કયા દેશમાં નવું વર્ષ સૌથી પહેલાં આવે અને ક્યાં સૌથી છેલ્લે?

ભારતમાં નવા વર્ષ – 2019નું પરોઢિયું ઉગવાને થોડા જ કલાક બાકી રહ્યા છે, પરંતુ દુનિયામાં આપણાથી પૂર્વ તરફના અનેક દેશો નવી સવારનો સૂર્ય પહેલાં જોશે. ન્યુ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એવા બે દેશ છે જ્યાં નવા વર્ષની પૂર્વસંધ્યાની સૌથી પહેલાં ઉજવણી કરવામાં આવે છે.

ન્યુ ઝીલેન્ડના ઓકલેન્ડ શહેરે આજે મધરાતે 12ના ટકોરા થયા એ સાથે જ આકાશમાં આતશબાજી કરીને નવા વર્ષ 2019ને આવકાર્યું હતું.

હેપી ન્યુ યર… કયો દેશમાં દુનિયામાં સૌથી પહેલાં નવા વર્ષને આવકારે છે? કયો સૌથી છેલ્લે?

દર વર્ષે નવા વર્ષની પૂર્વસંધ્યાએ, પૂર્વ રાત્રીએ દુનિયામાં સૌથી પહેલાં ઉજવણી કરવાનો લાભ ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બર લે છે એ તો સહુ કોઈ જાણે જ છે.

પરંતુ, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે નવા વર્ષને આવકારવામાં ઓસ્ટ્રેલિયા દુનિયાનો સૌથી પહેલો દેશ હોતો નથી.

તો કયો દેશ હોય છે?

એ છે પેસિફિક મહાસાગરનો ટાપુરાષ્ટ્ર ટોન્ગા.

ટોન્ગામાં 31 ડિસેંબરે રાતે 11.59 બાદ મધરાતે 12.00ના ટકોરા સાથે 2019ની શરૂઆત ટોન્ગામાં થઈ ગઈ. એ વખતે ભારતમાં 31 ડિસેંબરે સાંજે 4.30 વાગ્યા હતા. ટોન્ગામાં નવા વર્ષની ઉજવણી થાય એના ત્રણ કલાક બાદ એ ઉજવણી ઓસ્ટ્રેલિયામાં થાય છે.

2019નું વર્ષ ક્યાં સૌથી છેલ્લે પહોંચશે?

ટોન્ગાથી શરૂ કરીને નવું વર્ષ આખી દુનિયા ફરશે અને પૂરું સર્કલ ફરીને છેવટે એ ટોન્ગાની બાજુમાં જ આવેલા ટાપુઓમાં પહોંચશે.

કેવું કહેવાયને? 2019ના વર્ષે મધરાતના ટકોરા અને સૂર્યનું પહેલું કિરણ સૌથી છેલ્લે મેળવનાર પણ બે ટચુકડા ટાપુ જ છે અને તે અમેરિકાના છે.

બાકર આયલેન્ડ અને હોવલેન્ડ આયલેન્ડના લોકો દુનિયા કરતાં સૌથી છેલ્લે 2019ના આગમનને વધાવશે.

બાકર અને હોવલેન્ડની પહેલાંના નંબરે આવે છે અમેરિકન સમોઆ ટાપુ. આ ટાપુ ટોન્ગાથી માત્ર 558 માઈલ જ દૂર આવેલો છે, પરંતુ ત્યાંના લોકો અને પર્યટકો-મુલાકાતીઓ છેક 24 કલાક બાદ નવા વર્ષની ઉજવણી કરી શકશે, કારણ કે પૃથ્વી ગોળાકાર છે અને અમેરિકન સમોઆ ટાપુ ટોન્ગાની સાવ નજીકમાં હોવા છતાં અલગ અલગ ખૂણે આવેલા છે.

ઘણા લોકો તો ફ્લાઈટ પકડીને ટોન્ગા પહોંચે ત્યાં દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષને વધાવવાનો લાભ લે અને પછી ફ્લાઈટ પકડીને બાજુના બાકર આયલેન્ડ અને હોવલેન્ડ આયલેન્ડમાં પહોંચે અને 24 કલાક બાદ ફરીવાર નવા જ, એ જ વર્ષના આગમનને વધાવે.

આ યાદી છે, જે ક્રમાનુસાર, નવું વર્ષ સૌથી પહેલાં અને ત્યારબાદના દેશોમાં આગમન કરે છે…

ટોન્ગા તથા અન્ય બે ટાપુ

ન્યુ ઝીલેન્ડ

ઓસ્ટ્રેલિયા

જાપાન અને સાઉથ કોરિયા

નોર્થ કોરિયા

ચીન, ફિલિપીન્સ, સિંગાપોર

ઈન્ડોનેશિયાનો ઘણો ખરો ભાગ

મ્યાનમાર અને કોકો આયલેન્ડ્સ

બાંગલાદેશ

નેપાળ

ભારત અને શ્રીલંકા

પાકિસ્તાન

અફઘાનિસ્તાન

આઝરબૈજન

ઈરાન

મોસ્કો/રશિયા

ગ્રીસ

જર્મની

બ્રિટન

બ્રાઝિલ

આર્જેન્ટિના, પેરાગ્વે

અમેરિકા, કેનેડા

અલાસ્કા

હવાઈ

અમેરિકન સમોઆ

અમેરિકાના બે ટાપુ (બાકર અને હોવલેન્ડ)