પરંપરાને સાચવતી વસ્ત્રસજ્જા…

હેવારોની સીઝન આવી રહી છે ત્યારે યુવતીઓની તૈયારી અત્યારથી શરૂ થઇ ગઇ હશે. રક્ષાબંધનના તહેવારમાં પહેરવાના કપડાં તો તૈયાર પણ હશે. સામાન્ય દિવસોમાં તો કોઇ પ્રસંગમાં જવુ હોય તો કોઇ પણ ડ્રેસ પહેરી લઇએ તો ચાલી જાય. પરંતુ તહેવારોમાં તો કંઇક હટકે અને નવું જ જોઇએ. આખો દિવસ ભલે ઘરે જ રહેવાનું હોય, ક્યાંય બહાર ન જવાનું ન હોય, પણ તહેવારોમાં નવા કપડાં પહેરવાની મજા જ કંઇક અલગ હોય છે. જ્યાં સુધી નવા કપડા ન પહેરીએ ત્યાં સુધી તહેવાર જેવું લાગતું નથી.

તહેવારોમાં રંગોનું ખાસ મહત્વ હોય છે. કલરફુલ અને ડીઝાઇનર નવા કપડા તહેવારની ઓળખ હોય છે. પણ દરેક તહેવારમાં શું નવું પહેરવુ, કેવા તૈયાર થવું એ પ્રશ્ન રહેતો હોય છે. પરંતુ હવે આમાં પણ તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે.

ટ્રેડિશનલ વેરમાં એટલી બધી નવી ડીઝાઇન બજારમાં આવી રહી છે કે શું ખરીદવુ અને શું ન ખરીદવુ એમાં યુવતીઓ મૂંઝવણમાં મૂકાઇ જતી હોય છે. સાડી, અનારકલી ડ્રેસ, લોંગ કુર્તી, ઓફ શોલ્ડર ડ્રેસ અને ટોપ, કુર્તી અને પ્લાઝો, ઘાઘરા જેવા ઘણા બધા ઓપ્શન છે. પરંતુ તમારા પર આ દરેક ઓપ્શનમાંથી શું વધુ સારુ લાગશે, કેવુ સારુ લાગે છે એ પ્રમાણે પસંદગી કરો. તમે સિમ્પલ સાડી લઇને હેવી બ્લાઉઝ ડીઝાઇન કરી શકો છો. હાલમાં યુવતીઓ આ રીતની ફેશન વધુ પસંદ કરતી હોય છે. યુવતીઓ લાઇટ કલરની સાડી અને અન્ય આઉટફીટ્સ વધુ પસંદ કરી રહી છે. લાઇટ વેઇટ અને લાઇટ કલર સાડીમાં થોડા એમ્બ્રોઇડરી વર્ક સાથે હેવી બ્લાઉઝ સારુ લાગે છે. અત્યારે ખૂબ ચાલી રહેલી મિસ મેચની ફેશન યુવતીઓ અપનાવી રહી છે. પરંતુ જો આનુ સિલેક્શન બરાબર રીતે ન થાય તો એ ખરાબ પણ લાગી શકે છે. જે બીજા લોકોને કલર સારા લાગતા હોય તો એવુ જરૂરી નથી કે એ કલર તમને પણ સારા જ લાગશે. તમને કોઇ બીજા કલરનું કોમ્બિનેશન પણ સારુ લાગે એવુ બની શકે છે.

ખાસ કરીને તહેવારમાં તમે અનારકલી પર પસંદગી ઉતારી શકો છો. કારણ કે તમે અનારકલી ડ્રેસ હેવી વર્ક કે લાઇટ વર્ક વાળો ખરીદશો પણ હંમેશા સારો જ લાગશે. હાથને કવર કરે એ રીતે લાંબી સ્લીવ અને નીચે ચુળીદાર અથવા તો મેચિંગ લેંગિંગ્સ પણ સારી લાગે છે. અત્યારે અનારકલી ડ્રેસ સાથે પાકિસ્તાન સલવાર અને પ્લાઝો પણ યુવતીઓ પહેરે છે. અનારકલી સિવાય જો તમે સામાન્ય ડ્રેસ પર પસંદગી ઉતારો તો લોંગ ડ્રેસ, પટીયાલા ડ્રેસ પર પસંદગી ઉતારી શકો છો. પરંતુ આવા ડ્રેસમાં તમે લાઇટ કલર લેશો તો એ એટલો ઉઠાવ નહી આપે. જેથી કરીને જો તમે આવા ડ્રેસ ખરીદો છો તો ડાર્ક કલર લેવાનુ વધુ પસંદ કરો જેનો ઉઠાવ પણ આવશે અને તહેવારમાં પણ આવા જ કલર સારા લાગે છે.

હાલ નેટની ફેશન થોડી ઓછી થઇ ગઇ છે પરંતુ નેટ ખૂબ લાઇટવેઇટ અને યુઝફુલ મટીરીયલ છે. નેટ દેખાવમાં સુંદર તો લાગે જ છે સાથે-સાથે તેનો અલગ-અલગ રીતે ઉપયોગ પણ થઇ શકે છે. ટ્રેડિશનલ વેરમાં જો તમારે સાડી જ પહેરવી હોય તો તમે એને ચણીયાચોળીની જેમ પણ પહેરી શકો છો. જેથી કંઇક નવુ પણ લાગશે અને સુંદર પણ લાગશે. આ સાથે રેડીમેડ પ્લીટ્સ અને પાલવ વાળી સાડીઓ પણ એક સારો ઓપ્શન છે. કપડાના સિલેક્શન વખતે રંગનું સ્થાન મહત્વનું રાખો. કારણ કે તહેવારમાં જ રંગોવાળા કપડા પહેરવાનું થાય છે. જેટલા બ્રાઇટ કપડા પહેરશો એટલો જ ફેસ્ટિવ ટચ મળશે અને તહેવાર મનાવવાની એટલી જ મજા આવશે.