જૂની ફેશનનું નવું નજરાણુંઃ ઇયર કફ

હાલની ફેશનમા તો ન કરીએ એટલું ઓછું છે. યુવતીઓ માટે એટલું બધું નવું નીકળે છે કે કોઈ ઈમિટેશનની વસ્તુ જોઈને ઘણી વખત એવું લાગે કે આ વસ્તુ પહેરાતી ક્યાં હશે. હવે હમણાંની જ વાત કરી લઈએ તો આખા કાન ઢંકાઈ જાય એવાં ઇયરિંગ્સ પહેરવાનો જૂનો ટ્રેન્ડ હવે ફરી પાછો લોકપ્રિય થઈ રહ્યો છે. અને પાછી કોઈ પણ ફેશન હોય આપણો દેશ એને ખૂબ સારી રીતે અપનાવી પણ લે છે. અને એ ટ્રેન્ડને ફેશન બનાવી લઈ હીટ પણ કરે છે. બસ પછી તો અન્ય દેશનાં લોકો પણ એ ફેશનના દિવાના થઈ જાય છે. હવે ટ્રેડિશનલ ઝૂમખાંની જ વાત કરીએ તો પશ્ચિમના દેશોમાં ખૂબ લોકપ્રિય છે. આજથી ૨૦ વર્ષ પહેલાં મોટાં, આખા કાન ઢંકાય એટલાં ઇયરિંગ્સ પહેરવાનો ખૂબ ટ્રેન્ડ હતો. કાન તરીકે ઓળખાતા આખા કાનના ઇયરિંગ્સમાં કાન આખેઆખો ઢંકાઈ જતો. આ ઇયરિંગ્સ મોટે ભાગે મોરના મોટિફ અથવા એવી જ બીજી મોટી ડિઝાઇનમાં બનાવવામાં આવતાં. વેસ્ટમાં આ ટ્રેન્ડ હવે ઇયર કફ તરીકે પ્રચલિત થયો છે અને ફરી પાછો આ ટ્રેન્ડ આપણા દેશમાં દેખાઈ રહ્યો છે. જોકે ઇયર કફની વેસ્ટર્ન સ્ટાઇલ ટ્રેડિશનલથી થોડી જુદી છે.સૌથી પહેલાં તો સમજીએ કે ઇઅર કફ શું છે. ઈસ્ટ-વેસ્ટની મિક્સ એવી આ સ્ટાઇલમાં એક લાંબી ડેકોરેટિવ ચેઇન હોય છે જેને કાનની ઉપર અથવા વાળમાં ભરાવવાની હોય છે. ઇયર રૅપ તરીકે ઓળખાતા તેના બીજા વર્ઝનમાં ઇયરિંગ્સ કાનનો આકાર હોય એવા કર્વમાંજ બનેલું હોય છે.જેમાં ૪-૫ રિંગ અથવા ડેકોરેટિવ પીસ લગાવવામાં આવે છે જે આખા કાનને ઢાંકે છે.આ ટ્રેન્ડ બહારના દેશોમાં ખૂબ ચાલી રહ્યો છે. જોકે ભારતમાં કોઈ પણ જુદા પ્રકારનો ફૅશન ટ્રેન્ડ આવવામાં હંમેશાં થોડું મોડું થાય છે. ભારતમાં જોકે ઇયર કફનું આ કમ-બૅક કહી શકાય. પ્રસંગોપાત્ત પહેરવા માટે હેવી ટ્રેડિશનલ ડિઝાઇનો તો ટ્રેન્ડમાં છે જ સાથે યંગ ગર્લ્સ તેમ જ મૉડર્ન યુવતીઓમાં ડેલિકેટ ડિઝાઇનો, ક્રિસ્ટલ, ફ્લાવર્સ વગેરે વધુ લોકપ્રિય છે.

આપણાં દેશની વાત કરીએ તો લોકો એક્સપેરિમેન્ટ કરવામાં ક્યારેય પાછળ નથી હટતા. જૂના જમાનાની સ્ત્રીઓ મોટા ઇયરિંગ્સમાં સપોર્ટ માટે ચેઇન અટૅચ કરી એને માથામાં ભરાવતી. ત્યારે એ સુવિધા માટે હતું, પણ હવે આ ટ્રેન્ડ માટે છે. ઇયરિંગ્સ હેવી હોય તો કાનની બૂટ ખેંચાય નહીં એ માટે સેર પહેરવામાં આવે છે. એવો જ આ ઇયર કફનો ટ્રેન્ડ છે. વેસ્ટમાં સેલિબ્રિટીઓ આ પહેરવા લાગ્યા ત્યારથી એ કૂલ ફૅશન બની ગઈ છે. ઇયર કફને ઇયરિંગ્સની જેમ જ પહેરી શકાય અને જો ડ્રામેટિક લુક જોઈતો હોય તો બે નહીં, પરંતુ એક જ કાનમાં પહેરવું. પણ જો ટ્રેડિશનલ ઝુમખા હોય તો બન્ને કાનમાં પહેરવા. અત્યારે ટ્રેડિશનલ તેમજ વેસ્ટર્ન ડ્રેસમાં યુવતીઓ ઇયર કફ પહેરતી હોય છે.ઇયર કફ પહેરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખો. ઇયર કફ પહેરો ત્યારે નેકલેસ પહેરવાનું ટાળો, કારણ કે કાનમાં આટલી હેવી જ્વેલરી પહેરી હોય ત્યારે ગળામાં જ્વેલરી સ્ટાઇલિશ નહીં, પણ કંઇક અજુગતુ લાગશે. કાનમાં આ સ્ટાઇલ પર્હેયા બાદ દેખાડો પણ કરવો હોય તો વાળને ઉપર બાંધવા. કાન ખુલ્લા દેખાશે એટલાં જ ઇયરિંગ્સ નજરમાં આવશે.જો તમારા ઇયર કફમાં ઘણીબધી ચેઇન અટૅચ્ડ હોય તો એ વાળ કે ટી-શર્ટમાં ભરાઈ ન જાય એનું ધ્યાન રાખવું. અને સાથે જ કપડાં એવાં મટીરિયલનાં પહેરો જે ઇયરિંગ્સમાં ભરાઈને ફાટી જાય એટલાં પાતળાં ન હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]