સંબંધોને લઇને હંમેશા ચિંતામાં રહો છો? તો કરો કંઇક આવું..

જો તમે તમારા સંબંધોને લઇને હંમેશા ચિંતામાં રહેતા હોવ તો આ ગંભીર બાબત પર વિચાર કરવાની જરૂર છે. આની પાછળ અનેક કારણ જવાબદાર હોય શકે છે.  પોતાનો ઘમંડ કે પછી બંને વચ્ચે કેમેસ્ટ્રી પણ જવાબદાર હોઇ શકે છે. આવા સમયે તમે કેટલીક બાબતો પર ધ્યાન રાખીને તમારા સંબંધો સુધારી શકો છો અને ગાડી ફરી પાટા પર લાવી શકો છો.

તમે તમારી લાગણી, વિચાર, સમસ્યા એકબીજાને હંમેશા કહો. તમે તમારા વર્તમાન અને ભવિષ્ય વિશે હંમેશા વાત કરો. તમે એકબીજા માટે શું વિચારો છો, શું પ્લાન કરો છો તો એકબીજા સાથે શેર કરો. બોલવાની સાથેસાથે સામેવાળી વ્યક્તિને સાંભળવું પણ ખૂબ જરૂરી છે. તમે તમારા હાવભાવ, સ્પર્શથી પણ તમારા સાથી પ્રત્યે પ્રેમભાવના અને આદર પ્રદર્શિત કરી શકો છો. જો તમે તમારા સાથી પાસેથી કોઇ એવી આશા રાખો છો કે જેને પૂરી કરવી ખૂબ મુશ્કેલ છે તો પછી તમે નિરાશ જ થશો. તમે તમારા પાર્ટનર પાસેથી એવી આશા રાખો કે એ પૂરી કરી શકે. નહીંતર તમારે હંમેશા દુઃખી થવાનું જ આવશે. તમે તમારા સાથીને સ્પેસ આપો તેમ જ તેની સારી વાતો અને ખરાબ વાતો બંને સ્વીકારો. જો તમને તમારા સાથી તરફથી કાંઇ પણ ખરાબ લાગ્યું છે કે તો એની સાથે ચર્ચા કરો. તમે એને કહેશો તો ભલે ઝઘડો થાય પરંતુ તમારા મનમાં જે વાત છે એને કહેવાનુ રાખો. નહીંતર તમારા મગજમાં વાતોના ઢેર બનતાં જ જશે અને બંને વચ્ચે અણબનાવ પણ વધી જશે. તમારા સાથી જો કાંઇ કહી રહ્યાં છે તો તમે એને ધ્યાનથી સાંભળો પણ ચૂપ ન બેસી રહો. મનમાં જે કાંઇ પણ છે એ બધું જ કહી દો પરંતુ ખરાબ રીતે પ્રતિક્રિયા ન આપો. હાથાપાઇ કે ગાળો બોલવાનું તો બિલકુલ ન કરશો.

કોઇ દિવસ સાથીના ખરાબ વ્યવહારના કારણે તમે તમારુ સ્વાભિમાન ન ખોઇ બેસો. કોઇવાર એવું થશે કે તમે તમારા સાથીના વ્યવહારથી એટલા હેરાન થઇ જશો કે તમે એ પીડા કોઇને કહી નહીં શકો પરંતુ પોતાની જાતને જ અપરાધી માની બેસશો. તમારા સાથી તમને શારીરિક કે માનસિક રીતે હેરાન કરશે તો પણ તમે તેને કંઇ જ કહી નહી શકો. જે વાત તદ્દન ખોટી છે તમે તેનો ખોટો વ્યવહાર ન સ્વીકારો, આનાથી સંબંધમાં દરાર પડી શકે છે. સારા સંબંધો બનાવવા માટે સૌથી મહત્વની વાત છે કે એકબીજાને સમય આપો. એકબીજાને ક્વૉલિટી ટાઇમ આપશો તો બંને વચ્ચે પ્રેમ વધશે. તમારા સાથી સાથે કોઇ ટ્રિપ પ્લાન કરો અથવા તો તમે ઘરે પણ બંને સાથે સમય વિતાવી શકો છો. આ સમયમાં માત્ર સારી વાતો યાદ કરો, મનમાં કોઇ અણબનાવ કે એવુ કાંઇ ન રાખો નહીંતર આ સમય પણ તમે સારી રીતે નહીં વિતાવી શકો. આ સમયને તમે ફરી યાદ કરો તો ચહેરા પર સ્મિત આવે એ રીતે એકબીજા સાથે સમય વિતાવો.

શું તમે તમારા સાથીની ખૂબ મજાક ઉડાવો છો કે પછી એમના પર ખૂબ શક કરો છો? જો આવું હોય તો આવા સંબંધ ક્યારેય સારી રીતે નથી ચાલી શકતાં. એકબીજા પર વિશ્વાસ કરવો એ ખૂબ જરૂરી છે. એકબીજા પર વિશ્વાસ કરવાની સાથે બંનેનુ માનસન્માન જળવાય એ પણ ખૂબ જરૂરી છે. વિશ્વાસ અને માન દરેક સંબંધને સાચવવા માટેની પહેલી જરૂરિયાત છે. જેથી કરીને આ બંનેને હંમેશા મજબૂત રાખો. લગ્ન થઇ ગયાં બાદ એને ટેકન ફોર ગ્રાંટેડ ન લેશો. લગ્ન બાદ પણ તમારા સાથીની પસંદ નાપસંદની જાણ રાખો. તમે તમારી પસંદને, જીંદગીને એની પસંદને અનુસાર ઢાળવાની કોશિશ કરો. વૈવાહિક જીવનને હંમેશા બે વ્યક્તિ સાથે મળીને જ સફળ બનાવી શકે છે. પતિપત્ની ત્યારે જ સારું અને ખુશીથી જીવન જીવી શકે છે જ્યારે તે બંને ટીમ વર્કની જેમ કામ કરશે. એકબીજા સામે જીતવાની જગ્યાએ બંનેએ સાથે જીતવાની જરૂર છે. સુખી વૈવાહિક જીવન બંનેની મહેનતનું પરિણામ છે. જીવનની દરેક ક્ષણમાં એકબીજાનું ધ્યાન રાખો. સુરક્ષાથી લઇને તમને તમારા સાથીને શું ગમે છે, શું જોઇએ છે એ તમામ વસ્તુનું ધ્યાન રાખો. આ જ લાગણી અને ભાવના સંબંધને મજબૂત બનાવે છે. પતિપત્નીને એકબીજાથી માત્ર પ્રેમ અને માનસન્માન મળી રહે તો પણ તમારું લગ્નજીવન સુખી રહે છે.

અમુક મિત્રો એવા હોય છે કે જે તમારું જીવન સુધારી પણ શકે છે અને જીવન બગાડી પણ શકે છે. મિત્રોનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર પણ વધુ પડતો હોય છે. એટલા માટે મિત્રો એવા પસંદ કરો કે જે સારાં હોય અને તમારું જીવન સુધારી શકે. વૈવાહિક જીવનમાં કેટલીક તમારી વાતો, તમારી વાણી તમારા લગ્નજીવનને પૂરું કરી શકે છે. તમારા શબ્દોનો પ્રયોગ, કટાક્ષ કે ગાળો વૈવાહિક જીવન બગાડી શકે છે. તમારા સાથી સાથે પ્રેમથી વાત કરો, તેના વખાણ કરો જેનાથી તમારુ વૈવાહિક જીવન ખૂબ સારી રીતે પસાર થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]