મહિલાઓમાં શંકાની બીમારી આસપાસના લોકો માટે પણ હાનિકારક…

ક તરફ મહિલાઓ આધુનિક થતી જઇ રહી છે, પોતાની લાઇફસ્ટાઇલ બદલતી જઇ રહી છે. દુનિયા અને ટેક્નોલોજી જેમ આગળ જઇ રહી છે એની સાથે કદમથી કદમ મળાવીને આગળ વધી રહી છે. પરંતુ હજુ પણ દુનિયામાં, આપણી આસપાસ એવા લોકો છે, આપણી અંદર એવા વિચારો છે કે જે હજુ પણ આપણને પાછળ રાખી રહ્યાં છે. આજની આ ભાગદોડ વાળી લાઇફમાં હજુ પણ લોકોના મનમાં ડર, ઇર્ષા, શંકા, નિરાશા, સંબંધોમાં અવિશ્વાશની ભાવના છે. આવી પરિસ્થિતિમાં ન ઇચ્છવા છતાં પણ લોકોના મનમાં શંકા ઘર કરી જાય છે. આ એક ખરાબ આદત જ નહી પરંતુ એક ગંભીર બીમારી પણ છે. ખાસ કરીને મહિલાઓ જ્યારે આખો દિવસ ઘરમાં રહીને કામકાજ કરતી હોય છે ત્યારે અલગ-અલગ વિચારો આવતા હોય છે. અને ધીમે-ધીમે આ વિચારો શંકામાં પરીણમે છે. આ શંકા પોતે મહિલાઓ માટે તો હાનિકારક સાબિત થાય જ છે પરંતુ તેની સાથે-સાથે એની આસપાસ રહેલા લોકો માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે.

આજકાલ ઘણી બધી મહિલાઓ શંકાની બીમારીનો ભોગ બની રહી છે. સમય આગળ જઇ રહ્યો છે, લોકો ફેમિલીથી અલગ રહેવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જોઇન્ટ ફેમિલીથી અલગ રહીને પોતાનો એક નાનો પરિવાર બનાવે છે. પરંતુ સ્વતંત્ર રહેવાની ઇચ્છામાં માણસ એકલો થતો જાય છે. અત્યારની વાત કરીએ તો પતિ-પત્ની અને બે બાળકો એમ ચાર વ્યક્તિઓના નાના પરિવારમાં માણસ નજીક રહેવા કરતા વધુ દૂર થતો જાય છે. બંને બાળકો પોતાના ભણવામાં અને મોબાઇલમાં વ્યસ્ત થઇ જાય છે. પતિ એની ઓફીસમાં અને ઓફીસથી આવીને મોબાઇલમાં ગેમ અને સોશિયલ સાઇટ્સમાં વ્યસ્ત થઇ જતાં પત્ની એકલી રહી જતી હોય છે. ઘરે આખો દિવસ કામ કરવામાં અને ત્યારબાદના સમયમાં બાળકો અને પતિને સમય નથી હોતો. આવામાં સ્ત્રીને ખૂબ જ એકલાપણુ લાગે છે. આ સમયે સ્ત્રીના મનમાં અનેક વિચારો પેદા થતા હોય છે અને ધીમે-ધીમે આ વિચારો શંકા અને વહેમમાં પરિવર્તતા હોય છે.

સમય જતા એ ક્યાંય પણ એકલા જતા ડરે છે, એને લાગે છે એનો કોઇ પીછો કરે છે, જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે તેને લાગે છે એની સાથે ઘરમાં બીજુ પણ કોઇ છે. આવામાં એ પોતાનુ તો નુક્સાન કરે જ છે સાથે-સાથે એની આસપાસ રહેતા લોકોનું પણ નુક્સાન કરે છે. આ પ્રકારની તો શંકા કરે જ છે પરંતુ ઘણીવાર પતિ પર પણ અનેક શંકા કરે છે ત્યારે બંનેના સંબંધોમાં ખટાશ આવે છે.

શંકા કરવાની જે આદત છે એને પેરાનોયડ ડિસઓર્ડર કહે છે. આ બીમારીમાં સ્વભાવ એકદમ શંકા વાળો થઇ જાય છે. તે પોતાની જાતને અસરુક્ષિત અનુભવ કરે છે. આ બીમારીથી પીડિત લોકો અતિસંવેદનશીલ હોય છે. અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ એટલી બધી સંવેદનશીલ હોય છે કે એમને નાની-નાની બાબતે ખોટુ લાગી જતુ હોય છે. આવા વ્યક્તિઓ પોતાની ભૂલ હોવા છતાં પણ ક્યારેય સ્વીકારતા નથી. આવી વ્યક્તિઓની આગળ જતા એવી પણ આદત થઇ જાય છે કે નાની વાતોને મોટી બનાવી દે છે. પતિ-પત્નીના સંબંધોમાં આવી બાબતો ખૂબ જ અસર કરે છે. ધણીવાર આવા ઝઘડા ડીવોર્સમાં પરિવર્તિત થાય છે. સમય જતા આ એક આદત બની જાય છે, અને ત્યારબાદ તેમનો સ્વભાવ બની જાય છે. આ પ્રકારના લોકો કોઇપણ સંજોગોમાં સમાધાન નથી કરી શકતા.આવુ શા માટે થાય છે તેના કારણ સમજીએ.

વધુ પડતા એકલા રહેવાથી માણસનું મગજ વિચારે ચડી જાય છે. મહિલાને આ તકલીફ સૌથી વધુ થાય છે. જેમ આપણે ઉપર વાત કરી એ પ્રમાણે કે હાઉસવાઇફ હોય છે એ ઘરે એકલી રહીને કામ કરતી હોય છે ત્યારે એકલા રહેવાથી મગજ ખૂબ જ વિચારે ચડી જાય છે અને આખરે પેરાનોયડ ડિસઓર્ડરની પરિસ્થિતિ ઉભી થાય છે. અન્ય પણ એવા ઘણા કારણો છે જેના કારણે પેરાનોયડ ડિસઓર્ડર થાય છે. જો તમારુ જીવન ખૂબ જ તણાવપૂર્ણ હોય તો પણ અવિશ્વાસની સ્થિતિ ઉભી થાય છે.

આ બીમારીમાં જલદીથી છૂટકારો મેળવવો એ કાંઇ સહેલી વાત નથી. બીમારીને દૂર કરવા વ્યક્તને પોતાના પ્રયાસની સાથે-સાથે પરિવારનો સાથ હોવો પણ ખૂબ જરૂરી છે. આ બીમારી સામે લડતા પહેલા વ્યક્તિનો ઇતિહાસ, તેની આદત જાણવી ખૂબ જરૂરી છે. દવાથી તમે આ બીમારીને દૂર કરી શકો છો જેના કારણે માનસિક સંતુલન જળવાઇ રહે છે. આ મામલે જે બીમાર છે એણે તો પોતાનુ ધ્યાન રાખવુ જ પડશે. પરંતુ સાથે-સાથે તેના પરિવારજનોએ પણ એમનું એટલુ જ ધ્યાન રાખવુ પડશે. બને ત્યાં સુધી એમને એકલા ન મૂકવા. વારંવાર તેમની બીમારી પણ યાદ ન કરાવવી જોઇએ. આ વ્યક્તિ બને તેટલુ તણાવમુક્ત રહે એવી કોશિશ કરવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]