તમારા કોચલામાંથી બહાર નીકળો… દુનિયા જુઓ !

વિવેક દહિયા એટલે ‘યે હૈ મોહબ્બતે’, ‘કવચ’ જેવી સિરિયલ્સમાં ધૂમ મચાવનારો એક્ટર, વિવેક પત્ની તથા અત્યંત લોકપ્રિય ટીવી ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે ‘નચ બલિયે’માં પરફોમન્સ આપી ચુક્યા છે. આ ડાન્સ રિયાલિટી શોમાં બન્નેની જોડી બરાબરની જામી હતી. વિવેક અહીં એના પ્રવાસપ્રેમ વિશે વાત કરે છે…મારા માટે પ્રવાસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ નહીં, પણ આંતરિક પરિવર્તન. પ્રવાસ મને આંતરિક વિકાસ માટે કામ લાગે છે. પ્રવાસ દરમિયાન બંધાતું અનુભવનું ભાથું હંમેશા તમારી સાથે રહે છે. ટ્રાવેલ કરવા પાછળનો આઈડિયા એ જ છે કે તમે તમારા કોચલામાંથી બહાર નીકળો.

છેલ્લે હું દુબઈ ગયો હતો, ના, દિવ્યાંકા સાથે નહીં, પણ એ અમારી બૉય ગૅન્ગ હતી. ઘણા વખતથી આવી એક ઈચ્છા હતી કે બધા મિત્રો, છડેછડા ક્યાંક જઈએ, પાર્ટી કરીએ, રિલેક્સ થઈએ, ખાવા-પીવાનો તથા શૉપિંગનો દુબઈમાં જલસો છે. આ શહેરનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ગજબનું છે.

જો કોઈ મને પૂછે કે મારું ફેવરીટ સ્થળ કયું તો ફટ દઈને જવાબ દઉઃ લંડન. આ શહેરને સમજવા મેં ખાસ્સો એવો સમય વિતાવ્યો છે. મને ખરેખર તો યુરોપમાં પગપાળા પ્રવાસ કરવાની બહુ મજા આવે. ઘણા ફરિયાદ કરે છે કે ત્યાંનો શિયાળો ઉદાસ કરી દે એવો હોય, પણ મને તો ભૂખરું આકાશ, ઠંડી, અચાનક વરસી પડતો વરસાદ આ બધું બહુ ગમે છે.

અમે પતિ-પત્ની પણ સાથે ખૂબ રખડ્યાં છીએ. મને દિવ્યાંકા સાથે ફરવું ગમે છે. સાચું કહું તો લગ્ન પછી અમારે લાંબા વેકેશન પર જવું હતું. પણ કામના દબાણને લીધે એ શક્ય બન્યું નહીં.

મને શૉપિંગ ગમે છે, પણ મારો એક રુલ છેઃ સાવ બેજોડ કહેવાય એવી ચીજ જ ખરીદવાની બાકી, મુંબઈના મૉલમાં મળતાં ટી-શર્ટ, જીન્સ ત્યાંથી ઊંચકી લાવવાનો કોઈ અર્થ નથી. શૉપિંગની જેમ જ ઈટિંગ પણ ગમે ને ગમે અવનવા અનુભવ કરવા. જો કે સી-ફૂડની મને એલર્જી છે એટલે મારા વિકલ્પ બહુ મર્યાદિત થઈ જાય છે. ઈન્ડિયન ફૂડ ઉપરાંત લેબનીસ, અરેબિક અને ઈરાનિયન ફૂડ મારાં ફેવરિટ છે. એમ તો ઈટાલિયન અને કૉન્ટિનેન્ટલ ફૂડ પણ ભાવે.

મારી અને દિવ્યાંકાની એક આદત છે- જ્યાં જવું ત્યાં ખુલ્લા દિમાગ અથવા કોરી પાટી સાથે જવું. સ્થાનિક લોકો સાથે હળવું-ભળવું. બને એટલું નિરીક્ષણ કરવું, બને એટલું ઓછું ઊંઘવું, બને એટલું વધારે ફરવું, પ્રાઈવેટ કારને બદલે બસ, ટ્રેન, લોકલ ટેક્સી જેવાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવું, પગપાળા ફરવું જે-તે દેશની સંસ્કૃતિને સમજવાનો આ એક બેસ્ટ રસ્તો છે. (ચિત્રલેખા-2017)

અહેવાલ- કેતન મિસ્ત્રી