નાણાંનો સાચી જગ્યાએ ઉપયોગ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત

પુરુષો સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે તેમની પત્ની અને દીકરીઓ બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પાછળ વ્યર્થ નાણાં ખર્ચ કરે છે અને એની પાછળ સમય બગાડે છે જે ભવિષ્ય માટે ડહાપણભર્યુ ગણાય નહીં. શાણપણ વાપરી પૈસાનું મૂલ્ય સમજવું એ સ્ત્રીઓ માટે જરુરી છે એટલું જ પુરુષોની પણ સમજણની કસોટી કરનારું છે. સ્ત્રી ઘરનું અનાજ કરીયાણાથી લઇને ઘરેણાં ખરીદવા સુધીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા સાથે કામ પાડે છે. સ્ત્રીઓ સૌથી વધુ સમય ઘેર રહીને કામ કરવા પાછળ પસાર કરે છે. કુટુંબની સૌથી મહત્વની સભ્ય જે નાની આવક પણ કમાતી નથી પરંતુ ઘરને કઇ રીતે સંભળાવુ એ બહુ સારી રીતે જાણે છે. જેની તુલનામાં કોઇ જ ન આવી શકે. અત્યારે મોંઘવારી પણ એટલી વધી ગઇ છે કે ઓછા પૈસામાં દરેક વસ્તુ પૂરી પાડવા માટે પણ આવડત જોઇએ જે સ્ત્રીથી વધુ કોઇ સારી રીતે કરી ન શકે. એવા કેટલાંક કારણો છે કે સ્ત્રીએ નાણાકીય બાબત પર વધુ મહત્વ આપવું જોઇએ.ઘણીવાર નાણાંની વ્યવસ્થા કરવામાં સ્ત્રી નિર્ણાયક ભૂમિકા ભજવવાને બદલે નિષ્ક્રિય બની રહેતી હોય છે કારણ કે તે જાણે છે કે તેના પિતા અથવા તેના પતિ તેનું બધું જ કામ કરી આપવાના છે. પરંતુ જીવનમાં કોઇ પણ પરિસ્થિતિ પૂછીને નથી આવતી. જીવનસાથી અથવા કમાતા સભ્યનું મૃત્યુ અથવા છૂટાછેડા જેવી સ્થિતિ ઉભી થાય તો નાણાકીય આવક જળવાઇ રહે તે અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ લાગણીસર અને નાણાકીય રીતે સજ્જ ન હોવાથી તેની મુશ્કેલીમાં વધારો થાય છે. આથી એ મહત્વનું છે કે પરિવારમાં સ્ત્રીઓએ પણ રોકાણો તેમજ નાણાકીય વ્યવસ્થાને સમજવા માટે મહત્વનો ભાગ લેવો જોઇએ.

જોવા જઇએ તો નાણાકીય ધ્યેય એ નાણાકીય સ્થિતિ અને કુટુંબની પરિસ્થિતિ પર આધારિત છે અને સમય જતા બદલાયા કરે છે. જ્યારે સ્ત્રી પૈસાને સમજતી થાય છે ત્યારે પરિવારના મુખ્યા જીવિત ન હોય તો પણ પારિવારીક ધ્યેય અટકી જતા નથી. ભવિષ્યની સુરક્ષા માટે એ પણ મહત્વનું છે કે બચત યોજના શરૂ કરવામાં આવે. જીવનસાથીની મદદ લઇને અથવા તો કોઇ એકસપર્ટની સલાહ લઇને તમે તમારી આવક મુજબ રોકાણ કરી શકો છો. જેથી તમારુ ભવિષ્ય પણ સુરક્ષિત થઇ જશે.

પુરુષની જેમ સ્ત્રીઓ પણ વધુ પડતો ખર્ચ કરવાને લીધે ક્યારેક નાણાભીડનો સામનો કરે છે. જો કે આના માટે એ જરૂરી નથી કે સ્ત્રી કમાતી હોય કે ગૃહિણી હોય. જ્યારે પૈસા અંગે વધુ સમજણ નથી હોતી ત્યારે માથા પર કોઇ જવાબદારી પણ નથી હોતી. આથી નાણાનો ખર્ચ કરતા પહેલા પણ વિચારતી નથી જે ગમે એ લઇ લે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદાયેલી વસ્તુના બિલની ચુકવણી કરતી થશે ત્યારે પોતાની બિનજરૂરી ખરીદી પર કેવી રીતે સંયમ રાખવો એ જાતે જ શીખી જશે. એક માતા અથવા પત્ની મર્યાદિત બજેટમાં દરરોજનો ઘરવપરાશનો ખર્ચ કેવી રીતે ચલાવવો એ સારી રીતે જાણે છે. વધારાના ખર્ચને કેવી રીતે મેનેજ કરવો એ પણ જાણે છે. જેથી જો તમે નાણાકીય વ્યવસ્થા તમારી આવકને ધ્યાનમાં રાખીને કરશો તો તમે તમારા મોજ શોખ પણ પૂરા કરી શકશો. અને આ તમામ પાસાઓની યોગ્ય સમજણ સ્ત્રીને વધુ સારુ નાણાકીય આયોજન કરવામાં મદદ કરે છે.સ્ત્રી નોકરી કરતી હોવા છતાં નાણાકીય સ્વતંત્રતા માટે તે તેના પતિ અથવા પિતા પર આધારિત હોય છે. નાની નાની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો એ તમને ખૂબ મદદરૂપ બનશે. જ્યારે પણ શક્ય હોય ત્યારે નાની જરૂરિયાતો પર કાપ મૂકો અને તમારા અાવક અને ખર્ચનો ચોખ્ખો હીસાબ જાળવી રાખો. જો કે નાણાકીય સ્વતંત્રતા એટલે એવું પણ નથી કે તમે કોઇને પૂછ્યા વગર આડેધડ પૈસા ખર્ચી નાખો. નાણાકીય સ્વતંત્રતા એટલે કે તમે શાણપણભરી રીતે નાણા ખર્ચો. અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રી આગળ હોવા છતાં કેટલીક સ્ત્રીઓ નાણાકીય બાબતો સમજવામાં ઘણી પાછળ છે. જેના માટે હવે સ્ત્રીએ આત્મવિશ્વાસ કેળવવો પડશે, નાણાકીય ધ્યેયને સમજવુ પડશે અને પોતાના પર આધારિત રહેવુ પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]