આ સરળ મસાજ આપશે ખીલીખીલી તાજગી

નાળાના ધોમધખતા તાપમાં ચહેરો નરમ પડી જતો હોય છે. આવામાં સતત ચહેરાને મોઇશ્ચર અને મસાજની જરૂર પડતી હોય છે. જો કે વારંવાર ફેશિયલ કે મસાજ માટે પાર્લરમાં જવું પોસાતુ નથી. ત્યારે મહિલાઓ ઘરે રહીને જ વગર રૂપિયે ચહેરાને સુંદર બનાવવા માટે કેટલીક ટેક્નિક અપનાવી શકે છે. ગરમીમાં ત્વચાને ફ્રેશ બનાવવા માટે તમે ઘરે બેઠાંજ આઇસ મસાજ કરી શકો છો.બરફને ફેશિયલ માટે સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. સ્કીનને બહારથી અને સાથે જ અંદરથી ફ્રેશ બતાવવા માટે બરફનો મસાજ શ્રેષ્ઠ ગણાય છે. આઇસ મસાજ એ ચહેરા માટે ફાયદાકારક માનવામાં આવે છે. અને એ ઘરે પણ સહેલાઇથી કરી શકાય છે. પરંતુ તમે તમારી સ્કીનના પ્રકારને જોઇને બરફની સાથે ફેસપેક લગાવી શકો છો. પણ આર્ટિફિશ્યલ ફેસપેક વાપરવા કરતા તમે ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરી આઇસ ફેસપેક લગાવી શકો છો.ચણાનો લોટ, દહીં, ગુલાબજળ અને લીંબુના રસથી જ તમે ઘરમાં ફેસપેક તૈયાર કરી શકો છો. ફેસપેક ચહેરા અને ગરદન પર લગાવવો. ત્યારબાદ પાંચ મિનિટ સુધી આ ફેસપેક લગાવી રાખો. હવે ચહેરા પર ધીમે-ધીમે બરફ ઘસો. કપાળના ભાગથી શરૂ કરીને આંખોના ખૂણા તરફ જાઓ અને પછી હળવા હાથે મસાજ કરો. આંખોની આજુબાજુ ફેસપેક લગાવતા ધ્યાન રાખો. કારણ કે બરફ લગાવવાથી ચહેરો ભીનો થશે એટલે ફેસપેક પણ ભીનો થઇ જશે જેથી આંખમાં જવાની શક્યતા રહેશે. ફેસપેક લગાવી ચહેરા પર બરફથી મસાજ કરશો જેથી આખા ચહેરા પર મસાજ થશે.એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ પણ આઇસ મસાજમાં કરી શકાય છે. એક પાણીના બાઉલમાં થોડા રોઝમેરી ઓઇલના ટીપાં, રોઝ વોટર અને ઓલિવ ઓઇલ મિક્સ કરી દો. અને ત્યારબાદ બરફનાં ગાંગડાને આ મિશ્રણમાં બોળીને ચહેરા પર લગાવી દો. આમ તમે કૂલ અરોમા મસાજ પણ કરી શકો છો. ચહેરા પર તમે આ રીતે ઓઇલવાળુ મસાજ કરશો તો ચહેરો મોઇશ્ચરાઇઝ પણ થશે અને સ્કીન પણ સોફ્ટ થશે. જો તમારે આનુ બેસ્ટ રિઝલ્ટ જોઇતુ હોય તો આ રીતે અઠવાડીયામાં બે વાર મસાજ કરો. એવુ બની શકે કે ઘરમાં એસેન્શિયલ ઓઇલ ન હોય તો તમે બીજો કોઇ ફેસપેક લગાવીને આઇસ મસાજ કરી શકો છો.આઇસ મસાજ કરતા સમયે અમુક બાબતો એવી છે કે જે ધ્યાનમાં લેવા જેવી છે. હંમેશા 2 થી 4 મિનિટ સુધી જ મસાજ કરવુ અને ત્યારબાદ ચહેરાને ફ્રેશ પાણીથી ધોઇ નાખો. જો તમે આઇસ મસાજ કરતા હોવ ત્યારે ત્વચા ખૂબ લાલ થઇ જાય અથવા તો બળવા લાગે તો આઇસ મસાજ ન કરવુ. બરફ ખૂબ ઠંડો હોવાને લીધે ચામડી બળવી તેમજ લાલ થવી એ શક્ય છે. પરંતુ જો ત્વચા 35 થી 40 મિનિટ બાદ પણ નોર્મલ ન થાય તો તે એલર્જી હોય શકે છે. બરફને હંમેશા આઇસ બેગ અથવા તો રૂમાલમાં વીંટાળીને ચહેરા પર ઘસો કારણ કે બરફને સીધો ચહેરા પર ઘસવો અશક્ય છે. કૉટન કે મલમલના કપડામાં પણ બરફને વીંટાળી ચહેરા પર ઘસી શકાય છે. પરંતુ કપડું સાફ અને સૉફ્ટ હોય એનું ખાસ ધ્યાન રાખવું. આઇસ મસાજથી ત્વચા ટાઇટ થાય છે અને કરચલી થતી અટકે છે. જો ખીલ થયા હોય તો એના પર બરફ ડાયરેક્ટ ઘસવાથી ખીલ બેસી જાય છે અને વાન પણ ખીલે છે. ચામડીમાં બળતરા થતી હોય તો પણ બરફ લગાવવાથી આરામ મળે છે. ગરમીમાં બહાર ફરીને આવ્યા બાદ ચહેરાને આરામ આપવા માટે આઇસ મસાજ શ્રેષ્ઠ રહેશે.