હાથનું સુશોભન કરતી વીંટી…

વીંટી એક નાની એવી જ્વેલરી પણ તમારા હાથનું સુશોભન વધારે છે. સુશોભન તો વધારે જ છે સાથે મેરિડ હોવાની, સગાઇ થયાની નિશાની પણ છે. વીંટી છે એક નાનકડી એવી જ્વેલરી પરંતુ હાથમાં પહેરતા જ હાથ સુંદર લાગવા લાગે છે. એમાં પણ ખાસ કરીને હવે તો વીંટીમાં એટલી બધી વેરાયટી અને પેટર્ન ફેશનમાં છે કે ઘણીવાર તો આપણે પણ વિચારમાં પડી જઇએ છીએ કે આ તે કેવી વીંટી હશે, કેવી રીતે પહેરાતી હશે. બે આંગળીઓમાં એકસાથે પહેરાતી રીંગ તો પછી ચાર આંગળીઓમાં પણ એકસાથે પહેરાય તેવી રીંગ આવે છે. તમારી આખી આંગળી ઢંકાય જાય એવી પણ રીંગ મળે છે. આંગળીમાં તો ઠીક પરંતુ હવે હથેળીમાં પહેરવાની પામ રીંગ પણ આવે છે.

વીંટીમાં અમુક કોન્સેપ્ટ છે જે જૂના છે પરંતુ હવે તો જે જૂનુ હોય એ જ ફેશન બની રહ્યુ છે. આંગળીમાં નોર્મલ રીંગ પહેરીને અથવા તો પહેર્યા વિના પણ તમે આંગળીના સેન્ટરમાં પહેરી શકો છો. આ રીંગને મિડ ફંગર રીંગ કહેવાય છે. જો કે યુવતીઓ આ પ્રકારની રીંગને બધી જ આંગળીઓમાં પહેરવાનુ પસંદ કરે છે. આ રીંગની ડીઝાઇન ખૂબ નાજુક અને પાતળી હોય છે એ માટે ખૂબ ધ્યાનથી પહેરવી પડે છે.

હવે વાત કરીએ ફુલ ફિંગર રીંગની, આખી આંગળી ઢંકાઇ જાય એવી રીંગ મોટે ભાગે વચ્ચેની અથવા તો પહેલી આંગળીમાં પહેરવામાં આવે છે. આ રીંગને સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે તમે આ રીંગ પહેરો ત્યારે તમારે હાથમાં બ્રેસલેટ, બેન્ગલ્સ કે બીજી કોઇ જ્વેલરી પહેરવાની જરૂર નથી પડતી. અને આ રીંગ સાથે હાથમાં બીજી કોઇ જ્વેલરી પહેરવામાં આવે તો પણ એ વધુ પડતુ લાગે છે. આ રીંગની ડીઝાઇન તમારી આખી આંગળી અને નખ ઢંકાઇ જાય એ રીતે હોય છે. આવી રીંગ તમે કોઇ ફંક્શન કે પ્રસંગમાં પહેરી શકો છો.

વાત હવે પામ રીંગની તો આ રીંગ એક બંગડી જેવુ બ્રેસલેટ જ હોય છે જેને હથેળીમાં પહેરવામાં આવે છે. બ્રેસલેટ અને રીંગ બંને ટાઇટ હોય છે કે પડવાની ચિંતા નથી રહેતી. આ પ્રકારની રીંગ લગ્ન પ્રસંગમાં વધુ પહેરવામાં આવે છે. જો કે હવે પામ રીંગમાં એટલી નવી-નવી ડીઝાઇન બજારમાં મળી રહે છે કે તમે એને જીન્સ કે કોઇ પણ વેસ્ટર્ન કપડામાં પહેરી શકો છો. જે રીતે હાથમાં પામ રીંગ આવે છે એ જ રીતે હવે પગમાં પહેરવા માટે પણ આ પ્રકારની રીંગ મળે છે. પગની રીંગને પણ તમે આ રીતે જ પહેરી શકો છો. કોલેજ યુવતીઓ આ પ્રકારની રીંગ પહેરવાનુ પસંદ કરે છે. જો કે તમારે આખો દિવસ કામ કરવાનું હોય તો આ પ્રકારની રીંગ તમારા માટે સૂટેબલ નથી.

પામ રીંગમાં મોટે ભાગે પાતળી અને સિમ્પલ પ્રકારની ડીઝાઇન ખૂબ સરસ લાગે છે. સિંગલ ડાયમંડવાળી અથવા સિંગલ પ્લેન મેટલની ચેઇન જેવી પટ્ટીવાળી ડીઝાઇન સારી લાગે છે. મોટી અને પહોળી ડીઝાઇનવાળી પણ મળે છે પરંતુ એ પ્રકારની સાડી અથવા તો લગ્નપ્રસંગ સમયે વધુ સરસ લાગશે. આ સિવાય અત્યારે મોટી ડીઝાઇનવાળી રીંગ પણ ખૂબ ફેશનમાં છે. જેમાં ડાયમંડના સ્ટડવાળી પણ આવે છે અને અલગ-અલગ ડીઝાઇન જેવી કે કાચબો, આઉલ, પંખી જેવી ડીઝાઇન ફેશનમાં ચાલી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]