તમે બ્યુટી પાર્લરમાંથી સુંદરતાની સાથે બીમારી તો નથી લાવતાને ?

બ્યુટી પાર્લર… એક એવી જગ્યા કે જ્યાં જવું સ્ત્રીઓનો ખુબ મોટો શોખ હોય છે, કેટલીક સ્ત્રીઓનો શોખ હોય છે તો કોઈના માટે તે જરૂરિયાત હોય છે. પરંતુ બ્યુટી પાર્લરમાં જવાનો શોખ ઘણીવાર આપણને કોઈ બીમારી આપી બેસતી હોય છે અને તેની જાણ આપણને હોતી નથી. આખરે બ્યુટી પાર્લરમાં જતી વખતે અથવા તો ગયા પછી કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ આવો આ તમામ બાબતો પર વિસ્તૃત રીતે નજર કરીએ.

આપણા સમાજમાં સ્ત્રીઓ એટલી સબળ સક્ષમ અને સચેત છે કે કોઈપણ વસ્તુની તે ચીવટપૂર્વક કાળજી રાખે છે. પોતાનો મોબાઈલ ફોન હોય, ઘરવખરી હોય, કે પછી બાળકોના સ્કુલના યુનિફોર્મને સ્વચ્છ રાખવાથી લઈને પોતાના સાસુ સસરાને શું ગમે છે… પોતાના પતિને શું ગમે છે… આ તમામ બાબતોનું ધ્યાન એક ગૃહિણી રાખતી હોય છે. આમ પણ ગૃહિણી શબ્દનો અર્થ સમજીએ તો “ આખું ગૃહ(ઘર) જેનું ઋણી છે તે ગૃહિણી ”…. ગૃહિણી આખા ઘરની કાળજી રાખે છે, પરંતુ બ્યુટી પાર્લરમાં જતા સમયે પોતાની કાળજી રાખવાનું ભૂલી જાય છે. અને તેનું એક કારણ યોગ્ય માહિતીનો અભાવ પણ હોઈ શકે. કેટલીક સ્ત્રીઓને સ્વપ્નમાં પણ ખ્યાલ નથી હોતો કે બ્યુટી પાર્લરમાં બ્યુટીશીયનની બેદરકારી તેના માટે મોટી મુસીબત લઈને આવી શકે છે. થોડા સમયની સુંદરતા લાંબા સમયની બીમારી આપી શકે તે વાતને લઈને સ્ત્રીઓ એટલી સચેત કે સજાગ હોતી નથી.

તમે જ્યારે બ્યુટી પાર્લરમાં જાવ છો તો ઘણીવાર તમે સુંદરતાની સાથે બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવો છો જેનો તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નથી હોતો. પાર્લરમાં ઉપયોગ થનારા સાધનોની વ્યવસ્થિત રીતે સફાઈ ન થઈ હોવાના કારણે તમને કોઈપણ પ્રકારના ચેપ અથવા તો ઈન્ફેક્શન પણ લાગી શકે છે.

મેનિક્યોર પેડીક્યોર અથવા તો થ્રેડિંગ માટે ઉપયોગ થનારા સાધનો જો વ્યવસ્થિત રીતે સ્ટરલાઈઝ થયેલા ન હોય તો ઈન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. કેટલીક વાર આ સાધનોને યોગ્ય રીતે સાફ કરવામાં નથી આવતા અને જો બીમાર વ્યક્તિ પર આનો ઉપયોગ થયો હોય તો બીમારી ફેલાવાની શક્યતાઓ વધી જાય છે.

હેર સ્ટાઈલ વખતે રાખો સાવચેતી

બ્યુટી પાર્લરમાં તમે જ્યારે હેર સ્ટાઈલ અથવા તો હેર કટીંગ કરાવવા માટે જાવ છો ત્યારે પણ ખાસ ધ્યાન રાખો. કારણ કે હેર કટીંગ માટે ઉપયોગમાં લેવાતી કાતરથી લઈને કાંસકા સુધી અને હેર સ્ટાઈલમાં ઉપયોગમાં લેવાતા હેર સ્ટ્રેટનીંગ મશીન જેવા સાધનોને જો યોગ્ય રીતે સાફ કરવામાં ન આવ્યા હોય તો તમને ઈન્ફેક્શન થવાનો ભય રહે છે. સ્ત્રીઓ પોતાના વાળને પોતાના જીવ જેટલો પ્રેમ કરતી હોય છે. ત્યારે તમારી એક ભૂલ તમારા સુંદર વાળને હંમેશા માટે ખરાબ કરી શકે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે કોઈ મહિલા હેર સ્ટ્રેટનીંગ કરાવવા માટે ગઈ હોય અને હેર સ્ટ્રેટનીંગ કરાવ્યા બાદ તેના સિલ્કી વાળ બરછટ થઈ ગયા હોય. તો તમારી સાથે પણ આવું ન થાય તેના માટે તમારે પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે.

તો આ સિવાય બ્યુટી પાર્લરમાં ઉપયોગમાં લેવાતાં નેપકીન અથવા તો રૂમાલ કોમન હોય છે. એક વ્યક્તિ પર તેનો ઉપયોગ કર્યા બાદ ધોયા કે સાફ કર્યા વિના બીજી વ્યક્તિ પર તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ નેપકીન કે રૂમાલ જર્મ્સ વાહક હોઈ શકે છે, ત્યારે પાર્લરમા ગયા બાદ ખાસ પ્રકારે રૂમાલ અથવા નેપકીનની જગ્યાએ ટીશ્યુપેપરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જ્યાં ટીશ્યુ પેપરનો ઉપયોગ શક્ય ન હોય તે જગ્યાએ ખાસ પ્રકારે ધ્યાન રાખવું કે તમારા માટે નવા નેપકીન અથવા રૂમાલનો ઉપયોગ કરવામાં આવે.

પાર્લરમાં બ્યુટીશીયન એક દિવસમાં ઘણા બધા લોકોને બ્યુટી ટ્રીટમેન્ટ આપતા હોય છે. અને ઉતાવળમાં તેઓ ઘણીવાર પ્રત્યેક કસ્ટમરને ટ્રીટ કર્યા બાદ હાથ ધોવાનું ભૂલી જતા હોય છે. યાદ રાખવું કોઈપણ બ્યુટીશીયને એક કસ્ટમરને ટ્રીટ કર્યા બાદ જ્યારે બીજા કસ્ટમરને ટ્રીટ કરવાના હોય તે પહેલા ચોક્કસ પણે પોતાના હાથ ધોઈને સ્વચ્છ કરી લેવા જોઈએ. જો બ્યુટીશીયનો વારંવાર હાથ ધોઈ ન શકતા હોય તો તેમને ગ્લોઝ (હાથમોજા) નો ઉપયોગ કરવો જોઈએ અને તેને કસ્ટમર દીઠ બદલતા રહેવા જોઈએ. અને ગ્લોઝ પહેરવામાં પણ પાછુ એ ધ્યાન તો રાખવું જ કે તે યોગ્ય ગુણવત્તાવાળા હોય અને તેના પ્લાસ્ટીક અથવા તો કોઈ અન્ય પ્રકારના મટીરીયલથી બનેલા ગ્લોઝ કસ્ટમરની ચામડીને નુકસાન ન કરે.

ટેટુ દોરાવતી વખતે રહો સાવધાન

જો તમે ટેટુ દોરાવવા માટે જાવ છો તો ખાસ સાવધાની રાખો. ટેટુ પાર્લરમાં જતી વખતે ખાસ સાવધાની રાખો કે તેઓ સારી સર્વીસ આપી રહ્યા છે કે નહી. જો ટેટુ બનાવતી વખતે થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારનું ગંભીર ઈન્ફેક્શન અથવા તો એચઆઈવી-એઈડ્સ અને હિપેટાઈટિસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ક્યારેક આપણે ક્ષણિક સુંદરતા મેળવવા માટે લાંબા સમયની બીમારીને આમંત્રણ આપી બેસતા હોઈએ છીએ કે જેની આપણને કલ્પના પણ હોતી નથી. ત્યારે પણ એવા જ પાર્લરમાં બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા માટે જવું જોઈએ કે જ્યાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવતું હોય. અણીદાર ઉપકરણોનો ઉપયોગ કરતા પહેલા તેને તેને સ્ટેરેલાઈઝ કરેલા છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફેશિયલ, મસાજ અથવા તો ચહેરાને લગતી કોઈપણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બ્યુટીશીયને હાથ ધોયા છે કે નહી. જો તમે કોઈપણ પ્રકારના સીઝનલ ઈન્ફેક્શનનો શિકાર હોવ તો બ્યુટી પાર્લરમાં જવાનું ટાળવું જોઈએ.

તમારી એક બેદરકારી તમને લાંબા સમયની મુસીબતમાં મુકી દેશે અને તમે રાખેલી સાવચેતી તમારી સુંદરતા માટે આશીર્વાદ અથવા તો જીવનદાન બની જશે…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]