કેવિન સેસ્ટોર્મઃ સફળતાનો ‘ઇન્સ્ટન્ટ ટેલીગ્રામ’!

કેવિન સેસ્ટોર્મ..નામ કદાચ નયે સાંભળ્યું હોય પણ કામની તો જગતમાં ચર્ચા છે. આ યુવાનની દુનિયાભરના મોબાઇલધારકોમાં આગવી પહોંચ છે, જેનું નામ છે ઇન્સ્ટાગ્રામ..હા, આ લોકપ્રિય એપના રચયિતા છે કેવિન સેસ્ટોર્મ. 30 ડીસેમ્બર 1983ના રોજ જન્મેલાં કેવિન  ઇન્સ્ટાગ્રામના સંસ્થાપક-સીઇઓ તરીકે તેમની ટેલેન્ટનો પરચો આપી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ વિશે સાદી ભાષામાં સૌને સમજ પડે કે આ એક ઓનલાઇન મોબાઇલ ફોટો અને વિડીયો શેરિંગ એપ્લિકેશન છે. ઇન્સ્ટાગ્રામની અલગ પહેચાન એમ પણ છે કે આ દુનિયાની એવી જૂજ સૌથી મોટી એપમાંની એક છે જેમાં દુનિયાની સેલિબ્રિટીઝ પણ ફોલો કરે છે.

તેમની સફળતા બે શબ્દમાં સમાય છેઃ ઇન્સ્ટન્ટ+ટેલીગ્રામ=Instagram

ઇન્સ્ટાગ્રામને ફેસબૂક દ્વારા 1 બિલિયન યુએસ ડૉલરમાં  2012માં ખરીદવામાં આવી તે પહેલાં જ તે ખૂબ લોકપ્રિય બની ગઇ હતી. ઇન્સ્ટાગ્રામના લોન્ચિંગના બે વર્ષમાં જ ફેસબૂકે તેને ખરીદી હતી. હાલમાં આ એપનું બજાર મૂલ્ય 37 બિલિયન ડૉલર આંકવામાં આવે છે અને વિશ્વમાં તેના 400 મિલિયન સક્રિય યુઝર્સ છે.

ફેસબૂકે ખરીદી લીધાં બાદ પણ કેવિન જ ઇન્સ્ટાગ્રામની સંભાળ રાખે છે અને તેના નીતિનિર્ધારણ કરે છે અને રોજિંદા કામો પણ જુએ છે. કેવિનની દેખરેખમાં ઇન્સ્ટાગ્રામ ઓલટાઇમ ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સર્વિસીસમાં શુમાર થાય છે.

કેવિનની આગવી ઓળખ

કેવિનના વ્યક્તિત્વને જાણનારાં કહે છે કે કેવિન દરેક બાબતને સરળ બનાવીને દેખનાર યુવક છે. તેના દ્રષ્ટિકોણમાં કોઇપણ સમસ્યાને ઉકેલવામાં ક્રિએટિવિટી જોવા મળે છે. કેવિનની પ્રોડ્કટને લોકો એ રીતે ઓળખે છે કે આ પ્લેટફોર્મ પર મોટા સમુદાય માટે વિડીયો સ્ટોરીટેલિંગનું ઘર છે. જેમાં મોટી હસ્તીઓ, ન્યૂઝરુમ્સ, બ્રાન્ડ્સ, સંગીતકારો કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ સ્થાન હોય છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ બેચલર કેવિનને આમ તો અંતર્મુખી વ્યક્તિ કરીકે ઓળખવામાં આવે છે. તેના માટે જીવનની મગ્નતા તેની પત્ની નિકોલ સાથે સાન ફ્રાન્સિસ્કોમાં તેના ઘરમાં સમાઇ જાય છે. તેની સાથે તેની બહેન પણ રહે છે. કેવિનને પણ મનુષ્યસહજ નબળાઇઓ છે અને તે છે કોફી અને સ્વાદિષ્ટ ભોજન.

અમેરિકાના માસાટ્ચ્યૂએટ્સમાં રહેતાં ડાયને અને ડગ્લાસના ઘેર કેવિનનો જન્મ થયો હતો. કેવિનના માતા ઝિપકારમાં માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ અને પિતા TJX કંપનીમાં એચઆર વાઇસ પ્રેસિડેન્ટ હતાં. કેવિન જ્યારે મિડલસેક્સ સ્કૂલનો સ્કૂલબોય હતો ત્યારે પહેલીવાર કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગની ખબર પડી. જોકે તેનું જ્ઞાન ત્યાં સુધી ડૂમ-2 રમવામાં પોતાના લેવલ ક્રિએટ કરવામાં પહોંચી ગયું હતું. જેમ જેમ મોટો થયો તેમ કેવિન તેના દોસ્તોના પ્રાન્ક કરતો થયો, એ માટે દોસ્તોના AOL ઇન્સ્ટન્ટ મેસેન્જર એકાઉન્ટ હેક કરી નાંખતો. કેવિનને તેના માતા તરફથી નવી નવી ટેકનોલોજી માટેનું અમાપ ખેંચાણ મળ્યું હતું તે ક્રમશઃ ઊંડુંને ઊંડુ થતું રહ્યું. જોકે, કેવિને કરેલી પ્રથમ જોબ સાથે તો ટેકનોલોજીના એકેય છેડા મળતાં ન હતાં…! કેવિન હાઇસ્કૂલના દિવસોમાં બોસ્ટન બીટ્સમાં ડિસ્કો જૉકી બનવા માગતો હતો. તો પણ સ્કૂલબોય કેવિને ઇમેઇલ્સ કરીને વિનાઇલ રેકોર્ડ સ્ટોરમાં નોકરી મેળવવા અરજી કરી હતી. બાદમાં ત્યાં અઠવાડિયામાં થોડા કલાક કામ કરવા માટે કેવિનને મંજૂરી મળી હતી.

પાયો નંખાયો

જ્યારે કોલેજમાં અરજી કરવાનો સમય આવ્યો ત્યારે એકક્ષણના પણ વિલંબ વગર કેવિને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પસંદ કરી હતી. કારણ બહુ સ્પષ્ટ હતું કેમ કે તેના લિસ્ટમાં ઢગલો ટેક ઓફર હતી અને સિલિકોન વેલી સાથે સ્ટેનફોર્ડનો નાતો ગાઢ હતો. કેવિને કોમ્પ્યૂટર સાયન્સ સાથે કોલેજ શરુ તો કરી પણ બાદમાં મેનેજમેન્ટ સાયન્સ અને ઇજનેરી અભ્યાસક્રમમાં આવી ગયો. કારણ કે સીએસના વર્ગ એપ્લિકેશનો કરતાં જુદાં હતાં અને એમએસ અને ફાઇનાન્સ-અર્થશાસ્ત્ર જેવા વિષયો તરફ કેન્દ્રિત હતાં. પોતાના અભ્યાસમાં આગળ વધતાં કેવિન તે 12 વિદ્યાર્થીઓમાંનાં એક હતાં જેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અત્યંત પ્રતિષ્ઠિત એવા મેફિલ્ડ ફેલો પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. આ રીતે કેવિને સ્ટાર્ટઅપની દુનિયાનો પ્રથમ અનુભવ મળ્યો હતો. આ ફેલોશિપે છેવટે જૂન 2005માં ઓડિયો ઇન્કમાં 4 મહિનાની ઇન્ટર્નશિપ અપાવી. કેવિન ત્યાં ટેકનિકલ અને બિઝનેસ ઇન્ટર્ન તરીકે જોડાયો. અહીં તેણે ઓડિયો વિજેટ બનાવી. તેનું લોન્ચિંગ પણ ફેસબૂકની આસપાસ કરાયું હતું.  તે છેક ટ્વીટર સુધી તેની પહોંચ બની ગઇ હતી. માર્ક ઝ્કરબર્ગે કેવિન ભણતો હતો ત્યારે જ પારખી લીધો હતો અને તેને હાયર કરવાની ઓફર આપી હતી પણ કેવિને અભ્યાસને પ્રાથમિકતા આપી ઓફર નકારી હતી. જોકે, વર્ષ બાદ, 2006માં કેવિન ગૂગલમાં જોડાયો અને ત્રણ વર્ષ કામ કર્યું. અહીં તે એસોસિએટ પ્રોડ્કટ માર્કેટિંગ મેનેજર તરીકે વિવિધ પ્રોડક્ટ પર કામ કર્યું. જેમાં જીમેઇલ, ગૂગલ કેલેન્ડર, ડોક્સ, સ્પ્રેડશિટસ આપી. બે વર્ષ પછી કેવિન કોર્પોરેટ ડેવલપમેન્ટ ટીમમાં ગયો.

કામકાજ દરમિયાન પણ કેવિનને સતત એ ખુજલી રહેતી હતી કે તે સોશિઅલ સ્પેસમાં કંઇ કરવું. એક યા બીજા કારણસર તેમ થઇ રહ્યું ન હતું. આખરે જાન્યુઆરી 2009માં કેવિને નક્કી કર્યું કે જોખમ લેવું અને તે નેકસ્ટસ્ટોપ ડોટ કોમ નામના સ્ટાર્ટઅપમાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયો. આ સ્ટાર્ટઅપ ગૂગલના જ એક્સ કર્મચારીએ બનાવ્યું હતું અને તે યુઝર્સને ટ્રાવેલ ભલામણો પાઠવતું હતું. આ એ જ માધ્યમ હતું કે જેમાં કેવિન હંમેશાથી કંઇક કરવા ઇચ્છતો હતો તે કરી શકવાની તક આપતું હતું. કોડ લખવા અને એપ સ્ટાઇલ પ્રોગ્રામ બનાવવા, જેમાં ફોટોઝની આસપાસ ગેમ્સ પણ આકર્ષિત કરી શકે. યસ, એ ત્યાં આવી પહોંચ્યો હતો જ્યાંથી બધું શરુ થતું હતું.! હવે કેવિનના મનમાં સ્પષ્ટ થઇ ગયું હતું કે આ જ તે પ્લેટફોર્મ છે જ્યાં તેણે હોવું જોઇએ. પોતાના ફોટોગ્રાફીના પેશનને મજબૂત બનાવતાં પોતાનો તમામ સમય સોશિઅલ શેરિંગમાં આપવા માંડ્યો અને જાણી લીધું કે તેનો આઈડિયા કામ કરી રહ્યો હતો. વધારાના સમયમાં તે ફ્લિકર અને ફોરસ્કવેરના મિશ્રણ જેવી એપ Burbn પર કામ કરતો જે લોકેશનબેઝ્ડ ફોટો શેરિંગ કરતી હતી. એકવાર પ્રોટોટાઇપ તેયાર થઇ પછીથી તેને બેઝલાઇન વેન્ચર્સ અને એન્ડરસન હોરોત્વિઝ સમક્ષ એક પાર્ટીમાં દર્શાવી. આ સમય હતો જાન્યુઆરી 2010નો. આશાસ્પદ રહેલી આ મુલાકાત પછી મોટો નિર્ણય લેતાં કેવિને નેક્સ્ટ્સ્ટોપ ડોટ કોમની નોકરી છોડી દીધી. સાહસિક એવું કદમ ઉઠાવવા પાછળ ગણતરી એ રાખી કે Burbn ની એક સફળ કંપની બની શકવાની શક્યતાઓ ચકાસવામાં આવે.

જોખમ તો લીધું ને સાથે નસીબનો પણ બળીયો નીકળ્યો કેવિન. નોકરી છોડ્યાંના ફક્ત બે સપ્તાહમાં  તેને બેઝલાઇન વેન્ચર્સ અને એન્ડરસન હોરોત્વિઝ તરફથી પાંચ લાખ યુએસ ડોલરની મદદ મળી ગઇ. નસીબે તો સાથ આપી દીધો હતો. હવે કેવિને કામ કરવાનું હતું અને તેણે એક સફળ સ્ટાર્ટઅપ બનાવવાનું હતું. તેને ખબર હતી કે તેના એકલાંથી નહીં ચાલે માટે તેણે પોતાનો સાથીદાર શોધવાનું શરુ કર્યું. તેની શોધ તેના દોસ્ત એવા સ્ટેનફોર્ડના જ એક જુનિયર ફેલો માઇક ક્રીગરમાં પૂર્ણ થઇ. માઇકે પ્રોટોટાઇપ જોયું અને તેના પ્રેમમાં પડી ગયો. પોતે તૈયાર કરી રહ્યો હતો તે સ્ટાર્ટઅપને પડતું મૂક્યું અને માર્ચ 2010માં કેવિન સાથે જોડાઇ ગયો. બંને જણાંએ ભેગાં થઇને Burbn ને HTML 5 ચેક ઇન સર્વિસમાંથી વિકસાવીને એવી પ્રોડક્ટ બનાવી દીધી જે યુઝર્સને ઘણું કરવાની તક આપતી હતી. જેમાં લોકેશન્સ,  ફ્યૂચર ચેક ઇન્સ પ્લાન્સ, અર્ન પોઇન્ટ્સ ફોર હેન્ગિગ આઉટ વિથ ફ્રેન્ડસ, પિક્ચર પોસ્ટ કરવા સાથે બીજું ઘણું આપતી હતી. હવે, Burbn લગભગ ફોરસ્કેવરની નજીક પહોંચી ગઇ હતી. ટેકનો બ્લોગમાં તેણે ઘણી હાઇપ પણ ઊભી કરી પણ હજું કશુંક ખૂટતું હતું. જોકે તેની ‘ફોટો શેરિંગ’ ક્લિક થઇ ચૂકી હતી. કેવિન સમજી ગયો હતો કે Burbn ઘણી ઓફર કરતું હતું પરંતુ લોકોને એં જોઇતું હતું જે સરળ હોય. વિચારીવિચારીને કેવિને હવે એક સ્પેસિફિક ફીચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે હતું ફોટો શેરિંગ.

આ દરમિયાન એક સાંજે કેવિન તેની ફીયાન્સી નિકોલ સાથે દરિયાકિનારે વૉક લઇ રહ્યો હતો. ત્યાં નિકોલે કહ્યું કે કેવિનની એપનો ઉપયોગ તે સરળતાથી નથી કરી શકતી કેમ કે તે તેના ફોટો એવા સારા નથી આવતાં, જેવા તેની દોસ્તના આવે છે. કેવિન તેની એપમાં એવા ફીચર ઉમેરી શકે કે જેનાથી પોતાના ફોટો સરસ દેખાય. બસ, પતી ગયું. આ જ હતો કેવિનને કમાલ કરવાનો મોકો. કેવિને તેની એપ ફેંદી નાંખી અને કસ્ટમાઇઝ્ડ કરીને પહેલાં આઈફોન યુઝર્સ માટે મૂકી. કારણ કે આઈફોન 4 હજુ હમણાં જ બજારમાં મૂકાયો હતો. આ ફોનમાં તેના ફિલ્ટર્સને લઇને ફોટો વધુ સારા દેખાતાં હતાં.  કેવિન અને માઇક બંને જણ સતત આઠ સપ્તાહ સુધી પોતાના આઇડિયા પર કામ કરતાં ટ્વીકિંગ કોડ, વિઝ્યુઅલ ડિઝાઇન સુધારી. તેમની આ આકરી મહેનતે Burbn ને Instagram ના સર્જન સુધી લાવી મૂક્યાં હતાં. આ નામ પસંદ કરવા માટેનું કારણ હતું બે શબ્દઃ ઇન્સ્ટન્ટ અને ટેલિગ્રામ. આમાંથી જન્મ થયો ઇન્સ્ટાગ્રામનો. કેવિન અને માઇકે હવે લોન્ચિંગ બટન પુશ કરવાનું હતું અને તે તેમણે કર્યું 6 ઓક્ટોબર 2010ના દિવસે.ઇન્સ્ટાગ્રામ લોન્ચ થતાં જ તેને ટ્વીટ કર્યું અને માધ્યમોમાં પ્રચાર માટે વ્યવસ્થા ગોઠવી. મોટાભાગે Burbn માં બ્લોગમાં લખીને જાણકારી આપી જેનાથી ઘણી મદદ મળી. ઇન્સ્ટાગ્રામ લાઇવ થયાંના ફક્ત બે કલાકમાં તેનું સર્વર ડાઉન થઇ ગયું. કારણ કે અત્યંત ઝડપથી લોકો તેમાં જોડાઇ રહ્યાં હતાં અને સર્વર પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. તરતને તરત નિષ્ફળતાના ભયથી ફફડતાં બંનેએ પાગલની જેમ આખી રાત કામ કરીને સર્વિસ બેક અપ મેળવ્યો અને ઇન્સ્ટાગ્રામને ઓનલાઇન અને રનિંગ રાખ્યું હતું.  પહેલાં 24 કલાકમાં જ 25,000 કરતાં વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર સાઇન્ડ અપ થઇ ગયાં હતાં.

ઇન્સ્ટાગ્રામ એપમાં યુઝર્સને  પોતાના ફોટોગ્રાફ્સને યુનિક બનાવવા અપાયેલી સુવિધાઓ ખૂબ જ પસંદ આવી ગઇ હતી. પોતાનો અંગત ડેટા આપ્યાં વિના કે ફ્રેન્ડઝ લિસ્ટ, ઇન્ટરેસ્ટ જણાવ્યાં વિના એ ફોલો જ કરવાનું હતું બસ. યુઝર્સે ઇન્સ્ટાગ્રામના સમગ્ર પ્રેઝન્ટેશનને બે હાથે વધાવી લીધું હતું. નવ મહિનામાં તો તેમણે રેકોર્ડ બ્રેક 7 મિલિયન યુઝર્સ મેળવી લીધાં હતાં. જેમાં કેટલાક યુઝર્સ અતિ પ્રસિદ્ધ ટેકલવિંગ સેલિબ્રિટીઝ હતાં. જેમ કે જસ્ટિન બીબર અને રેયાન સિક્રેસ્ટ. ઇન્સ્ટાગ્રામ શબ્દ હવે વિશ્વમાં સૌથી વધુ ફેમસ થયેલો  ટેક વર્લ્ડનો લિંગો બની ગયો હતો. એપ્રિલ 2012 સુધીમાં ઇન્સ્ટાગ્રામની વેલ્યૂ 25 મિલિયનથી 500 મિલિયન સુધી પહોંચી ગઇ હતી.. દરમિયાનમાં હાઇ રીઝોલ્યૂશન ફોટોગ્રાફ્સ માટે વર્ઝન 2.0 નવા લાઇવ ફિલ્ટર્સ, ઓપ્શનલ બોર્ડ્સ, ઇન્સ્ટન્ટ ટિલ્ટ-શિફ્ટ, વન ક્લિક રોટેશન અને અપડેટેડ આઈકન સાથે રીલીઝ કરી દીધું હતું. એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઇન્સ્ટાગ્રામ મૂકાયું ત્યારે એક દિવસમાં 1 મિલિયન ડાઉનલોડ અને તેનાથી વધુ વખત ગૂગલ પ્લેમાં ત્રણ માસમાં પહોંચી ગયું હતું. આ રીતે ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લે પર એક મિલિયન રેટિંગ સુધી પહોંચનાર પાંચમી એપ્લિકેશન હતી અને લગભગ ચાર મિલિયન રેટિંગ મળ્યાં હતાં.

માર્ક ઝ્કરબર્ગની ડીલ

ઇન્સ્ટાગ્રામને ફેસબૂક દ્વારા ખરીદવામાં આવી તે ઘટના પણ બિઝનેસ વર્લ્ડમાં ચર્ચાનો પસંદગીનો વિષય બની ગઇ હતી. તેની વિગતો પણ જગજાહેર છે. ઇન્સ્ટાગ્રામને ખરીદવાની રસાકસીમાં ઉતરેલી કંપનીઓ વચ્ચે કેવિન અને માઇકને મીઠી મૂઝંવણમાં મૂકાવું પડ્યું હતું કે આખરે કયો સોદો ફાયદાનો રહેશે. ફેસબૂકના માર્ક ઝ્કરબર્ગ કેવિન માટે મેન્તોર જેવા હતાં કારણ કે સ્ટેનફોર્ડમાં વિદ્યાર્થી હતો ત્યારથી તેમને મળતો રહ્યો હતો. ટ્વીટરના સીઇઓને ઇન્સ્ટાગ્રામને સોંપવાની મનોમન તૈયારી કરી ચૂકેલા કેવિનને ઝકરબર્ગે ટેબલટર્ન ઓફર કરતાં એવી ઓફર આપી કે ઠુકરાવી ન શક્યો. કેવિન નવા જોડાણમાં સ્વતંત્રપણે પહેલાંની જેમ જ કામ કરી શકે છે, એ બધી જ સત્તા છે જે માલિકની હોય છે તેની ખાતરી થતાં ફેસબૂકની ડીલ ફાઇનલ કરી હતી. આ પ્રકરણ એક અલગ જગ્યા માગે એટલું ઊંડુ છે. 2012માં ઝ્કરબર્ગે ઇન્સ્ટાગ્રામના 13 કર્મચારીઓ સહિત કંપની ખરીદી ત્યારે 1 બિલિયન કેશ અને સ્ટોક સાથે લીધી હતી. જ્યાં આજે 200 કર્મચારીઓ ફેસબૂકના કેમ્પસમાં જ રહીને કામ કરી રહ્યાં છે.2013માં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ રજૂ કર્યું જેણે બિગ ક્લાયન્સને આકર્ષિત કર્યાં. ડિઝની, એક્ટિવિઝન, લેનકોમ, બનાના રીપબ્લિક, સીડબ્લયૂ જેવી કંપનીઓ 2014 સુધીમાં તેમની ગ્રાહક બની હતી. ઇન્સ્ટાગ્રામ હજી પણ નવા નવા ફીચર લોન્ચ કરવાનું ભૂલ્યું નથી. આ એપ સેલિબ્રિટીઝ માટે તો સ્વર્ગ સમાન ગણાવાય છે. જેના ટેલર સ્વીફ્ટ, કિમ કદર્શિયાન, નિકી મીનાઝ, જસ્ટીન બીબર જેવા ફોલોઅર્સના લાખો ફોલોઅર્સને ટેકનોલોજીનો રોમાંચ પૂરો પાડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]