પેન્ટિંગ મારા માટે મેડિટેશન છેઃ મૈથિલી ઝવેરી

અદ્દભુત લેન્ડસ્કેપ્સ અને આર્કિટેક્ચરલ પેન્ટિંગ્સ કરતી આ યુવતી માને છે કે અભ્યાસ, નિરીક્ષણ અને વાંચન જ કલાકારને જીવંત રાખી શકે છે

જન્મજાત ટેલેન્ટેડ હોય એવી વ્યક્તિની વાત જ ન્યારી છે. ઈશ્ર્વરદત્ત ભેટને કારણે એમને પોતાની પ્રતિભા નિખારવા ખાસ મહેનત કરવી પડતી નથી. એમના કિસ્સામાં બસ થોડી ટ્રેનિંગ, શિસ્ત અને કલ્પનાશક્તિનો સુમેળ થાય એટલે સોનામાં હીરા મઢ્યા!

આવી જ ભેટ મળી છે મૈથિલી ઝવેરી-શાહ નામની યુવતીને. મૈથિલી ચિત્રકાર છે. ખૂબ નાની વયે હાથમાં બ્રશ પકડનારી મૈથિલીએ એના જીવનમાં અત્યાર સુધી જે પણ ક્ષેત્ર પસંદ કર્યું છે એમાં એ ઉત્તમ રહી છે. ભારતભરમાં અને વિદેશોમાં પણ અનેક ચિત્રપ્રદર્શન યોજી ચૂકેલી મૈથિલીનાં મૌલિક પેન્ટિંગ્સની ખાસિયત એ છે કે એમાં બે-ચાર ઈમેજ મિશ્રિત થઈ હોય છે. મૈથિલી ‘ચિત્રલેખા-પ્રિયદર્શિની’ને કહે છે:

‘રંગોની દુનિયામાં વિહરવું કોને ન ગમે? આ એક અલગ દુનિયા છે. મારી માટે પેન્ટિંગ કરવું એ મેડિટેશન કરવા બરાબર છે. મારા હિસાબે દરેક સંવેદનશીલ વ્યક્તિએ પોતાની પેન્ટિંગ કળાને વિકસાવવી જ જોઈએ.’

કહે છે કે કોઈ કલાકાર પોતાની કળા સાથે ગોષ્ઠિ માંડે ત્યારે એની મન:સ્થિતિ કોઈ ઋષિ કે યોગી જેવી હોય છે. દરેક કલાકાર માનસિક ઊર્જાને ટોચ પર લઈ જાય છે, જ્યાં એને અલૌકિક અનુભૂતિ થાય છે. મૈથિલી પણ કશુંક આવું જ અનુભવે છે.

મૈથિલી બે પ્રકારનાં ચિત્રો બનાવે છે: લૅન્ડસ્કેપ અને આર્કિટેક્ચરલ પેન્ટિંગ્સ. લૅન્ડસ્કેપ પેન્ટિંગ્સમાં એ રંગોની ઉજાણી કરે છે તો આર્કિટેક્ચરલ આર્ટવર્કમાં એ એક્રેલિક, ઈન્ક, પેન, પેન્સિલ, ચારકોલ, બૉલપેન, બ્લૅક પેન જેવાં મિક્સ મિડિયાનો ઉપયોગ કરે છે.

આ વિશે મૈથિલી કહે છે:

‘મને પ્રવાસ કરવો ખૂબ ગમે છે. કલાકાર હોવાને કારણે દરેક પ્રકારનાં શિલ્પમાં મને રસ પડે છે. આર્કિટેક્ચરલ પર્સ્પેક્ટિવ સમજવા માટે હું એમાં વધુ કલાકો વિતાવતી. એ વખતે મને લાગ્યું કે આના પર પ્રયોગ કરવામાં આવે તો?’

રાજસ્થાનના જેસલમેર-જયપુરમાં આવેલા અનેક મહેલ, કિલ્લા અને હવેલીઓનાં સ્ટ્રક્ચર પર મૈથિલી આવા પ્રયોગ કરી ચૂકી છે. ખૂબ ઊંડો અભ્યાસ માગી લેતાં આ પેન્ટિંગ્સ પૂરાં કરવામાં મૈથિલીને એક મહિનાથી વધુ સમય પણ લાગે છે.

જાણીતા ઝવેરીકુટુંબની મૈથિલી મૂળ દિલ્હીમાં જન્મી-ઊછરી છે. એના પિતા નંદકેશ્ર્વરભાઈ જાણીતા જ્વેલર અને માતા સંગીતાબહેન એક સમયનાં જાણીતાં ફૅશન ડિઝાઈનર. ધ બ્રિટિશ સ્કૂલ ઑફ દિલ્હીમાં ભણેલી મૈથિલી અભ્યાસ સાથે બેડમિન્ટન, ટાયક્વાન્ડો અને હોર્સ રાઈડિંગમાં અવ્વલ. હોર્સ રાઈડિંગમાં અનેક ગોલ્ડ મેડલ મેળવનારી મૈથિલીએ એનું પહેલું પ્રદર્શન સ્કૂલના અભ્યાસ દરમિયાન જ યોજ્યું હતું અને પ્રદર્શનનો વિષય હતો હોર્સ. એટલું જ નહીં, આઠ વર્ષની ઉંમરથી જ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લેનારી મૈથિલી તબલાં, હાર્મોનિયમ અને પિયાનો વગાડવામાં નિપુણ છે.

મૈથિલી કહે છે: ‘મને આજેય કોઈ પણ વાજિંત્ર આપો, હું વગર તાલીમે એ વગાડી શકું છું. અગિયારમે વર્ષે જ મારી મમ્મીએ પહેલી વાર પેન્ટિંગ બ્રશ મારા હાથમાં મૂક્યું હતું અને પહેલી જ કોશિશમાં મેં સ્ટીલ લાઈફ પેન્ટિંગ દોર્યું હતું.’

મૈથિલીના ઘરનું વાતાવરણ પ્રેરણાસભર હતું. એનાં કાકી પણ પેન્ટર હતાં. આ માહોલમાં બાળકને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે દરેક પ્રકારની સકારાત્મક ઊર્જા સાંપડે. મૈથિલીને પણ આવી જ ઊર્જા મળતી આથી મૈથિલી  કળાક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વિશે નાનપણથી જ સ્પષ્ટ હતી. દસમા ધોરણ બાદ એ સિંગાપોર જઈને ફાઈન આર્ટ પેન્ટિંગનું ભણી. સિંગાપોરમાં પણ એણે પ્રદર્શન યોજ્યું.

મૈથિલી કહે છે: ‘ઈન્ડિયા પાછી ફરી ત્યારે મેં સુબ્રોતો કુંડુ અને સોમન દત્તા નામના પેન્ટરને આસિસ્ટ કર્યું. આ બન્ને મહાન ચિત્રકાર પાસેથી મને ઘણું શીખવા મળ્યું, પણ મેં એક વાત નોંધી કે મારી પેન્ટિંગ કરવાની ટેક્નિક સિંગાપોરમાં ભણવાને કારણે જુદી હતી, જ્યારે આપણે ત્યાંના આર્ટિસ્ટ અલગ રીતે કામ કરે છે.’

ભારત પાછી ફરેલી મૈથિલીએ જયપુર, રાયપુર, દિલ્હી, બેંગલોર, મુંબઈ, ગોવા એમ ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યાં. ઉંમર થતાં મૈથિલીનાં લગ્ન મુંબઈના ઉમંગ શાહ સાથે થયાં. લગ્ન બાદ એક વર્ષ અમેરિકા અને ત્યાર બાદ બે વર્ષથી જ મુંબઈમાં સ્થાયી થયેલી મૈથિલીએ અહીં આવીને પહેલાં પોતાનો સ્ટુડિયો સેટ-અપ કર્યો.

મૈથિલી કહે છે: ‘મારી માટે દિલ્હીથી મુંબઈનો બદલાવ ઘણો મોટો છે. લોકોથી લઈને બધું જ અલગ છે. દિલ્હીમાં લોકો આર્ટ ખરીદે છે. મુંબઈના લોકો આર્ટની પ્રશંસા કરી જાણે છે, પણ ખરીદતા નથી. અલબત્ત, હજી પૂરેપૂરી રીતે હું મુંબઈ અને મુંબઈના લોકોને જાણી નથી શકી.’

મૈથિલીનાં પેન્ટિંગ્સ રાજસ્થાનની ઘણી હોટેલમાં છે. એ ઉપરાંત, લંડનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ મૈથિલીનાં પેન્ટિંગ અને સ્કલ્પચર જોવા મળે છે.

મૈથિલીને ઈન્ટરનૅશનલ આર્ટ એક્ઝિબિશનમાં ભાગ લેવો છે. હાલમાં એ પોતાની આર્ટને પ્રોડક્ટ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. એને ઘણું કામ કરવું છે અને ઘણું શીખવું છે. સતત અભ્યાસ, નિરીક્ષણ અને વાંચન જ કોઈ પણ કલાકારને જીવંત રાખી શકે છે એવું એ દ્રઢપણે માને છે.

(તસવીરઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]