જાણો છો પાપડને સહારે થયું હતું મહિલા સશક્તિકરણ?

પાપડ… નામ લેતાં જ મોઢામાં પાણી આવી જાય અને આંખો સામે સૌથી પહેલા શેનું ચિત્ર નજર સમક્ષ તરી આવે? મોટાભાગના લોકોની નજર સમક્ષ લિજ્જત પાપડનું પેકેટનું ચિત્ર દેખાતુ હશે. દરેકના મગજમાં અલગઅલગ ચિત્ર તરી આવતાં હશે પરંતુ અહીં આજે એક એવી પાપડની સંસ્થાની વાત કરીશુ જેણે નફાની સાથે સમ્માન પણ મેળવ્યું છે.  આપણે એક એવા સ્ટાર્ટ અપની વાત કરવાના છીએ કે જેણે બિઝનેસમાં માત્ર નફો જ નથી કર્યો પરંતુ સંસ્થાનું નામ પણ એટલું જ રોશન કર્યુ છે. એટલું જ નહી નારી સમાજની પણ ઉન્નતિ કરી છે. આજે આપણે વાત કરીશું શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ જેને સૌ કોઇ લોકો લિજ્જત પાપડથી ઓળખે છે.આ સંસ્થા વિશે ખૂબ ઓછા લોકો જાણતાં હશે. આ મહિલા સ્ટાર્ટ અપ 1959માં શરૂ થઇ હતી. માત્ર 80 રૂપિયાનું મૂડી રોકાણ કરી આ સંસ્થા ચાલુ કરવામાં આવી હતી. મુંબઇની સાત ગુજરાતી મહિલાઓએ છગનલાલ કરમસી પારેખ પાસેથી 80 રૂપિયાની લોન લઇ લિજ્જતની શરૂઆત કરી હતી. આ સાત મહિલાઓએ પોતાની રસોઇની કળાની મદદથી મુંબઇ જેવા મહાનગરમાં પોતાના જીવન નિર્વાહ ચલાવવાના હેતુથી લિજ્જતની શરૂઆત કરી. એના માટે તેમણે સૌથી પહેલા એક નુક્સાન કરતી પાપડ બનાવતી ફર્મ ખરીદી અને જરૂરિયાત મુજબ પાપડ બનાવવા માટેની સાધન સામગ્રી ખરીદી. 15 માર્ચ 1959નાં રોજ તેમણે એક મકાનના ધાબા ઉપર ચાર પેકેટ પાપડ બનાવ્યા અને ધુલેશ્વરના વેપારીને વહેંચવાનુ ચાલુ કર્યુ. જો કે શરૂઆત થોડી કપરી હતી પરંતુ એ મહિલાઓએ નિર્ણય કર્યો કે ભલે નુક્સાન જાય તો જાય પણ કોઇનું દાન કે દયા નહી ખાય.

મહિલાઓ બે પ્રકારના પાપડ બનાવતી અને વેંચતી અને એ પણ ખૂબ વ્યાજબી ભાવમાં. આ સમયે એ મહિલાઓની મદદે આવ્યા છગનલાલ પારેખ, તેમણે આ મહિલાઓને સલાહ આપી કે સસ્તા નહી પણ ઉત્તમ પાપડનું ઉત્પાદન કરો અને ગુણવત્તા જાળવો. અને તેમને એક સારી એવી સલાહ આપી કે કોઇ પણ સંસ્થાએ સફળ થવા માટે તેનું એકાઉન્ટ ખૂબ સારી રીતે સાચવવું પડે છે. અને બસ પછી આ શીખામણ તેમણે મનમાં ગાંઠી લીધી અને કામે લાગી ગયા. માત્ર 80 રૂપિયામાં શરૂ કરેલો આ બિઝનેસ માત્ર 3 મહિનામાં ક્યાં પહોંચી ગયો તમે વિશ્વાસ નહી કરો. આ મહિલા ઉદ્યોગે ત્રણ જ મહિનામાં બીજી 25 મહિલાને તેમના કામમાં જોડી લીધી અને પાપડ બનાવવાના બીજા સાધન, સામગ્રી, ચુલા, કઢાઇ આ તમામ વસ્તુ ખરીદી લીધી. અને વર્ષના અંતે સંસ્થાનો વાર્ષિક નફો રૂ. 6,196 હતો.ધીમે ધીમે પાપડનો સ્વાદ લોકોના મોઢે ચડવા માંડ્યો અને બસ ત્યારથી જ મહિલા ઉદ્યોગની ઉન્નતિ દિવસે દિવસે વધતી ગઇ, બીજા વર્ષના અંતે તેમની સાથે બીજી 150 મહિલાઓ જોડાઇ ગઇ. અને ત્રીજા વર્ષના અંતે આ આંકડો 300ને પાર પહોંચી ગયો હતો. ત્રણ વર્ષની અંદર આ સંસ્થાનો વાર્ષિક નફો રૂ.18,200ને પાર પહોંચી ગયો. અત્યારે તમને આટલો નફો ઓછો લાગતો હશે પરંતુ એ જમાનામાં આટલું કમાવવું એ ખૂબ જ સારી વાત ગણાતી હતી. વર્ષ 1962માં મલાડમાં તેમણે એક નવી શાખા શરૂ કરી જેનું નામ લિજ્જત રાખ્યુ. ધીરજબેન રૂપારેલ એક ઇનામી યોજના દ્વારા આ સૂચવવામાં આવ્યુ હતું.

આજે આ સંસ્થાની બનાવેલી ચીજોનું કુલ ટર્નઓવર 829 કરોડ છે જેમાં 36 કરોડનું એક્ષ્પોર્ટ છે. 14 ફ્લેવરના પાપડ, ખાખરા, વડી, રોટલી, ડીરજન્ટ પાઉડર, પ્રિન્ટીંગ ડીવીઝન, એડવર્ટાઇઝીંગ, બેકરી, લિજ્જત પત્રિકા દ્વારા તેમણે પોતાનો વ્યાપ વધાર્યો છે. સંસ્થામાં મોટે ભાગે બહેનો કામ કરે છે અને તેનું સંચાલન પણ માત્ર અને માત્ર બહેનો કરે છે. લિજ્જતની ભારતભરમાં 79 બ્રાંચ, 27 વિભાગ અને ઓફિસર લેવલનો સ્ટાફ લગભગ 43000 જેટલો છે. સદીઓથી ચાલતુ આવ્યુ છે અને અત્યારે પણ ચાલી રહ્યુ છે નારી કદી પાછી નથી પડતી.  તો જ્યારે તમે પણ તમે લિજ્જત પાપડ ખાવ ત્યારે આ નારી શક્તિને જરૂર યાદ કરજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]