શિયાળાની ઠંડીમાં રાખો વાળની સંભાળ..ઠંડીમાં જાળવો ચમક

દલાતી ઋતુની સાથેસાથે આપણે પણ બદલતાં રહેવું પડે છે. અને બદલાતી ઋતુની ત્વચા અને વાળ ઉપર ઝડપથી અસર થતી હોય છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે, ઉનાળામાં પરસેવાને લીધે અને શિયાળામાં ઠંડકના કારણે શરીરના વિવિધ ભાગોની યોગ્ય માવજત જરૂરી બની જાય છે. હાલ ઠંડકની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સ્ત્રીના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતા વાળની માવજત પણ એટલી જ જરૂરી છે. ઠંડીની ઋતુને કારણે ઘણા લોકો વાળ ડ્રાય થવાની ફરિયાદ કરતા હોય છે. તો ઠંડીના કારણે લોકો રોજેરોજ વાળ ધોવાનું પણ ટાળે છે.ત્યારે આવા સમયે અમુક બાબતોનો ખ્યાલ રાખવાની જરૂર છે. જો તમે તેને અનુસરશો તો તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જશે.

સૌ પ્રથમ તો તમારા વાળને સવારસાંજ સૂર્યનો કોમળ તડકો અને હવા મળી રહે તેવું કરવુ. સામાન્ય આદત પ્રમાણે યુવતીઓ વાળની ગૂંચ ઉપરથી કાઢતી હોય છે. પરંતુ ગૂંચ પહેલા નીચેથી કાઢવી અને ત્યારબાદ ઉપરથી ગૂંચ કાઢવી જેથી કરીને વાળ ઓછા તૂટે છે. વાળ ધોવા માટે ઠંડુ પાણી અથવા તો નવશેકું પાણીનો ઉપયોગ કરવો. અતિશય ગરમ પાણી વાળને નુક્સાન કરે છે. જો તમે વાળ ધોવા માટે આયુર્વેદિક ડ્રાયશેમ્પૂનો ઉપયોગ કરશો તો વાળ વધુ સારા રહેશે. હેરક્રીમ, હેરલોશન, હેરડાઇ હેરકલર જેવા દ્વવ્યોથી લાંબે ગાળે વાળને નુક્સાન થાય છે.

યુવતીઓ વાળને નરમ, મુલાયમ અને ચમકીલા બનાવવા જાતજાતના પ્રયોગો કરે છે. ટીવી પર આવતી જાહેરાતોથી ભ્રમિત થઇને અનેક શેમ્પૂ, તેલનો ઉપયોગ કરે છે. પરંતુ મોટાભાગની પ્રોડક્ટ્સથી કોઇ બદલાવ આવતો નથી. હકીકતમાં જોવા જઇએ તો આપણી તણાવભરી જીવનશૈલી, પ્રદૂષણ અને અન્ય ઘણાં પરિબળો છે જે વાળ પર અસર કરે છે. જેથી ખરાબ થઇ ગયેલાં વાળને સુંવાળા અને મુલાયમ બનાવવા માટે હેર સ્પા ટ્રીટમેન્ટ લઇ શકો છો. અને આ ટ્રીટમેન્ટમાં માત્ર 50 થી 60 મિનિટ જેટલો સમય લાગે છે. આ ટ્રીટમેન્ટથી તમારા વાળને મૂળમાંથી જ પોષણ મળે છે જેથી વાળના રી-ગ્રોથનું પ્રમાણ પણ વધે છે.

જેને શિયાળામાં શરદી રહેતી હોય અથવા જેને શરદીનો કોઠો હોય તેણે ઠંડા તેલ જેવા કે આંબળા, દૂધી કે બ્રાહ્મી તેલનો ઉપયોગ ટાળવો. તેમણે તલનું તેલ, કોપરેલ, ભૃંગરાજ તેલ વાપરવું જોઇએ. જો તમે વાળ ધોઇને તેલ નાખવાના હો તો તકેદારી રાખો કે વાળ એકદમ સૂકાઇ જાય પછી જ તેલ નાખો. જો તમે રોજ ઓફિસ જાવ છો અને તેલ ન નાખી શકતા હોવ તો રાતે તેલ નાખી લો અને સવારે માથું ધોઇ નાખવું. આથી આખી રાત દરમિયાન તેલ વાળને પોષણ પૂરું પાડશે. તેલ માલિશ હંમેશા મૂળમાં આંગળીઓના ટેરવાથી જ કરવી જોઇએ. અને જો તમને તેલ નાખવાનો પણ સમય ન મળતો હોય તો અંતે તમારે માત્ર આંગળીઓના ટેરવાથી માથામાં માલિશ કરવું. અઠવાડિયામાં 2થી 3વાર પણ આમ કરવાથી ઘણો લાભ થાય છે.વાળ ઓળવા માટે દરેક કાંસકા અલગઅલગ રાખો. અને વાળ હંમેશા ઝીણાં કાંસકાથી ઓળવા. શિયાળામાં ઠંડીના કારણે વાળ ધોવાનું ટાળતા હોઇએ છીએ પરંતુ વાળને અઠવાડિયામાં બે કે ત્રણ વાર અચૂક ધોવો. સવારસાંજ વાળને ખેંચીને ઓળવા જેથી વાળને કસરત મળશે અને વાળ મજબૂત અને લાંબા થાય છે.

પંદર દિવસના અંતરે વાળમાં કંડિશનિંગ કરવાનુ રાખો. બજારમાં અનેક પ્રકારની મહેંદી મળતી હોય છે જેને તમે લોખંડના વાસણમાં કોફી, આંબળાનો પાઉડર વગેરે મિક્સ કરી મહેંદીમાં પલાળી વાળમાં લગાવો. ઓછામાં ઓછી બે કલાક સુધી મહેંદી વાળમાં લગાવી રાખો. શિયાળામાં મોટા ભાગે ખોડાની ફરિયાદ રહે છે તો તેના માટે વાળમાં લીંબુનો રસ અથવા ચણાનો લોટ મિક્સ કરી લગાવો અને 15 મિનિટ પછી તેને ધોઇ લો. આનાથી ખોડો તો દૂર થશે જ પણ સાથે વાળ ચમકદાર અને મુલાયમ પણ બનશે. સાથે જ મહિને બે મહિને એક વખત ટ્રિમિંગ જરૂર કરાવો એનાથી દ્વિમુખી વાળ કપાઇ જશે અને વાળ વધશે. શિયાળામાં વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે. જેનું મુખ્ય કારણ છે પોષણ વગરનો આહાર, અપૂરતી ઉંઘ, ચિંતા, હોર્મોન્સનું વધતુંઘટતું પ્રમાણ. ખરતા વાળને અટકાવવા તમે પૂરતો આહાર લો અને પૂરતું પાણી પીવાનું રાખો જે તમે તમારા વ્યસ્ત કામમાં પણ કરી શકો છો. પછી તમને વાળ ખરવાની કે વાળ ડ્રાય થવાની સમસ્યા ક્યારેય નહીં થાય. આ તમામ વસ્તુ કરવાથી વાળને લગતી તમામ સમસ્યાથી તમને રાહત મળશે અને તમારા વાળ ચમકીલા બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]