બાંધણી અને લહેરીયું નવી સજ્જામાં…

બાંધણી અને લહેરીયુ એક એવી ફેશન કે ક્યારેય પણ જૂની ન થાય. કોઇને કોઇ પ્રકારે એમાં નવી ફેશન આવતી જ રહે છે. હા એ વાત સાચી કે એમાં સમય પ્રમાણે નવા ઇનોવેશન થતા રહે છે. બાંધણીને તમે અલગ-અલગ રીતે પહેરી પણ શકો છો. સાડી, ડ્રેસ, કુર્તી, ઝભ્ભા, ચણીયા ચોળી, અને હવે તો ફેશન માટે ટાઇમાં પણ લોકો બાંધણીનો ઉપયોગ કરતા હોય છે. બાંધણી રેશમ અને સુતરાઉ કાપડની બનેલી હોય છે. બાંધે તે બંધન અને આ બંધન શબ્દ પરથી બાંધણી નામ આપવામાં આવ્યુ છે. સફેદ કલરના કાપડ પર બાંધણી બાંધવામાં આવે છે. સફેદ કાપડ પર છાપકામ કરવામાં આવે છે. આ છાપકામને ડીઝાઇન પ્રમાણે દોરાથી બાંધવામાં આવે છે. અને ત્યારબાદ તેને કલરવાળા પાણીમાં ડૂબાડી રાખી સૂકાવી દેવામાં આવે છે. સૂકાઇ ગયા બાદ બાંધેજ ખોલી દેવામાં આવે છે. જેનાથી સુંદર ડીઝાઇન તરી આવે છે. આ કામથી અનેક મહિલાઓને રોજી રોટી પણ મળી રહે છે.

બાંધણીને તમે માત્ર સાડી નહી પરંતુ મલ્ટીવેર તરીકે પહેરી શકો છો. બાંધણીને કોટનમાંથી બનાવવામાં આવે છે જેથી એ એક દેશી લુક આપશે. અને આજકાલ તો મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બાંધણીને તમે બીજા કોઇ પણ ફેબ્રિક સાથે મેચ કરીને પહેરશો તો પણ સ્માર્ટ લુક આપશે. બાંધણી કોટનમાં તો બને જ છે પરંતુ સાથે-સાથે પ્યોર સિલ્ક, પ્યોર શિફોન, અને કોટન સિલ્કમાં પણ બને છે. પ્યોર સિલ્ક એ ખૂબ હેવી લુક આપે છે જેથી તમે તેને કોઇ ફંક્શનમાં પણ પહેરી શકો છો. મહિલાઓમાં બાંધણીની સાડી તો ઓલટાઇમ ફેવરીટ છે જ પણ જો કંઇ અલગ ટ્રાય કરવુ હોય તો હાફ-હાફ સાડી ડીઝાઇન પર પસંદગી ઉતારી શકાય છે. હાફ બાંધણી અને હાફ લહેરીયુ અથવા તો હાફ બાંધણી અને પાલવ જામાવરમનો એ રીતે ડીઝાઇન કરી શકાય.

ગુજરાત અને રાજસ્થાનની બાંધણી ખૂબ પ્રખ્યાત છે. જામનગર, કચ્છ અને વઢવાણમાં મોટા પાયે બાંધણી મળે છે. અત્યારની ફેશન પ્રમાણે મહિલાઓ સાડી કરતા બાંધણીના ડ્રેસ પર પોતાની પસંદગી ઉતારતી હોય છે. ખાસ કરીને ઉનાળો  આવતા જ મહિલાઓ બાંધણીના ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે છે. જો કે સાડીની જેમ જ ડ્રેસમાં પણ તમને પ્યોર સિલ્ક, શિફોન કાપડ મળી રહેશે. પરંતુ મહિલાઓ બાંધણીના ડ્રેસ માટે કોટન કાપડની પસંદગી વધુ કરે છે. કારણ કે એ પહેરવામાં પણ સારા રહે છે અને એમાં ગરમી પણ નથી લાગતી. જો કે પ્યોર કોટન હોવાથી એ ચોંટી જાય છે એથી ડ્રેસમાં અસ્તર જરૂરથી નખાવવુ. જો આખો બાંધણીનો ડ્રેસ લઇને ટિપિકલ લુક ન આપવો હોય તો પ્યોર ક્રેપનો ડ્રેસ સીવડાવી બાંધણી કે લહેરિયાનો દુપટ્ટો નાખી શકો છો. માર્કેટમાં બાંધણીનો દુપટ્ટો સહેલાઇથી મળી રહે છે. જો તમે પ્લેન કોટનનું કાપડ લઇ એની પર મેચીંગ બાંધણીનો કોટનનો અથવા શિફોનનો દુપટ્ટો લઇ શકો છો.

હાલ તો ઓફીસ વેર અને ઘર માટે પણ કુર્તીનો ક્રેઝ વધુ ચાલી રહ્યો છે. તો જો આખો બાંધણીનો ડ્રેસ ન લેવો હોય તો તમે માત્ર કુર્તી પણ સ્ટીચ કરાવી શકો છો. બાંધણીનું કાપડ લઇને સ્ટીચ કરાવી મેચીંગ લેગિંગ્સ માર્કેટમાંથી ખરીદી લો તો તમારે એક પેર રેડી થઇ જશે. સીમ્પલ બાંધણીના કાપડમાંથી કુર્તી રેડી કરી એમાં મિરર વર્ક અથવા તો કચ્છી ડીઝાઇન કરાવશો તો એ પણ હેવી લુક આપશે. ઓફીસ વેર માટે કુર્તી સિવાય જીન્સ પર પહેરવા માટે બાંધણીનું શોર્ટ ટોપ પણ સ્ટીચ કરાવશો તો વેસ્ટર્ન સાથે ટ્રેડીશનલ લુક પણ આપશે. પ્લેન કાપડનો કોલરવાળો કુર્તો સીવડાવી કોલરમાં બાંધણી અથવા તો લહેરિયાનું કાપડ નાખી એક અલગ લુક આપી શકાય. ઇન્ડિયન ફેબ્રિક લઇ ઇન્ડો વેસ્ટર્ન વેરમાં ઉપયોગ કરવો. પ્લેન કુર્તી પર લહેરિયા અથવા બાંધણીનો ડીઝાઇનર પ્લાઝો પહેરવાથી એક અલગ જ લુક આવશે. અથવા તમે પ્લેન કુર્તી અને પ્લાઝો ઉપર બાંધણીનો શિફોન અથવા તો સિલ્કનો દુપટ્ટો ખૂબ સરસ લાગશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]