ચાલો, બુદ્ધને ફરી અંતરમાં જગાડીએ…

ધ લાઈટ ઓફ એશિયા : એક મહાકાવ્ય જે બુદ્ધને પરિભાષિત કરે છે: જયરામ રમેશ


આપણી પૌરાણિક કથાઓમાં, આપણે ભાગ્યે જ જોયું હશે કે કોઈ વ્યક્તિ દેવીકૃતની પરિભાષિત અવધિમાંથી પસાર થાય, જ્યાં એ ભગવાન બની જાય. મને બુદ્ધ વિશે વાંચન કરતી વખતે એક ઉત્સૂક્તા જાગી હતી. મેં જાણ્યું હતું કે આ અમર નામ પ્રાપ્ત કર્યા પહેલાં બુદ્ધ કપિલવસ્તુમાં એક રાજકુંવર તરીકે જન્મ્યા હતા. જન્મ સમયે એમનું નામ રખાયું હતું સિદ્ધાર્થ ગૌતમ. નામો વિશે મારામાં ઘણી જિજ્ઞાસા રહેતી હોય છે તેથી મેં આ નામોના અર્થ વિશે મારા પ્રોફેસરને પૂછ્યું હતું. એમનો જવાબ હતોઃ ‘સિદ્ધાર્થ એટલે એ, જેણે એનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી લીધો છે. ગૌતમ એટલે અંધકારનો અંત લાવનારા; પ્રકાશના સ્રોત.’ અને બુદ્ધનો અર્થ શું થાય? ‘આત્મજ્ઞાની,’ એમનો જવાબ હતો.

નિયતિ અને ઉદ્દેશ્યનો કેટલો સુંદર તાલમેલ!

જાણીતા લેખક જયરામ રમેશે એમના હમણાં જ પ્રકાશિત થયેલા નવા પુસ્તક ‘ધ લાઇટ ઓફ એશિયા-ધ પોએમ ધેટ ડીફાઇન્ડ ધ બુધ્ધા’ માં આ મહાકાવ્યનો આધાર લીધો છે, જે સિદ્ધાર્થની આત્મજ્ઞાન પ્રાપ્તિ-સફરને ઉપયુક્ત રીતે સમાવે છે. 19મી સદીના અંતભાગથી શરૂઆત કરીને રમેશજી એક વિસ્તૃત સાહિત્યિક ફલકના મનોરમ ઈતિહાસને વર્ણવે છે. દુનિયાભરને આવરી લેતા આ ઈતિહાસલેખનમાં ભારતને હાર્દમાં રાખવામાં આવ્યું છે.

નામાંકિત સાહિત્યકારો, પ્રભાવશાળી વિશ્વ નેતાઓ તથા વિશ્વના ઈતિહાસની દિશા બદલી નાખતી ઘટનાઓના કેન્દ્રીય સંગમમાં છે એક કવિતા. તે યુવા માનસને જગાડે છે, એમને બુદ્ધના જીવનના મૂલ્યો શીખવે છે તથા સાહિત્યિક ફલક પર એમની વાર્તાને અમર બનાવે છે. જયરામ રમેશના આ નવા પુસ્તકની નાડસમાન છે આ મહાકાવ્ય – ધ લાઈટ ઓફ એશિયા (1879), જે સર એડવિન આર્નોલ્ડ (1832-1904)એ લખ્યું હતું.

રમેશજીએ અંગ્રેજીમાં લખાયેલા આ ધાર્મિક મહાકાવ્યને પોતાની ઐતિહાસિક ખોજના કેન્દ્રમાં રાખવાનો જબરદસ્ત નિશ્ચય કર્યો છે. એમ કરતી વખતે, તેમણે એક સાહિત્યિક કૃતિના જીવન કરતાં પણ મોટા જીવનચરિત્રને જોડ્યું છે જે કલ્પના કરતાં પણ વધારે જીવનને સ્પર્શી ગયું છે. રમેશજીએ જે વિસ્તૃત રીતે સંશોધન કર્યું છે તે અનુસાર, ‘ધ લાઈટ ઓફ એશિયા’ ભારતના ઈતિહાસ માટે એક ઉલ્લેખનીય પરિણામ સ્વરૂપ કવિતા સાબિત થઈ છે. એ જ્યારે પહેલી વાર પ્રકાશિત થઈ હતી ત્યારે તેણે એક સ્વામીજીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, કારણ કે બુદ્ધના જીવનમાંથી પ્રાપ્ત થયેલા બોધપાઠોને આ કવિતામાં વ્યાપક રીતે રજૂ કરવામાં આવ્યા છે. એ સ્વામીજી એટલે જગપ્રસિદ્ધ ધાર્મિક ફિલસૂફ સ્વામી વિવેકાનંદ. થોડાક વર્ષ બાદ લંડનમાં, બે ઈશ્વરવિદ્યાવેત્તા બંધુએ ભારતના તે યુવાન વિદ્યાર્થીને ડીનર માટે આમંત્રિત કર્યા હતા. એ બંધુઓ આર્નોલ્ડ દ્વારા અનુવાદિત ભગવદ્દગીતાથી પ્રભાવિત થયા હતા અને તેમના આ ભારતીય મિત્ર પાસેથી હિન્દુત્વ વિશે વધારે શીખવા માગતા હતા. એ રાતે મોહનદાસ કરમચંદ ગાંધીને સર એડવિન આર્નોલ્ડની કૃતિઓથી પરિચિત કરવામાં આવ્યા હતા જેમાંની એક હતી ‘ધ લાઈટ ઓફ એશિયા’. થોડાક વધારે વર્ષો પસાર થઈ ગયા અન આ કવિતા અલાહાબાદમાં એક તેજસ્વી અને જિજ્ઞાસુ વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવી. કવિતાઓ વાંચીને યુવાન વયના જવાહરલાલ નેહરુને અમુક બોધપાઠ શીખવા મળ્યા જેણે તેમનું ઘડતર આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બનવામાં કર્યું. એ જ અરસામાં, આ પુસ્તકે એક કાયદાવિદ્દને પણ ભારતીય સમાજમાં પ્રવર્તતી અસમાનતા સામે લડવાની પ્રેરણા આપી હતી. આ પુસ્તકે ડો. ભીમરાવ આંબેડકરના પુસ્તકખંડમાં સ્થાન શોભાવ્યું હતું. તેણે આ મહારથીના મન પર ભારે પ્રભાવ પાડ્યો હતો, જેઓ બાદમાં ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા બન્યા હતા. રમેશજીએ ઘેરું સંશોધન કરીને પ્રસંગોનું જટિલ કહેવાય એ રીતે વર્ણન કર્યું છે. આ એ પ્રસંગો હતા જેણે આપણા ઘણા મહાનુભાવોનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું હતું. એમણે તાજી કરેલી યાદોંમાં રહેલી માનવ સંવેદનશીલતા ઈતિહાસને પાના પર જીવંત કરી દે છે.

આ પુસ્તક કવિતાનાં જીવનનું માત્ર ઈતિહાસલેખન કરીને અટકી જતું નથી. એનો એક ભાગ ભારતીય રાજકારણ અને સામાજિક પરિવર્તન પર તેના પ્રભાવની વિશાળતાનો પણ ઉલ્લેખ કરે છે. એનાથી વિપરીત, અન્ય ભાગમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિના વિશાળ ફલકની ગહન રીતે પ્રસ્તુતિ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, આચાર્ય રામચંદ્ર શુક્લાએ તેને હિન્દીમાં ‘બુદ્ધચરિત’ (1922) તરીકે, ગુરબક્ષસિંહે પંજાબીમાં ‘એશિયા દા ચાનન’ (1938) તરીકે અનુવાદિત કર્યું છે. ગુજરાતી વાચકોને એ જાણીને આનંદ થશે કે 1934માં, ‘લાઈટ ઓફ એશિયા’ પુસ્તકનો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ કરાયો હતો. તે આવૃત્તિનું શીર્ષક પણ ‘બુદ્ધચરિત’ જ રખાયું હતું. તેનો અનુવાદ કર્યો હતો નરસિંહરાવ દિવેટીયાએ. તેઓ કાર્ડિનલ ન્યૂમેનના પુસ્તક ‘લીડ, કાઈન્ડલી લાઈટ’નો ગુજરાતીમાં ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ’ તરીકે અનુવાદ કરવા માટે જાણીતા છે.

‘ધ લાઈટ ઓફ એશિયા’ની ખરી પ્રતિભા તેણે પ્રાપ્ત કરેલી તરલતામાંથી આવે છે. એક રીતે, રમેશજી એ બાબત પર પ્રકાશ પાડે છે કે કવિતા રૂપથી પરે છે. આ સાહિત્યિક કાર્યનું મૂળ એટલું બધું શુદ્ધ છે કે તે કળાના સ્વરૂપોના અવરોધોને અસરકારક રીતે દૂર કરે છે અને તેના તમામ રૂપાંતરણને એક જાદૂઈ સ્પર્શ આપ્યો છે. રમેશજીએ તે માટે શ્રેણીબદ્ધ ઉદાહરણો ટાંક્યા છે – રુકમિણી દેવીએ કવિતાનાં કરેલા નૃત્ય સંસ્કરણથી લઈને પૂનમ ગિરધાનીની તાજેતરમાંની પ્રસ્તુતિ સુધી, જેમાં ગિરધાનીએ દાસ્તનગોઈ નામક વાર્તાકથનની મધ્યયુગી ફારસી કળાને પુનર્જિવીત કરવા માટે આદરેલી પરિયોજનાનાં એક હિસ્સા તરીકે આ કવિતાને અપનાવી હતી. ગિરધાનીનાં રૂપાંતરણને 2019માં નવી દિલ્હીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેનું શીર્ષક કવિતાનાં વિશાળ ફલકને એકદમ ઉચિત હતું: ‘દાસ્તાન-એ-ઈરફાન-એ-બુદ્ધ’. ગૌતમ બુદ્ધના જીવન અને યુગની વાર્તા. ‘લાઈટ ઓફ એશિયા’ની દરેક કવિતામાં અદ્દભુત સામર્થ્ય રહેલું છે. બુદ્ધ તેમજ એમના ઉપદેશો વિશેની આપણી સમજશક્તિને તે આકાર આપે છે અને વિકસિત કરે છે. સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને સાહિત્યિક ઈતિહાસ વિશે જયરામ રમેશની આ અસાધારણ પ્રસ્તુતિ એ હકીકતની સાક્ષી છે કે અનેક પેઢીઓનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે તેનામાં આધ્યાત્મિક ઊર્જા રહેલી છે. સમગ્ર જગતમાં અને યુગો-યુગોમાં આ જળવાયેલી જ રહેશે. જે રીતે સિદ્ધાર્થની જીવનયાત્રા એમના અંતરમાં જ રહેલી દિવ્યતાને ખોજવા માટેની રહી હતી એ જ રીતે આ કવિતા આપણા આત્મામાં પ્રકાશનો ઝબકારો એક કરે છે, જેથી આપણને પણ આપણા અંતરમાં જ બુદ્ધને ખોજવામાં મદદ મળી શકે.

(નિવિદ દેસાઈ)