જનરલ મોટર્સના CFO દિવ્યા સૂર્યદેવરા

જાગતિક ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ મૂળ ચેન્નાઈનાં મહિલા દિવ્યા સૂર્યદેવરાની નિમણૂક અમેરિકાની જનરલ મોટર્સ કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે કરવામાં આવી છે. આ પદ પર નિયુક્ત થનાર એ પહેલા ભારતીય મહિલા છે.

અમેરિકાની કાર ઉત્પાદક જનરલ મોટર્સના આ નિર્ણયની દુનિયાભરમાં, ખાસ કરીને ભારતમાં પ્રશંસા કરવામાં આવી રહી છે.

39 વર્ષીય દિવ્યા સૂર્યદેવરાનાં ઉપરી છે મેરી બારા, જેઓ કંપનીનાં મહિલા સીઈઓ છે અને એ પણ આ પદ પર નિયુક્ત થયેલાં પ્રથમ મહિલા છે. દિવ્યા આવતી 1 સપ્ટેંબરથી એમનો નવો હોદ્દો સંભાળશે.

ડેટ્રોઈટસ્થિત કંપનીનો નાણાકીય કારોબાર સંભાળવા માટે મેરી બારાએ દિવ્યાની પસંદગી કરી છે. એ ચક સ્ટીવન્સના અનુગામી બન્યાં છે. ચક સ્ટીવન્સ 40 વર્ષથી જનરલ મોટર્સને સેવા આપતા રહ્યા છે.

અમેરિકાની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સના CFO તરીકે ગયા બુધવારે નિયુક્ત કરાયાં એ પહેલાં દિવ્યા સૂર્યદેવરા આ કંપનીનાં કોર્પોરેટ ફાઈનાન્સ યુનિટના વાઈસ-પ્રેસિડન્ટ હતા. એ પદ પર તેઓ 2017ના સપ્ટેંબરથી હતાં.

આ નિર્ણયને પગલે જીએમ દુનિયાની પહેલી વેહિકલ્સ ઉત્પાદક કંપની બનશે જેના બે ટોચના પદ  બે મહિલા સંભાળશે.

દિવ્યા સૂર્યદેવરાએ એમનું કોલેજનું ભણતર પૂરું કર્યા બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા માટે 22 વર્ષની વયે અમેરિકા આવ્યાં હતાં.

એમણે પહેલી નોકરી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક યૂબીએસમાં કરી હતી. 25 વર્ષની ઉંમરે એક વર્ષ બાદ જનરલ મોટર્સ કંપનીમાં જોડાયાં હતાં. 2016ની સાલમાં દિવ્યાને ઓટોમોટિવ સેક્ટરનાં રાઈઝિંગ સ્ટારનો એવોર્ડ મળ્યો હતો.

દિવ્યાએ આ મહિનાની શરૂઆતમાં જાપાનના ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રગણ્ય એવા સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પ દ્વારા જનરલ મોટર્સ ક્રૂઝમાં 2.25 અબજ ડોલરનાં ઈન્વેસ્ટમેન્ટને સુરક્ષિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

httpss://twitter.com/mtbarra/status/1006936978720423936