ડાયાબિટીસઃ કેવી રાખશો કાળજી?

ડાયાબિટીસ એક એવો ખતરનાક રોગ…જે ધીમેધીમે વ્યક્તિને આંતરિક રીતે નબળો બનાવે છે. ડાયાબિટીસનો રોગ વ્યક્તિના મૃત્યુ સાથે જ ખતમ થાય છે. એકવાર જો વ્યક્તિ આ રોગની ઝપેટમાં આવી ગઇ તો જાણે માણસની મોજશોખની જીંદગી પૂરી થઇ ગઇ હોય એવુ લાગે છે. આ રોગ બાદ વ્યક્તિએ તેની કાળજી રાખવાની હોય છે. બાકી એ હંમેશા માટે મટી જાય તેવી હાલ કોઇ જ દવા નથી. હાલમાં દેશભરમાં 199 મિલિયનથી પણ વધુ મહિલાઓ ડાયાબિટીસ સાથે જીવી રહી છે. મહિલાઓને ડાયાબિટીસ થવાનું જોખમ વધુ રહે છે જેના કેટલાક કારણો છે.

લૈંગિક ભૂમિકા ડાયાબિટીસ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને તેને પ્રભાવિત કરે છે. સ્વાસ્થ્ય સેવાઓની પહોંચને પ્રભાવિત કરે છે અને તેનાથી મહિલાઓ પર ડાયાબિટીસનો પ્રભાવ વધે છે. આ રોગનું મોડુ નિદાન થવાના કારણે કોમ્પ્લિકેશન વધે છે. સમાજમાં હજુ પણ રહેલા સામાજિક અને આર્થિક માળખામાં અસમાનતાનાં કારણે મહિલાઓમાં ડાયાબિટીસનું જોખમ વધારે રહે છે. જેમ કે અપૂરતો આહાર, અપૂરતું પોષણ અને શારીરિક રીતે વધુ નિષ્ક્રિયતાનો સમાવેશ થાય છે. અન્ય પરિબળો જેવા કે માનસિક તણાવ, જીવનશૈલી, ધૂમ્રપાન અને એસ્ટ્રોજનનું પ્રમાણ કે જેનાથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી ઘટે છે. આજે મહિલાઓ પણ કામ કરે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સંતુલન જાળવે છે પણ આમ કરવામાં તેઓ તેમના સ્વાસ્થ્યને ગુમાવે છે. અને જો એમાં પણ સગર્ભા મહિલાઓને જ્યારે ડાયાબિટીસ હોવાનું નિદાન થાય ત્યારે તેમને વધુ જોખમ રહે છે. જો ગર્ભવતી મહિલા ડાયાબિટીસથી પીડાય છે ત્યારે બાળકમાં કોઇ જન્મજાત સમસ્યા થઇ શકે છે અને આથી દર્દીની વધુ પ્રમાણમાં કાળજી લેવી જરૂરી બને છે. આ ઉપરાંત એવું પણ બની શકે છે ભવિષ્યમાં પણ બાળકને આ રોગ થવાનું જોખમ રહે છે.

ડાયાબિટીસ એવો રોગ છે કે જેનાથી તમારા શરીરના તમામ ભાગોને અસર થઇ શકે છે અને એટલા માટે પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે. તેને રોકવા માટે મહિલાઓએ દર વર્ષે સુગર લેવલ ચેક કરાવતા રહેવુ જોઇએ. અને એ મુજબ પોતાના આહારમાં ફેરફાર કરતા રહેવુ જોઇએ. મોટી વયની મહિલાઓ કે જેમને ઘૂંટણની સમસ્યા છે, તેમણે સાયક્લિંગ અને સ્વિમિંગ જેવી કસરતો કરવી જોઇએ. જેઓને ડાયાબિટીસ છે તેઓ માટે પ્રથમ મહત્વનું સ્ટેપ આ રોગનો સ્વીકાર કરવો છે. ડાયેટ અને જીવનશૈલીનું સંચાલન તેની સારવારના મુખ્ય ભાગ છે. ડાયાબિટીસ બાદ એ જરૂરી છે કે આંખ, કિડનીનું નિયમિત ચેક અપ કરવામાં આવે અને યુરિન માઇક્રો આબ્લ્યુમિન તથા ફંગસનું ચેક અપ કરાવવું જોઇએ.

ડાયાબિટીક મહિલાઓને ડિપ્રેશન, વેજિનલ ઇન્ફેક્શન અને એસ્ટિયોપોરોસિસનું જોખમ પણ રહે છે. તેથી તેમણે તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી જોઇએ. પોતાના કામકાજ અને ઘરપરિવારને સંતુલિત રાખવાની સાથે મહિલાઓએ તેમના ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે અનેક ચીજો કરવાની જરૂર પડે છે. ડાયાબિટીસની કાળજી રાખવા માટે નિયમિત દવાઓ લેવી, નિયમિત કસરત કરવી, અને નિયમિતપણે ચેકઅપ્સ સૌથી મહત્વની બાબતો બની ગઇ છે. આરોગ્યપ્રદ ભોજન લેવું, નિયમિત ચેકઅપ્સ અને સમયસર દવા લેશો તો ડાયાબિટીસનો અંકુશ તમારા હાથમાં જ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]