એક્ટ્રેસના વાળ જોતા હશો ત્યારે તમને મનમાં સવાલ ઉભા થતા હશે કે શું એમના વાળને ક્યારેય પ્રોબ્લેમ જ નહી થતો હોય. પણ ના એવુ નથી હોતુ એમને પણ આપણી જેમ વાળની માવજત કરવી જ પડતી હોય છે. પરંતુ હા એક વસ્તુ છે કે સેલિબ્રિટીઝ અઠવાડીયે, 15 દિવસે કે મહીને મોંઘા પાર્લરમાં, સલુનમાં જઇ શકે છે. પણ સામાન્ય માણસને એ રીતે મોઘા પાર્લરમાં કે સલુનમાં જવુ પોસાતુ નથી. ત્યારે આવા સમયે મહિલાઓને વાળમાં થતા અનેક પ્રકારના પ્રોબ્લેમ માટે ઘરેલુ નુસખા કામ કરે છે.

યુવતીઓમાં વાળમાં ખોડાની સમસ્યા વધુ આવતી હોય છે. 100માંથી માત્ર 10 ટકા જેટલી સ્ત્રીઓ હશે જેને ખોડાની સમસ્યા નહી થતી હોય. ખોડાના કારણે યુવતીઓને અનેક તકલીફ થાય છે. ઘણીવાર ચહેરા પર પિંપલ્સ થઇ જતા હોય છે ત્યારે ખોડાને દૂર કરવો જરૂરી બની જાય છે. ખોડાને દૂર કરવા માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે તેને દળીને પેસ્ટ બનાવી દો. તેને વાળમાં લગાવી 30 મિનિટ માટે રાખો. ત્યારબાદ વાળ ધોઇ લો જેનાથી તમને વાળમાં ઠંડક મળશે અને ખોડાની સમસ્યા પણ દૂર થશે. બીજી સમસ્યા છે વાળ ખરવાની જેનાથી સ્ત્રીઓ ત્રસ્ત થઇ ગઇ હશે. ખોડા અને વાળ ખરવાની ફરીયાદ દરેક સ્ત્રીઓ કરતી હોય છે. એના માટે નારિયેળ અને તલનું તેલ મિક્સ કરો. તેલમાં આંબળા, સફેદ જાસૂદના થોડા પાંદડા લઇ 20 મિનિટ સુધી ઉકાળો. હવે તેને થોડીવાર ઠંડુ દવા દઇ માથામાં લગાવી દો. એને 20 મિનિટ સુધી રાખ્યા બાદ વાળ ધોઇ નાખો. આનાથી વાળ ખરવાના ઓછા થઇ જશે. તમે આ પ્રક્રિયા દર અઠવાડીયે કરશો તો આ સમસ્યા હલ થઇ જશે.

પહેલા તો ઉંમર થાય ત્યારબાદ સફેદ વાળની સમસ્યા ઉદભવતી પરંતુ અત્યારે તો યંગસ્ટર્સમાં સફેદ વાળની સમસ્યા સામે આવી રહી છે. આના માટે યુવતીઓ વાળમાં કલર કરાવતી હોય છે પણ એનાથી વાળ સારા થવાની જગ્યાએ વધુ બગડે છે. એના માટે જો તમે કલર કરતા મહેંદી વાપરશો તો વધુ સારુ રહેશે. મહેંદીને તાંબાના વાસણમાં 3 કલાક સુધી પલાળી રાખો. તેમાં ખાટુ દહીં, અડધા લીંબુનો રસ અને ચાનું પાણી નાખવુ હોય તો એ પણ નાખી શકો છો. મહેંદીને વાળમાં લગાવ્યા બાદ 2થી 3 કલાક સુધી રાખી માથુ ધોઇ નાખો. જેનાથી તમારા સફેદ વાળની સમસ્યા દૂર થશે અને ઠંડક પણ મળશે. આ તો વાત થઇ સફેદ વાળને દૂર કરવાની, પણ જો તમારે વાળમાં ચમક પણ જોતી હોય તો ઇંડાનો સફેદ ભાગ વાળમાં લગાવો. 30 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો અને પછી શેમ્પૂ કરી દો એનાથી તમારા વાળમાં શાઇન આવશે.

વધારે પડતી મહેંદી પણ વાળને નુક્સાન કરે છે. વધુ પડતી મહેંદી લગાવવાથી તમારા વાળ બરડ થઇ જાય છે. તો આ સમસ્યાનો પણ ઉકેલ છે, જે દિવસે તમે વાળ ધોવો તે પહેલા ઓઇલ મસાજ કરો. આનાથી તમારા વાળનો કલર ઘટ્ટ થશે અને વાળ સ્મૂથ, સોફ્ટ થશે. બે મોઢાવાળા વાળની યુવતીઓ ખૂબ ફરીયાદ કરતી હોય છે. તો એના માટે વાળમાં ઓઇલ મસાજ કરો. હવે જે છેડાના વાળ છે તેને ગરમ નાળિયેરના તેલમાં ડૂબાડો. હવે ગરમ પાણી કરી ટુવાલ ગરમ કરી તમારા વાળમાં વીંટાળી દો. થોડા સમય બાદ વાળમાં શેમ્પૂ કરી ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી માથામાં જે ખુલ્લા છિદ્રો હશે તે બંધ થઇ જશે.