સ્ત્રીઓની સ્થિતિ સુધારવાની જવાબદારી શું એકમેવ સરકારની છે?

સામાજિક અને જાહેર જીવનમાં મહિલાઓની સ્થિતિમાં સુધાર આવે એ માત્ર મહિલાઓની જ વ્યક્તિગત જવાબદારી નથી. તો આ જવાબદારી માત્ર સરકારની પણ નથી. સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સહકારી સંસ્થાઓ વગેરે પણ સામુદાયિક પ્રયાસોથી મહિલાઓની સ્થિતિ વધુ બહેતર બનાવવામાં સહયોગ અવશ્ય આપી શકે.

બૉલ્ડ અને ફેમિનિસ્ટ ઈમેજ પામેલી બૉલિવૂડની હિરૉઈન કંગના રનૌતે આજની નારી માટે કહ્યું છે કે “તમારે તમારી લાઈફ તમારી રીતે જ જીવવાની છે, તમે મુશ્કેલીમાં હશો તો મદદ કરવા કોઈ આવવાનું નથી. તમારે તમારી હેલ્પ ખુદ કરવાની છે. કોઈ પણ કામમાં ટાર્ગેટ સકસેસનું હોવું જોઈએ અને ટાર્ગેટ એચિવ કરવા માટે જોશ-જુનૂન પણ રાખવું પડે. બીજાની આશા રાખીને બેસી રહેવાથી કોઈ ફાયદો થવાનો નથી.”

વિમેન, ટેક કેર. ડર કે આગે જીત હૈ, વિશ્વાસ હૈ. સુપ્રીમ કૉર્ટે આજથી વીસ-પચ્ચીસ વર્ષ પહેલા શાહબાનો કેસમાં ભૂતપૂર્વ ચુકાદો આપ્યો હતો. એ પછી છેક સને 2017માં ફરી એક વાર સુપ્રીમ કૉર્ટે ઈસ્લામી શરીયત કાનૂનના સામા કિનારે ત્રિપલ તલાકને લઈને ચુકાદો આપ્યો છે. અલબત્ત એમાં કેન્દ્ર સરકાર સાયુજ્ય રચીને અલાયદો કાનૂન લાવી શકે છે. મૂળ વાત એ છે કે શું માત્ર ત્રણ વાર તલાક શબ્દ બોલવાથી પરણેલી સ્ત્રીને અન્યાય કરી શકાય?

સને 2006માં ઈમરાના નામની બળાત્કાર પીડિતાના કિસ્સાને મીડિયા દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો. ઈમરાના ઉપર તેના સસરાએ બળાત્કાર કર્યો હતો. કેટલાક મૌલવીએ એવું જાહેર કર્યું હતું કે ઈમરાનાએ તેના સસરા સાથે લગ્ન કરવા જોઈએ. જેના કારણેવ્યાપક વિરોધ થયો હતો અને છેવટે ઈમરાનાના સસરાને દસ વર્ષની જેલની સજા થઈ હતી.આ ચૂકાદાને કેટલીક નારીવાદી સંસ્થાઓ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા આવકારવામાં આવ્યો હતો.

યુનાઈટેડ નેશન્સ્ તરફથી દર વર્ષે તારીખ 8મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. યુનો તરફથી સને 2001ના વર્ષને ઈન્ટરનેશનલ વૂમન ઈયર જાહેર કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં તા.9 માર્ચ,2010ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પછી રાજ્યસભા દ્વારા મહિલા અનામત ધારોપસાર કરવામાં આવ્યો હતો.

સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકાઅનામત બેઠકની ખાતરી આપવામાં આવેલી છે.જો કે તેનો અમલ કેટલો અને કેવો થાય છે, એ આપણે સહુ જાણીએ છીએ. ગુજરાતમાં તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત સંવૈધાનિક રીતે લાગુ કરવામાં આવી છે. જેને વિધાનસભાએ મંજૂરી આપેલી છે. જો કે વાસ્તવિકતા આપણી નજર સામે છે. ભારત સરકાર દ્વારા સને 2001માં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ પણ પસાર કરવામાં આવી હતી. મહિલાઓની સ્થિતિમાં સુધાર થાય એની વાત કરીએ. સામાજિક અને જાહેર જીવનમાં મહિલાઓની સ્થિતિમાં સુધાર આવે એ માત્ર મહિલાઓની જ વ્યક્તિગત જવાબદારી નથી. તો આ જવાબદારી માત્ર સરકારની પણ નથી. સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓ તથા સહકારી સંસ્થાઓ વગેરે પણ સામુદાયિક પ્રયાસોથી મહિલાઓની સ્થિતિ વધુ બહેતર બનાવવામાં સહયોગ અવશ્ય આપી શકે. કેન્દ્ર સરકારના મહિલા સક્ષમતા પ્રત્યેનાં પગલાંની વાત કરીએ.

ઈન્ડિયન ઍરફૉર્સ તરફથી લેડી પાઈલટ અવની ચતુર્વેદી, ભાવના કાંથ અને મોહનાસિંહને ગયા વર્ષે સને 2016માં ફાઈટર જેટ વિમાન ઊડાડવા માટે પસંદ કરવામાં આવી હતી. ભારતીય સેના ક્ષેત્રે આ એક મોટું કદમ હતું. ઈન્ડિયન ઍરફૉર્સે આ ત્રિપુટી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો. જેને ત્રણ લેડી પાઈલટે સાકાર કરી બતાવ્યો.

ગુજરાતની પ્રથમ પાઈટલ ગાંધીનગરની હેતલ સોંદરવા છે. પરંતુ વિશ્વમાં સૌથી લાંબા અંતરની ફલાઈટનું ઉડાન કરનારી મહિલા પાઈલટ રાજકોટની વતની પરિન પંડિત છે. જેણે રાજધાની નવી દિલ્હીથી સાનફ્રાન્સિસ્કોનું અંતર વિક્રમજનક સમય 17 કલાકમાં જ કાપીને અનોખી સિદ્ધિ મેળવી હતી.વડોદરાથી જ પાઈલટની ટ્રેનિંગ લેનારી પરિન પંડિત ગુજરાતની એક માત્ર એવી પાઈલટ છે કે જેણે વિશ્વની સૌ પ્રથમ સૌથી લાંબા અંતરની ફલાઈટની ઉડાન ભરી છે. રાજકોટમાં જન્મેલી પરિનના પિતા બેંક ઑફિસર હોવાથી સને 1999માં સમગ્ર પરિવાર વડોદરા શિફ્ટ થયો હતો. પરિન પંડિત કહે છે કે “મારા પિતાએ હંમેશા પુત્રની જેમ મારો ઉછેર કર્યો. મેં જ માતા-પિતાને મૃત્યુ બાદ મુખાગ્નિ આપીને પુત્રની ગરજ સારી હતી. હું માનું છું કે પહેલા મહિલાઓને સુરક્ષા અને સન્માન આપો પછી મહિલા દિનની ઉજવણી કરો.”

આપણો સમાજ શ્રદ્ધા અને વિશ્વાસની પાતળી ભેદરેખાથી બંધાયેલો છે અને આ રેખા ઉપર જ ટકેલો છે. ભાઈ-ભાઈ હોય, માતા-પુત્ર હોય, પિતા-પુત્રી હોય, પતિ-પત્ની હોય, નણંદ-ભાભી હોય, દીયર-ભાભી હોય કે પછી ગ્રાહક-વેપારી હોય, ટેનન્ટ અને લૅન્ડલૉર્ડ યાને ભાડૂત-મકાનમાલિક હોય. સંબંધ કોઈ પણ પ્રકારના કે કોઈ પણ સ્વરુપના હોય. ભારતીય સમાજની વાત કરીએ તો દરેક સંબંધની ઈમારત શ્રદ્ધા અને વિશ્વાસ નામના પાયા ઉપર જ રચાય છે અને ટકી રહે છે. જો પાયા હચમચી જાય તો ઈમારત પડી ભાંગે છે. પછી કશું રહેતું નથી. મેટર ઈઝ ઑવર. એક માણસ બીજા માણસ ઉપર વિશ્વાસ કરે અને શ્રદ્ધા રાખે એ જરુરી છે. ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો એ તો પછીની વાત છે.

એક સરસ મજાનો પ્રસંગ છે. ભક્ત ભીડમાં હતો એટલે મધરાતના સુમારે મંદિરમાં અડિંગો લગાવ્યો હતો. રાતના બે થવા આવ્યા હતા. ઘરમાં દીકરીનાં લગ્નનો પ્રસંગ હતો અને ભક્તને એમ હતું કે ભગવાન નરસૈયાની હૂંડી સ્વીકરતા હોય તો પોતાની પ્રાર્થના જરુર સાંભળશે. બીજી તરફ મંદિર પાસે રહેતા એક ધનિક વેપારીની ઊંધ વેરણ થઈ હતી. પડખા ઘસીને થાકવા છતા ઊંધ આવતી નહોતી. તેને થયું કે રાતના સન્નાટામાં ઘર બહાર લટાર મારી આવું. વેપારીએ રસ્તે ચાલતા ચાલતા જોયું કે રોડ ઉપર તેના સિવાય કોઈ અવરજવર નથી. પરંતુ મંદિરમાં કોઈ માણસ આટલી રાતે બેઠો બેઠો ભજન-ભક્તિ કરી રહ્યો છે. વેપારીને થયું કે જોઉં તો ખરો. આટલી મોડી રાતે એ માણસ મંદિરમાં શું કરે છે? વેપારીએ મંદિરની ભીતર જઈને જોયું તો સાવ સાધારણ કપડાં પહેરેલો માણસ ભગવાનને વીનવી રહ્યો છે કે“હે ભગવાન, મારી દીકરીના લગ્નનો પ્રસંગ રંગેચંગે પાર પાડી આપો.”

થોડી વાર સુધી આ વેપારી એમ જ ઉભો રહ્યો અને બધો તાલ જોયો. આખરે વેપારીએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેમાંથી થોડાક હજાર રૂપિયા બહાર કાઢીને પેલા ગરીબ ભક્તના હાથમાં મૂકી દીધા. જો કે ભક્તે આ રૂપિયા લેવાનો ઈન્કાર કર્યો. વેપારીએ આગ્રહ કરીને કહ્યું કે “તું એમ સમજ કે ભગવાને આ રૂપિયા તને આપ્યા છે અને મને આ રૂપિયા આપવા માટે જ આટલી રાતે તારી પાસે મોકલ્યો છે. હજુ કોઈ જરુર હોય તો લે આ મારું વિઝિટીંગ કાર્ડ છે. તું ગમે ત્યારે મદદ માટે મારી પાસે આવી શકે છે.” ગરીબ ભક્તે કહ્યું કે“ભલે. તમે કહો છો તો હું આ રૂપિયા રાખી લઉં છું. પરંતુ મારે તમારા વિઝિટીંગ કાર્ડની જરુર નથી. મારી પાસે ભગવાનનું વિઝિટીંગ કાર્ડ છે. ભગવાને જ તો તમને મારી પાસે મોકલી આપ્યા. મારે જ્યારે જરુર પડશે ત્યારે હું ભગવાનને જ કહી દઈશ. એ જ મારા માટે બધી વ્યવસ્થા કરી દેશે.”

ધનિક વેપારી ગરીબ ભક્તની વાત સાંભળીને ભક્તિ અને આસ્થાનું માહાત્મ્ય સ્વીકારીને મંદિરથી ઘર તરફ નીકળી ગયો. સમગ્ર પ્રસંગ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ફૉકસ કરે છે. આપણે એવા જમાનામાં જીવીએ છીએ કે સામાન્ય માણસ ઉપર પણ આપણને શ્રદ્ધા હોતી નથી કે વિશ્વાસ મૂકતા નથી, તો પછી આ તો ભગવાન ઉપર વિશ્વાસ મૂકવાની વાત છે કે જેને આપણે કદી જોયા જ નથી. ભલે તમારે છેતરાવાનું આવે, પરંતુ દરેક વ્યક્તિ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી તો જુઓ.

આચમનઃ-પરિવર્તન રાતોરાત આવી જતું નથી. રોજ થોડા કદમ ચાલવાથી મંઝિલ યા લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી શકાય છે.

  • દીપિકા પદુકોણ

 

 દિનેશ દેસાઈ