ત્વચાની સંભાળઃ મોસંબી એક, ગુણ અનેક…

સ્કિન કેર માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટ્સ મળી રહે છે. પરંતુ બહારની પ્રોડક્ટ્સ કરતા ઘરગથ્થુ ઉપચાર વધુ અસરકારક સાબિત થાય છે. ઘણા લોકો ઘરે જ ફ્રૂટ્સ અને અન્ય વસ્તુમાંથી ફેસપેક, ક્રીમ બનાવે છે. ઘરે આપણે સંતરા, પપૈયુ, સ્ટ્રોબેરી, લીંબુનો ઉપયોગ કરતા હોઇએ છીએ. અત્યાર સુધી સ્કિન કેરમાં સંતરા અને લીંબુની જ વાત થતી હતી પરંતુ મોસંબી પણ સ્કિન કેર માટે એટલી જ લાભદાયક છે. મોસંબી ત્વચા પરથી બ્લેકહેડ્સ દૂર કરવા માટે ખૂબ ગુણકારી છે. મોસંબી એસિડિક નથી હોતી એ માટે એને સ્વીટ લાઇમ પણ કહેવાય છે. મોટભાગે બીમારીમાં, ઉપવાસમાં મોસંબીનું જ્યુસ પીવામાં આવે છે. પરંતુ મોસંબી ફાઇબરથી ભરપૂર હોવાથી સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે.મોસંબી ફાઇબર યુક્ત છે અને એસિડિક પણ નથી, પણ એમાં રહેલા વિટામિન અને તત્વોના કારણે તેને સ્કિન કેર પ્રોડક્ટ્સમાં વાપરવામાં આવે છે. ત્વચા કાળી હોય તો સુંવાળી કરવા માટે અને ડ્રાય સ્કિનની સારવાર માટે મોસંબીનો રસ ખૂબ ગુણકારી છે. મોસંબીમાં એવા કેટલાક માઇલ્ડ બ્લીચિંગ એજન્ટ્સ છે જે ત્વચાને ક્લિન કરે છે. ત્વચા ક્લેન્ઝ કરીને ડાઘ, એકને, ડાર્ક સ્કિન જેવી સમસ્યાઓ દૂર કરે છે અને સ્કિનને લીસી બનાવે છે. મોસંબીનો જ્યુસ ફક્ત તમારી હેલ્થ માટે જ નહી પરંતુ તમારી સ્કિન માટે પણ એટલો જ લાભદાયી છે. મોસંબીનો રસ શરીરના અમુક ભાગ માટે ઘણો ઇફેક્ટિવ છે. બગલ, કોણી અને ઘૂંટણ પરની કાળાશ દૂર કરે છે. પિગ્મેન્ટેશનને લીધે જે કાળાશ આવે છે એ જતી રહે છે અને સ્કિન ટોન ફરી પહેલા જેવો થઇ જાય છે. આ સિવાય મધમાખી કે કોઇ જંતુનો ડંખ લાગ્યો હોય તો એના લીધે જે લાલ ચાઠાં પડી જાય છે તો તેના પર મોસંબીનો રસ લગાવવાથી ફાયદો થાય છે.

મોસંબીમાં રહેલા ફાઇબર શરીરની અંદરની સિસ્ટમને પણ સુધારે છે. શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢી સિસ્ટમને સાફ રાખે છે. શરીરનો તમામ કચરો બહાર નીકળી જતા શરીર ડિટૉક્સિફાય થાય અને એના કારણે ચહેરા પર ગ્લો આવે છે. મોસંબીના કારણે બ્લડ પ્યુરીફાય થવાથી ચામડીના રોગ હોય તો એ પણ મટી જાય છે. શિયાળામાં હોઠ ફાટવાની, સ્કિન ડ્રાય થવાની ફરીયાદ રહેતી હોય છે. તો દિવસમાં ત્રણથી ચાર વાર હોઠ પર મોસંબીનો રસ લગાવવાથી કાળાશ દૂર થાય છે. હોઠ સૂકાઇ ગયા હોય અથવા તો સ્કિન નીકળતી હોય તો એ ઓછુ થાય છે અને હોઠ સુંવાળા બને છે.

યુવતીઓમાં જેની સૌથી વધુ ફરીયાદ રહે છે એવી ખીલની સમસ્યાથી પણ મોસંબીના કારણે છૂટકારો મળે છે. જે રીતે સંતરાની છાલને સૂકાવીને પાઉડર બનાવીને ફેસપેકની રીતે લગાવવામાં આવે છે. એ જ રીતે મોસંબીની છાલને સૂકાવીને પાઉડર બનાવી, એક પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. મોસંબી શરીરને અંદરથી અને બહારથી એમ બંને રીતે ફાયદા પહોંચાડે છે. જો તમે રોબરોજની જીંદગીમાં મોસંબીનો ઉપયોગ કરશો તો સ્કિનને લગતી તમામ સમસ્યા દૂર થઇ જશે.