ભારતની નવી શૂટિંગ ક્વીન મનુ ભાકરઃ યુવતીઓની પ્રેરણાસ્ત્રોત

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની નિશાનેબાજી સ્પર્ધામાં અનેક સુવર્ણ પદક જીતી લાવનાર ભારતની મનુ ભાકર 17 વર્ષની સૌથી યુવા ખેલાડી છે. દરેક ભારતીયો માટે, તેમાં પણ ભારતની મહિલાઓ માટે તો ખાસ ગર્વ લેવા જેવી આ વાત છે.

દોહામાં આયોજીત એશિયાઈ ચેમ્પિયનશીપ-2019માં મહિલાઓની 10 મીટર પિસ્તોલ ગેમમાં મનુ ભાકરે 244.3ના સૌથી વધુ સ્કોર સાથે પહેલું સ્થાન જાળવી રાખીને સુવર્ણ પદક જીતી લીધો છે. એવી  જાણકારી સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (SAI) એમના સત્તાવર ટ્વિટર પર આપી છે.

ભારતને એશિયાઈ ચેમ્પિયનશીપમાં મળનારો આ પહેલો જ સુવર્ણ પદક છે.

આ સાથે બીજી સારી બાબત એ છે કે, મનુ ભાકરે ટોકિયો ઓલિમ્પિક-2020માં કોટા મેળવી લીધો છે. આ વર્ષના મે મહિનામાં જર્મનીના મ્યુનિક શહેરમાં નિશાનેબાજીમાં યોજાયેલ વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાન પર રહીને એણે આ કોટા મેળવ્યો છે.

કોમન વેલ્થ ગેમ્સની વિજેતા તેમજ 10 મીટર એર પિસ્તોલમાં યુથ ઓલિમ્પિક્સ ચેમ્પિયન ઓલિમ્પિક-2020માં કોટા બાબતે જણાવે છે, કે ‘આ કોટા મેળવીને હું ઘણી જ ખુશ છું, પણ આ કોટા મારા નામે નહીં, દેશને નામે છે. એટલે આ ગેમમાં ઉંચુ સ્તર જાળવી રાખવા મારે ઘણી મહેનત કરવી રહેશે.’

આ કોટા મેળવવા પહેલાં મનુએ વ્યક્તિગત રમતમાં ભારતમાં નવી દિલ્હી તેમજ ચીનના બીજિંગમાં 25 મીટરની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. મનુ 25 મીટર નિશાનેબાજીમાં પણ ઘણી પારંગત છે. કમનસીબે, તે આ સ્પર્ધા માત્ર 0.1 પોઈન્ટથી હારી ગઈ હતી. છતાં, તેણે હિંમત ના હારી અને ફરી સુસજ્જ થઈને જર્મનીના મ્યુનિકમાં યોજાયેલ સ્પર્ધા જીતીને ઓલિમ્પિક-2020માં કોટા મેળવી લીધો.

હરિયાણાના ઝજ્જરમાં 18 ફેબ્રુઆરી, 2002માં જન્મેલી મનુ ભાકર, દેશની સૌથી યુવા નિશાનેબાજ છે. 14 વર્ષની ઉંમર સુધીમાં તો એણે મણિપુરી માર્શલ આર્ટ સહિત મુક્કાબાજી, ટેનિસ તેમજ સ્કેટીંગ વગેરે રમતોમાં નિપુણતા મેળવી લીધી હતી. તેમજ આ રમતોની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે અનેક પદકો પણ મેળવ્યાં છે.

મનુની પ્રેરણા એના દાદા રજકરન સાહેબ છે. જેઓ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યાં છે. અને તેઓ એક મહાન નિશાનેબાજ પણ હતા.

મનુ એના શાળાના અભ્યાસ દરમ્યાન પણ સતત દસ કલાક સુધી નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતી હતી. તેની શાળા યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ગોરિયામાં નાના શૂટિંગ રેન્જમાં પણ એ સતત અભ્યાસમાં પ્રવૃત્ત રહેતી હતી.

મનુએ 2017માં જ આંતરરાષ્ટ્રીય સફળતા જોઈ લીધી હતી. 2017માં એશિયાઈ જુનિયર ચેમ્પિયનશીપમાં એણે રજત ચંદ્રક જીત્યો.

ત્યારબાદ, 2017માં કેરળમાં આયોજીત રાષ્ટ્રીય રમતોત્સવમાં 9 સ્વર્ણ ચંદ્રક જીત્યાં. ત્યારબાદ 2018માં મેક્સિકોમાં ISSF વિશ્વ કપમાં બે સ્વર્ણ ચંદ્રક જીતવાવાળી મનુ સહુથી ઓછી વયની ભારતીય છે. 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં એણે સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો, ત્યારે એની ઉંમર માત્ર 16 વર્ષ હતી.

2019માં દિલ્હીમાં યોજાયેલ ISSF વિશ્વ કપ સ્પર્ધામાં 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ સ્પર્ધામાં સ્વર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

નિશાનેબાજીની સ્પર્ધાઓમાં ઉત્તમ દેખાવ આપવા સાથે મનુએ પોતાનો કોલેજ અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે. આ જ વર્ષે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં એણે દાખલો લઈ લીધો છે. તે રાજનીતિક વિજ્ઞાનમાં સ્નાતકનો અભ્યાસ કરશે.

નિશાનેબાજીમાં પગરણ મૂક્યાંના બહુ ઓછા સમયમાં મનુએ સફળતાઓ મેળવી છે. ભારતીય નિશાનેબાજીમાં એ એક નોંધપાત્ર નામ બની ગઈ છે. એથી સહુનું ધ્યાન હવે પછી આવનારી ટોકિયો ઓલિમ્પિક-2020માં એના દેખાવ તરફ રહે એ સ્વાભાવિક છે.