‘ગ્રીન ધ રેડ’ ઝુંબેશ: સ્ત્રીઓનાં શરીરની તેમજ પર્યાવરણની તંદુરસ્તી ખાતર

આપણા દેશમાં સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત થયા બાદ લોકો પર્યાવરણ અંગે વધારે જાગૃત થયા છે. બેંગલોરમાં ઘન કચરામાં રહેલા વિવિધ ઘટકોનો અભ્યાસ કરતાં જણાયું કે ત્યાં દરરોજ ૯૦ ટન જેટલો સેનિટરી કચરો ઉત્પન્ન થાય છે, જેમાં સ્ત્રીઓ દ્વારા એમનાં માસિક દરમિયાન વપરાતા ડિસપોઝેબલ સેનિટરી નેપકીન્સ તેમજ નાના બાળકોમાં વપરાતા ડિસપોઝેબલ ડાયપર્સનો સમાવેશ થાય છે.

આ આંકડો ખૂબ ચોંકાવનારો છે. ‘શું આપણે કોઈ રીતે આ કચરાને નાબૂદ કરી શકીએ ખરા?‘ તેવા ચિંતનમાંથી ‘ગ્રીન ઘ રેડ’ ઝુંબેશની શરૂઆત થઈ.

ડિસપોઝેબલ સેનિટરી પેડ શા માટે ન વાપરવા જોઈએ?:

૧) તે મોંઘા છે.

૨) તેની બનાવટમાં પ્લાસ્ટિક અને ઝેરી રસાયણયુક્ત જેલ હોય છે. જે માસિકસ્ત્રાવથી ભીનું થતાં, તેમાંથી વાયુ સ્વરૂપે આ રસાયણો બહાર નીકળી યોનીમાર્ગમાં પ્રવેશી તે પહેરનાર સ્ત્રીનાં શરીરમાં પ્રવેશે છે. ડાયોક્સિન, ક્લોરીન, સ્ટાયરીન, એસિટોન વગેરે લોહીમાં ભળીને શરીરમાં અંતઃસ્ત્રાવની સમતુલા ખોરવી નાખીને ડાયાબિટીસ, થાઈરોઈડના રોગો, માસિકની અનિયમિતતા જેવી અનેક બિમારીઓને નોતરૂં આપે છે.

૩) ઘણાને એલર્જી, ખંજવાળ, પ્રજનનમાર્ગના ચેપ જેવી તકલીફો પણ આના ઉપયોગથી થતી હોય છે.

૪) આપણા દેશમાં ગટર બ્લોક થઈ જવાનું મુખ્ય કારણ આવા સેનિટરી નેપકીન્સ છે. એવી બ્લોક થઈ ગયેલી ગટરોને સાફ કરતી વખતે ઘણા સફાઈ કામદારો મૃત્યુ પામે છે.

૫) સેનિટરી નેપકીન્સને જો બાળવામાં આવે તો વાતાવરણમાં ઝેરી કેમિકલ્સ ભળે છે. જે હવાનું પ્રદુષણ વઘારે છે. જો તેને દાટવામાં આવે તો તેનો નાશ ૫૦૦-૭૦૦ વર્ષ સુધી થતો નથી, કારણ કે તે પ્લાસ્ટિકયુક્ત જ છે. ભીના કચરાની સાથે કચરાના ઢગલામાં રહે છે ત્યારે વરસાદના પાણીમાં ભળીને પાણીના સ્ત્રોતમાં પ્રદૂષણ ફેલાવે છે.

આમ સેનિટરી પેડ, શરીરની તેમજ પર્યાવરણની તંદુરસ્તી જોખમમાં મૂકતાં હોવાથી તેનો વપરાશ કરવો હિતાવહ નથી.

તો પછી આપણે માસિક દરમિયાન સ્વચ્છતા માટે શું કરવું?

આ માટે બે વિકલ્પ છે.

(1) કાપડનાં સેનિટરી પેડ: આપણે ત્યાં જૂના કોટન લૂગડાં, ગડી બનાવી માસિક દરમિયાન વર્ષો પહેલા વપરાતાં હતા. એને ધોઈને, ફરી વાપરી શકાતા હતા. પરંતુ માસિક સાથે સંકળાયેલા શરમ-સંકોચ, ગેરમાન્યતાઓને કારણે આવા કપડાં અંધારા ખુણામાં, બધાની નજરે ન આવે તેમ, સંતાડીને સૂકવવામાં/સાચવવામાં આવતા જેથી તેમાં ભેજ રહી જતો અને તેનાથી યોનીમાર્ગમાં ચેપ લાગવાની શક્યતા વધી જતી.

જો કપડાંના પેડ ધોઈને, સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવીને ઉપયોગમાં લેવામાં આવે તો એલર્જી  કે ખંજવાળરહિત, સ્વાસ્થ્યપ્રદ, માસિક સ્વચ્છતા માટે પર્યાય પૂરા પાડે છે. આધુનિક સમયમાં PUL COATED IMPERVIOUS LAYER સાથેના કાપડનાં પેડ મળે છે. જે ૩-૫ વર્ષ (ફાટી ન જાય ત્યાં સુધી) ચાલે છે. જેનાથી ૧૦ વર્ષમાં અનેક રૂપિયાની બચત થાય છે.

ચોમાસામાં જ્યારે સૂર્યપ્રકાશમાં સુકવવાનું શક્ય ન બને ત્યારે ઘરમાં સૂકાવેલા કાપડનાં પેડનો ઉપયોગ ઇસ્ત્રી કરીને કરી શકાય. આ કાપડના બનેલા હોવાથી તેમજ ફરી ફરીને લાંબો સમય ઉપયોગમાં લેવાતા હોવાથી પર્યાવરણને નુકસાન કરતા નથી.

(૨) મેન્સ્ટ્રુઅલ કપ: સિલિકોનના બનેલા, યોનિમાર્ગમાં અંદર મૂકવામાં આવતા મેન્સ્ટુઅલ કપ સૌથી વધુ આરામદાયક, એલર્જીરહિત,  ખંજવાળરહિત, સહેલાઈથી સાફ થઇ શકે તેવા અને 10-12 કલાક સળંગ ઉપયોગમાં લઈ શકાય છે. ખૂબ જ ઓછા પાણી વડે તેને સાફ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ૮-૧૦ વર્ષ સુધી એક જ મેન્સ્ટ્રુઅલ કપ ફરી ફરીને ઉપયોગમાં લઇ શકાય છે. ૬૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીની કિંમતમાં ઓનલાઈન પર સહેલાઈથી ઉપલબ્ધ મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે ઉપયોગમાં લેવા તેનો વિડિયો પણ www.greenthered.in વેબસાઇટ પર જોઈ શકાય છે.

આપણા દેશમાં ઘણી સ્ત્રીઓ પોતાના પ્રજનનતંત્ર અંગેની જરૂરી માહિતીથી અજાણ છે. પછી પોતાની જાતે જ પોતાના યોનીમામાં મૂકવાના સાધનની વાત તેમને પચાવવાની થોડી અઘરી લાગે છે. પણ જેઓ આ વાતને સ્વીકારીને મેન્સ્ટ્રુઅલ કપ વાપરવા માંડે છે, તેઓ માસિક સાથે સંકળાયેલા પેઢાના દુખાવામાં પણ રાહતનો અનુભવ કરે છે. મેન્સ્ટ્રુઅલ કપ પહેરીને તરવું, દોડવું, રમવું, નૃત્ય કરવું જેવી ક્રિયાઓ આસાનીથી કરી શકાય છે જે સામાન્ય રીતે માસિક દરમ્યાન કરવામાં અગવડ પડે છે.

મેન્સ્ટ્રુઅલ કપ લગભગ ૨૪૦૦ સેનેટરી પેડને કચરાના ઢગલામાં જતા રોકે છે. આપણા દેશમાં ૧૫૫ મિલિયન સ્ત્રીઓને દર મહિને માસિક આવે છે. તેઓ સૌ પોતાની તેમજ પર્યાવરણની તંદુરસ્તીને લક્ષમાં રાખીને એક વાર વાપરીને ફેંકી દેવાતા સેનિટરી પેડને બદલે, ફરી ફરીને ઉપયોગમાં લઇને વર્ષો સુધી ચાલે તેવા કાપડના પેડ અથવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ માસિક દરમ્યાન કરવા માટેની સમજ કેળવે તે જ ‘GREEN THE RED’ ઝુંબેશનો ઉદ્દેશ્ય છે.

દેશભરમાં મારી જેવી અનેક સ્વયંસેવકો આ ઝુંબેશમાં કાર્યરત છે.

લીલો રંગ હરિયાળી એટલે કે પર્યાવરણનું પ્રતિક છે, જ્યારે લાલ રંગ ભય તેમજ માસિક દરમિયાન નીકળતા લોહીનું પ્રતિક છે. માસિક દરમિયાન યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને પર્યાવરણની જાળવણી કરીએ એવો GREEN THE REDનો નિર્દેશ છે.

સૌ ડોક્ટર મિત્રો આ બાબતની સમજ કેળવી તેમની સલાહ લેવા આવતા અગણિત બહેનોને સૌનાં હિત માટે માસિક સ્વચ્છતામાં શેનો ઉપયોગ કરવો યોગ્ય છે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપે અને આ ઝુંબેશમાં સાથ આપે એ જ અભ્યર્થના!

ડો. અમી યાજ્ઞિક (M.S. જનરલ સર્જરી, સુરત)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]