મુંબઈઃ BESTની પહેલી મહિલા બસ ડ્રાઈવર છે પ્રતિક્ષા દાસ

‘હેવી વેહિકલ્સ પ્રત્યેનું મારૂં આકર્ષણ કંઈ આજનું નથી. એ ચલાવવાનું મેં બાઈકથી શરૂ કર્યું. ત્યારબાદ મોટી કાર ચલાવી, હવે બસ અને ટ્રક પણ હું ચલાવી લઉં છું. ખરેખર, હેવી વેહિકલ્સ ચલાવવાનું મને બહુ જ ગમે છે.’ આ શબ્દો છે ૨૪ વર્ષીય યુવતી પ્રતિક્ષા દાસનાં, જે મુંબઈમાં BEST બસની પહેલી મહિલા ડ્રાઈવર બની છે.

આજના આધુનિક જમાનામાં આજે પણ મહિલા બસ ડ્રાઈવર હોઈ શકે તે જ એક આશ્ચર્યની વાત છે. કેમ કે, કોઈ મહિલા મોટરબાઈક કે ઓટોરિક્ષા ચલાવતી ભાગ્યે જ જોવા મળે છે. જોકે, પ્રતિક્ષાને હેવી વેહિકલ્સ ચલાવવા પ્રત્યેનું આકર્ષણ જ એને બસ ડ્રાઈવિંગ તરફ લઈ આવ્યું છે. આમ, ‘મહિલા કોઈ દિવસ ભારી વાહનો ન ચલાવી શકે’ એવી વર્ષો જૂની માન્યતાને એણે તોડી નાખી છે.

‘હેવી વેહિકલ્સ ચલાવવામાં પ્રવીણ થવા માટે છેલ્લા છ વર્ષથી હું અથાગ પ્રયત્નો કરતી રહી છું.’ એવું કહેનાર પ્રતિક્ષા એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવે છે. એની આકાંક્ષા RTO ઑફિસર બનવાની છે જેના માટે  હેવી વેહિકલ્સનું ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી રહે છે. બસ, આ જ વાત એની જિંદગીનો ટર્નિંગ પોઈંટ સાબિત થયો અને એને બસ ડ્રાઈવિંગ શીખવા તરફ વાળી કે જેની એને અદમ્ય ઈચ્છા હતી.

પ્રતિક્ષાનું કહેવું છે, ‘બસ ડ્રાઈવિંગ શીખવાની મને ઘણા સમયથી ઈચ્છા હતી. અરે, મને તો બધી જ જાતના હેવી વેહિકલ્સ ચલાવવા હતા. જો કે, એની શરૂઆત હું જ્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે ગામમાં મારા મામાની બાઈક ચલાવીને કરી દીધી હતી. બાઈક ચલાવવાનું હું ફક્ત બે જ દિવસમાં શીખી ગઈ હતી. આ વાતનું મારા મામાને ભારે આશ્ચર્ય થયું હતું. તેઓ બોલ્યા પણ હતા કે, ‘તું ફક્ત 2 દિવસમાં બાઈક ચલાવવાનું કઈ રીતે શીખી ગઈ?’

‘બીજી મજાની વાત કહું તો, જ્યારે BEST બસ ચલાવવાની ટ્રેનિંગ માટે ગઈ, ત્યારે ત્યાંના બસ ટ્રેનરો મને લઈને એટલે કે એક છોકરીને બસ ચલાવવાની ટ્રેનિંગ આપવાને લઈને ઘણી ચિંતા કરતા હતા કે, માત્ર પાંચ ફૂટ ચાર ઈંચ જેટલી ઓછી હાઈટવાળી આ છોકરી 6 ટનની બસ ચલાવી શકશે કે કેમ?’ ‘તેઓ અવારનવાર આપસમાં બોલતા હતા,યહ લડકી ચલા પાયેગી ક્યા?’

પ્રતિક્ષાએ આ બધી શંકાઓને ખોટી પાડી. શરૂમાં તેને તકલીફો આવી. જેમ કે, બસના રૂટ બદલવાથી માંડીને બસને ટર્ન કરતી વખતે. પણ બહુ જ ઓછા સમયમાં તેણે એમાં કુશળતા મેળવી લીધી અને હવે એ નિયમિત રીતે બસ ચલાવે છે. બસમાં પ્રવાસીઓ તેને નવાઈથી જોતાં રહે છે, પણ એની તરફ દુર્લક્ષ કરીને પોતે બસ ચલાવવામાં જ ધ્યાન કેન્દ્રિત રાખે છે.

પ્રતિક્ષા ઉમેરે છે, ‘કોણ કહે છે કે બસ ડ્રાઈવરની સીટ પર કોઈ મહિલાનું હોવું અશક્ય છે? મારો જ દાખલો લ્યો. મેં આ સપનું જોયું અને પુરૂં કર્યું. હું જ શા માટે, અરે અન્ય કોઈ પણ મહિલા કોઈ પણ અશક્ય કામ શક્ય કરી શકે છે. બસ, ફક્ત એણે એક ધ્યેય દિમાગમાં રાખવું જોઈએ અને એને પૂરૂં કરવા માટે સતત પ્રયત્ન પણ કરતા રહેવું જોઈએ.’

BESTના ચીફ પીઆરઓ ઑફિસર હનુમંત ગોફને એક અગ્રગણ્ય અખબારને જણાવે છે કે, ‘પ્રતિક્ષાએ અમારે ત્યાં BESTની ડ્રાઈવિંગ સ્કૂલમાં BESTની બસ ચલાવવાનું શિક્ષણ લીધું છે, પણ તે અમારે ત્યાં કાર્યરત નથી. અમારે ત્યાં કોઈપણ વ્યક્તિ ડ્રાઈવિંગનું પ્રશિક્ષણ લઈ શકે છે.’

BESTની બસ ચલાવવાનું ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી લીધા પછી હવે પ્રતિક્ષાનું સપનું છે, પ્લેન ઉડાડવાનું.! એ માટે પણ તેણે વિચારી લીધું છે. તે હવે એનો પગાર બચાવીને તેનાં ઉડ્ડયન ક્લાસ માટે વાપરવાની છે.

હવે આ બહાદુર મહિલા ડ્રાઈવર અનોખો પ્લાન ઘડી રહી છે અને તે છે, બાઈક ઉપર લદ્દાખની રોડ સવારી કરવાનો!

પ્રતિક્ષા એણે એક અગ્રગણ્ય અખબારને આપેલી મુલાકાતમાં જણાવે છે, ‘લદ્દાખના રસ્તાઓ પર સવારી કરવાનું એ દરેક બાઈક રાઈડરનું સપનું હોય છે. આ એક મિક્સ ગ્રુપ જર્ની છે અને તમે અનુમાન કરો, એ ગ્રુપની લીડર એક લેડી છે.‘

પ્રતિક્ષા મોટરસાઈકલ રેસર પણ છે. તેણે ‘એશિયા રોડ રેસિંગ ચૅમ્પિયનશીપ ૨૦૧૯’માં ભાગ લીધો હતો અને હૉન્ડા તેમજ ટીવીએસ બાઈક ઉત્પાદકો દ્વારા આયોજીત અસંખ્ય બાઈક રેસની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. જેમાં તેણે ટીવીએસ રેસિંગ ચૅમ્પિયનશીપની બે ટ્રોફી જીતી છે. અને ‘ઈન્ડિયા સ્પિડ વિક ડ્રેગ રેસમાં સહુથી ઝડપી મહિલાનું’ બિરૂદ ધરાવે છે.