મુંબઈમાં લોન્ચ થઈ ગઈ છે ‘ઉબેરબોટ’…

જાણીતી એપ બેઝ્ડ એગ્રીગેટર કંપની ઉબેર મુંબઈ મહાનગરમાં ખાનગી ટેક્સી સેવા ચલાવે જ છે અને હવે એણે ‘ઉબેરબોટ’ નામે એક વધુ સેવા પણ શરૂ કરી છે જે અંતર્ગત તે ભાડેથી સ્પીડબોટ્સ આપે છે.

(તસવીર સૌજન્યઃ કર્લીટેલ્સ)

આ સેવા ગેટવે ઓફ ઈન્ડિયાથી માંડવા (અલીબાગ) અને એલિફન્ટા ગુફા સુધી આપવામાં આવે છે.

પ્રત્યેક રાઈડ માટેનો ખર્ચ રૂ. 5,700થી લઈને રૂ. 9,500 સુધીનો થાય છે.

આમ, હવે માંડવા-અલીબાગ કે એલિફન્ટા કેવ્ઝની પિકનીક કે પર્યટન પર જવા ઈચ્છતા લોકો માટે નવો, આરામદાયક, એડવેન્ચરભર્યો અને અનોખો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.

(તસવીર સૌજન્યઃ કર્લીટેલ્સ)

સામાન્ય રીતે, દક્ષિણ મુંબઈના કોલાબા સ્થિત ગેટવે ઓફ ઈન્ડિયાથી લોન્ચ દ્વારા એલિફન્ટા ગુફા સ્થળે પહોંચતા દોઢથી બે કલાક લાગી જતા હોય છે, પણ ઉબેરબોટની સ્પીડબોટ દ્વારા માત્ર 20 મિનિટમાં જ પહોંચી શકાય છે. સ્પીડબોટ માત્ર તમારી પર્સનલ જ હોય. બ્રાન્ડ ન્યૂ ઉબેરબોટ દરરોજ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ થાય છે. એના ત્રણ સ્ટોપ હોય છે – ગેટવે ઓફ ઈન્ડિયા, એલિફન્ટા કેવ્ઝ અને માંડવા.

એવા અહેવાલો છે કે ઉબેર કંપની તેની આ સેવા આગળ જતાં મુંબઈનાં ઉપનગરોમાં પણ શરૂ કરશે. એ માટે તે મુંબઈ મેરિટાઈમ બોર્ડની સહાયતા મેળવી રહી છે.

ઉબેરની ‘ઉબેરબોટ’નું આ બીજું ગ્લોબલ લોન્ચિંગ થયું છે. આ પહેલાં 2017માં એ ક્રોએશિયામાં પર્યટકો માટે આ જ પ્રકારની સેવા શરૂ કરી ચૂકી છે.

ઓન-ડીમાન્ડ સ્પીડબોટ સેવાથી મુંબઈમાં લોકોને ત્રણ કાંઠાળ (કોસ્ટલ) સ્થળોએથી ટ્રાન્સપોર્ટની મહત્ત્વની સુવિધા મળવાનું શરૂ થયું છે.

રાઈડર્સને બે વેરિઅન્ટની સ્પીડબોટ ઉપલબ્ધ હોય છે. 6-8 સીટવાળી ઉબેરબોટની પ્રત્યેક રાઈડ (વન-વે) માટેનું ભાડું રૂ. 5,700 હોય છે. હોય છે. જ્યારે 10 કે તેથી વધુ સીટવાળી ઉબેરબોટ-XL માટેનું ભાડું પ્રત્યેક રાઈડ (વન-વે) રૂ. 9,500 હોય છે.

ઉબેરનો ઉદ્દેશ્ય મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મ બનવાનો છે. ઉબેરબોટ સેવા શરૂ થવાથી મુંબઈનાં દરિયાઈ સફરનાં શોખીનો ઉબેરની એપ પરથી સ્પીડબોટ બુક કરાવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]