એશિયન ગેમ્સની ટેસ્ટ ઈવેન્ટમાં ગોલ્ડમેડલ લાવી ડાંગની દીકરી

ગુજરાતના ડાંગની દીકરીએ એશિયન ગેમ્સમાં ગુજરાતનું, દેશનું નામ અજવાળ્યું છે. ૧૧થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે ચાલી રહેલી ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં, ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ડાંગની દીકરી કુમારી સરિતા ગાયકવાડે તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતીને ગુજરાત અને દેશને એક વધુ ગોલ્ડ અપાવવામાં સફળતા મેળવી છે.ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દીકરી સરિતા ગાયકવાડે ગત વર્ષના તેના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને આધારે, ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે આ અગાઉ કેરાલા ખાતે છ માસની સધન તાલીમ આપવામાં આવી હતી. સરીતા ગાયકવાડના આંતરરાષ્ટ્રીય કૉચ અજીમોનના માર્ગદર્શન હેઠળ સરિતા ગાયકવાડ ઇન્ડોનેશિયા પહોંચી હતી. જ્યાં ૪૦૦ મીટર વિઘ્નદોડ સહિત ૪૦૦/૪ રીલે માટે પણ તેણીને પસંદગી થઇ હતી.

જે પૈકી વ્યક્તિગત ૪૦૦ મીટર વિઘ્નદોડમાં સરિતા ગાયકવાડે ૩૫ દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી, ૫૯.૦૮ સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી સુવર્ણપદક મેળવ્યો હતો. સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે. જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડ અર્પણ કરાયો હતો. સાથે સાથે સરિતા ગાયકવાડનો આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમીંગનો રેકોર્ડ પણ નોંધાવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૧૪મી ફેબ્રુઆરીના કોમ્પિટિશનનાં અંતિમ દિને સરિતા ગાયકવાડ ૪૦૦/૪ મીટર રીલેમાં પણ ઇનફૉર દોડવીર તરીકે ભાગ લઇ રહી છે. સરિતાને આશા છે કે તેની સાથી દોડવીરો પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને, ભારતને વધુ એક સુવર્ણપદક અપાવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]