શ્રીનગરમાં ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લું મૂકાયું…

જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરમાં ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આજે 25 માર્ચ, રવિવારથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દાલ સરોવરના કિનારે અને હિમાલયના ઝબરવન પહાડોની તળેટીમાં આવેલો ટ્યૂલિપ ફૂલોનો બગીચો એશિયામાં આ ફૂલોનો સૌથી મોટો બગીચો ગણાય છે.

આ વખતે આ ગાર્ડનમાં જુદી જુદી 48 જાતના ટ્યૂલિપ ફૂલો જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં આ વખતે સાડા 12 લાખથી વધારે ટ્યૂલિપ ફૂલો ઉગાડવામાં આવ્યા છે. ટ્યૂલિપ ફૂલો બહુ ઓછા સમય સુધી ખીલેલા રહેતા હોય છે. એ વસંત ઋતુમાં ખીલતા હોય છે અને વર્ષમાં માંડ પંદર તે ત્રીસ દિવસ સુધી ખીલેલા રહે છે.

ટ્યૂલિપ ગાર્ડન સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં યોજાતા સ્પ્રિંગ ફેસ્ટિવલ સાથે ખુલ્લું મૂકાતું હોય છે, પરંતુ આ વર્ષે પર્યટન સીઝન શરૂ થવાના એક સપ્તાહ પહેલાં જ ટ્યૂલિપ ફૂલો ખીલી ગયા છે એટલે ગાર્ડનને વહેલું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આજથી જ અસંખ્ય લોકોએ સુંદર ટ્યૂલિપ ફૂલોને નિહાળવા માટે લાઈન લગાવી હતી અને પોતાનો વારો આવે એ માટે આતુરતાથી રાહ જોતા હતા.

ટ્યૂલિપ ગાર્ડન 120 એકર જમીન પર ફેલાયેલું છે. એટલે જ એશિયા ખંડનું આ સૌથી મોટું ગણાય છે. શ્રીનગર શહેરથી દક્ષિણ તરફ આ ગાર્ડન આશરે 9 કિલોમીટર દૂર આવેલું છે. આ ગાર્ડનમાં એન્ટ્રી માટે વયસ્ક લોકો માટે 50 રૂપિયા અને બાળકો માટે 25 રૂપિયા ફી રાખવામાં આવી છે. ગાર્ડન દરરોજ સવારે 9 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રખાય છે.

આમ તો ટ્યૂલિપ ગાર્ડન આખું વર્ષ ખુલ્લું રહેતું હોય છે, પણ ટ્યૂલિપ ફૂલો ખીલે છે ત્યારે બગીચાની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. આ વખતે ઉદ્યાનમાં ટ્યૂલિપ ઉપરાંત અન્ય પ્રકારનાં ફૂલો પણ ઉગાડવામાં આવ્યા છે.

સત્તાવાળાઓને આશા છે કે આ વખતે પાંચ લાખ પર્યટકો ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેશે. આ ઉદ્યાનના ટૂરિઝમ પ્રમોશન માટે સત્તાવાળાઓ પાંચ કરોડ રૂપિયા ખર્ચવાના છે.

httpss://twitter.com/arsh_kaur7/status/977784342696017921

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]