જપાનઃ ટોકિયોની પાંચ અજાયબી !

ઊગતા સૂર્યના દેશની આ મોહક નગરીમાં પહેલી વાર જાઓ છો ? તો આ ગાઈડ કામ લાગશે…

કોકુગિકાન સ્ટેડિયમમાં સુમો પહેલવાનની રોમાંચક એક્શન

ટોકિયો શહેરની વાત જ નિરાળી છે. તમે જેટલી વાર ત્યાં જાવ એટલી વાર એના પ્રેમમાં વધુ ને વધુ પડતા જાવ. ટોકિયો આપણા પર જેટલી ઊંડી અસર કરે છે એટલી ભાગ્યે જ કોઈ મહાનગર કરતું હશે. આ શહેર રૂપાળું છે, અત્યંત આધુનિક છે અને સાથે સાથે પરંપરાગત પણ છે, કેમ કે ત્યાં જમાનાજૂની સંસ્કૃતિ હજી જળવાયેલી છે. વળી, ત્યાંનું ફૂડ પણ કમાલનું છે- પછી એ ગલીઓનું હોય કે મોંઘી રેસ્ટોરાંનું. પ્રથમ વાર ટોકિયો જનારા લોકોને ત્યાં શું માણવું ને શું નહીં એવી મીઠી મૂંઝવણ થતી હોય છે. એટલે જ પહેલી વાર જનારા લોકો માટે આ શહેરમાં કરવા જેવી પાંચ ચીજોનું લિસ્ટ અહીં આપીએ છીએ.

ટોકિયો વિશે તમે જે પહેલી વાત સાંભળશો એ કંઇક આવી હશે… આ શહેર બહુ મોંઘું છે અને શાકાહારી ખોરાક તો અહીં ભાગ્યે જ જોવા મળે છે. આ માન્યતામાં અર્ધસત્ય હોય તો પણ એના રસ્તા છે. મેં જપાન અને ટોકિયોની જેટલી મુલાકાતો લીધી છે ત્યારે જોયું છે કે ટોકિયોમાં હોટેલના ભાવ, બુલેટ ટ્રેનની ટિકિટના ભાવ અને કાબુકી જેવા સાંસ્કૃતિક શોની ટિકિટોના ભાવ ખરેખર મોંઘા હોય છે, પરંતુ બાકી બધું વાજબી ભાવે મળી રહે છે. મતલબ કે આ શહેરની ન્યુ યોર્ક, પેરિસ, સિંગાપોર અને લંડન સાથે સરખામણી કરો તો અહીંની કિંમતો વાજબી છે. ખરીદી કરવી હોય કે બહાર ખાણી-પીણી માટે જવું હોય તો કંઈ ખિસ્સાં ખાલી થઈ જાય એવું નથી. શહેરની મેટ્રો ટ્રેનો પણ બહુ મોંઘી નથી. જપાનનાં શહેરો વચ્ચે દોડતી બુલેટ ટ્રેનની ટિકિટો જો તમે ભારતમાંથી જ ઑનલાઈન બુક કરાવી લો તો એ જપાનમાંથી ખરીદવા કરતાં સસ્તી પડે છે. એ ઉપરાંત, ભારતીય અને અન્ય શાકાહારી વાનગીઓ પીરસતી વેજિટેરિયન રેસ્ટોરાં પણ અહીં પૂરતી માત્રામાં છે. તો ચાલો, ટોકિયોની અજાયબી જેવી પાંચ ચીજ કઈ એ વિશે વાત કરીએ…

સેન્સો-જી (અસાકુસા મંદિર)

બેથી ત્રણ કલાકજપાનનું આ સૌથી લોકપ્રિય મંદિર છે. ટોકિયો શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં રોજ હજારો મુલાકાતી આવે છે. આ મંદિરમાં કેનન (દયાની દેવી)ની સોનાની મૂર્તિ છે, જેના પર સ્થાનિકોને બહુ જ શ્રદ્ધા છે. દંતકથા પ્રમાણે આ મૂર્તિ ઈસવી સન 628માં બે માછીમારને સુમિદા નદીમાંથી મળી આવી હતી ત્યારથી એ મૂર્તિ ત્યાં જ હતી (જો કે લોકો માટે ખુલ્લી નહોતી). અત્યારે ત્યાં જે મંદિર છે એ 1950માં બાંધવામાં આવ્યું હતું. મંદિરની સામે જ અગરબત્તી માટેનું એક વિશાળ પાત્ર છે અને એવું માનવામાં આવે છે કે એની ધૂમ્રસેર મુલાકાતીઓનાં આરોગ્ય માટે લાભકારી છે.

એ મંદિર તરફ જતી પાતળી ગલીમાં બન્ને બાજુએ નાની-મોટી યાદગીરીરૂપ ચીજો વેચતી દુકાનો છે. ત્યાં તમે ગ્રીન ટી આઈસક્રીમ ચાખવાનો લહાવો લઈ શકો અથવા તો તમને કિમોનો (જપાની સ્ત્રીનો પરંપરાગત પોશાક) પહેરવામાં રસ હોય તો એ ખરીદી શકો. એ ગલીમાંથી બીજી ગલીમાં જાવ તો ત્યાં વિખ્યાત રેમન રેસ્ટોરાં છે. આ ઉપરાંત, મંદિર સંકુલના મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલા માહિતી કેન્દ્રની વ્યૂઈંગ ગૅલેરીમાંથી આખા અસાકુસા વિસ્તારનું દ્રશ્ય જોવાનો લહાવો પણ લેવા જેવો છે.

ગિન્ઝા તથા ત્સુકિજી ફિશ માર્કેટ

અડધો દિવસ

વીકએન્ડમાં છએક કલાક ગિન્ઝાની મેઇન સ્ટ્રીટને વાહનમુક્ત રાખવામાં આવે છે.

આખી દુનિયામાં મારું જો કોઈ સૌથી ફેવરીટ સ્થળ હોય તો એ આ છે ! ગિન્ઝાની બિઝનેસ સ્ટ્રીટ્સમાં હું દિવસો સુધી ટહેલી શકું. મારા માટે ગિન્ઝા એટલે ન્યુ યોર્કની ફિફ્થ એવન્યુ, પેરિસનું પ્લેસ વેન્ડોમ અને સિંગાપોરની ઑર્ચાર્ડ સ્ટ્રીટ કરતાંય બહેતર સ્થળ. અહીં પ્રાદા, કાર્તિયે અને લુઈ વુઈતોં જેવી વિખ્યાત બ્રાન્ડોના ટાવર્સ આવેલા છે. અહીં જ ઘણી રેસ્ટોરાં છે, જેમાં નટરાજ નામની એક ભારતીય રેસ્ટોરાંનો પણ સમાવેશ થાય છે.

ગિન્ઝાથી માત્ર દસેક મિનિટ ચાલો તો ત્સુકિજી નામના દુનિયાના સૌથી મોટા સી ફૂડ બજારે જઈ શકાય. આ બજારમાં રોજ 2400 ટન જેટલું સી ફૂડ વેચાવા આવે છે, જેમાં નંગદીઠ 10 હજાર અમેરિકી ડૉલરના ભાવે વેચાતી મોંઘીદાટ માછલી બ્લુફિન ટુનાનો પણ સમાવેશ થાય છે. અહીં સવારે પાંચ વાગે લિલામ શરૂ થાય છે, જેમાં પ્રવેશ મર્યાદિત છે. જો કે તમે એ બજારમાં ગમે ત્યારે ટહેલવા જઈ શકો છો અને બન્ને બાજુ બેઠેલા ફેરિયાઓથી ધમધમતા બજારનો માહોલ માણી શકો છો. એ એક અનોખો અનુભવ છે.

કાબુકી ને સુમો

દરેક સ્થળ માટે ત્રણથી ચાર કલાક

જપાનીઓને એમની સંસ્કૃતિ પ્રત્યે ભારે આદર છે. કાબુકી અને સુમો એમની સંસ્કૃતિની ભાગરૂપ પરંપરાઓ છે. આ બન્ને પરંપરાગત કળાસ્વરૂપોના શો હાઉસફુલ જતા હોય છે. એમાં નાટ્યતત્ત્વ અને સ્પોર્ટ્સનો સરસ સમન્વય છે, જે જપાનનાં જમાનાજૂનાં મૂલ્યોની ઝાંખી કરાવે છે. કાબુકી અને સુમોની તોલે આવી શકે કોઈ ચીજ દુનિયામાં ક્યાંય નહીં હોય.

કાબુકી એટલે શાસ્ત્રીય જપાની નૃત્યનાટિકા. એના કલાકારો આપણા કથકલીના કલાકારોની જેમ રંગીન મહોરાં પહેરે છે. કાબુકી ચોક્કસ સીઝનોમાં ભજવવામાં આવે છે. એના શો કાબુકી-ઝા નામના ખાસ થિયેટર્સમાં થાય છે, જેની દરેક બેઠક સાથે અનુવાદ કરી આપતાં યંત્રો જોડાયેલાં હોય છે. અને એક વાર અહીં કાબુકીના મહાન કલાકાર ઓનો કિકુનોસુકે દ્વારા ભજવાયેલું મહાભારત જોવાનો લહાવો મળ્યો હતો.

સુમો જપાનની રાષ્ટ્રીય રમત છે, જે પ્રાચીન કાળમાં શિન્ટો દેવી-દેવતાઓનાં મનોરંજન માટે શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ સ્પોર્ટમાં ઘણી ધાર્મિક બેકગ્રાઉન્ડ ધરાવતી વિધિઓ આજે પણ થાય છે, જેમ કે સુમો પહેલવાનો જ્યાં લડે એ રિંગનું નમક વડે શુદ્ધીકરણ કરવું, વગેરે. સુમો ટુર્નામેન્ટ્સ ટોકિયોના રયોગોકુ ખાતે આવેલા કોકુગિકાન સ્ટૅડિયમમાં જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બરમાં મહિનાઓમાં પંદર દિવસ માટે યોજાય છે.

ઓમોટે-સેન્ડો તથા મેઈજી-જિન્ગુ સ્મારક

અડધો દિવસ

ઓમોટે-સેન્ડો ઓમોટેસાન્ડોનું શૉપિંગ સ્વર્ગ.

મેઈજી-જિન્ગુ સ્મારકમાં પ્રખ્યાત વાઈન બેરલ્સ.

ખૂબસરત બુતિકો અને કાફેઝ ધરાવતા ઓમોટે-સેન્ડો વિસ્તારમાં ત્રીસેક મિનિટ ટહેલતાં ટહેલતાં જાવ તો તમે ટોકિયોના ભવ્ય સ્મારક મેઈજી-જિન્ગુ પહોંચી જાવ. સમ્રાટ મેઈજી અને સમ્રાજ્ઞી શોકનનું આ સ્મારક 1920માં બંધાયું હતું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનો નાશ થઈ ગયા પછી 1958માં એ ફરી બાંધવામાં આવ્યું હતું. અહીંના 12 મીટરના વિશાળ પ્રવેશદ્વારમાંથી પસાર થઈને તમે ચોતરફ ફેલાયેલી હરિયાળીમાં પ્રવેશો છો, જ્યાં આ સ્મારક આવેલું છે. ઊંચાં વૃક્ષોથી આચ્છાદિત એવો આ વનવિસ્તાર તમને અમેરિકાના પશ્ચિમ કાંઠાના જંગલોની યાદ અપાવે એવો છે.

શિબુયા અને શિન્જુકુ

તમારાં બાળકો કિશોરવયનાં હોય અને સ્ટ્રીટ ફૅશન શોધતાં હોય તો શિબુયા ચોક્કસ જવું જોઈએ. ધ સ્ક્રેમ્બલ તરીકે ઓળખાતો આ વિસ્તાર શિબુયા રેલવે સ્ટેશનની બહારનો નિયોન લાઈટ્સથી ઝગમગતો વિસ્તાર છે, જ્યાં વિશાળ વિડિયો સ્ક્રીન્સ છે, એ ઉપરાંત, અહીં ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સ, કાફેઝ, બાર અને સ્ટ્રીટ ફૂડની લારીઓ પણ છે. યુવાનોનો આ મનપસંદ વિસ્તાર છે એટલે જ સૂર્યાસ્ત પછી અહીં યુવાનોની ભીડ જામે છે અને ભળભાંખળું થાય ત્યાં સુધી આ વિસ્તાર યુવાનોની અવરજવરમાંથી જાગતો રહે છે.

શિબુયાથી ટેક્સીમાં ચાલીસેક મિનિટનો પ્રવાસ કરીને શિન્જુકુ જઈ શકાય છે. જ્યાં વિશાળ શૉપિંગ મૉલ્સ છે, ફૂડ જોઈન્ટ્સ છે અને મસ્ત મજાની નાઈટ લાઈફ છે. આમ છતાં ફૂડમાં જેમને પ્રયોગો કરવા ગમતા હોય એમણે ઓમોઈડે યોચોકા જવું જોઈએ, જે મેમરી લેન અથવા તો પિસ એલી તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તાર શિન્જુકુ સ્ટેશનની બહાર આવેલો છે. અહીં સો મીટર લાંબી ગલીમાં ઘણી નાનકડી રેસ્ટોરાં છે, જે અહીની ખાસ વખણાતી યાકિતોરી ડિશીઝ પીરસે છે. અહીંથી પસાર થવું પણ એક અનોખો અનુભવ છે.

શહેરના હાર્દમાં એક અનોખી અર્બન સેન્ક્ચુરી !

એવી કોઈ હોટેલની કલ્પના કરો, જેની રેસ્ટોરાંમાં બેસીને તમે ડ્રિન્ક લઈ રહ્યા હો અને તમને માઉન્ટ ફ્યુજીનો નજારો દેખાયો હોય, આવી હોટેલ છે અમન ટોકિયો. વિશાળ રૂમો ધરાવતી આ લક્ઝરી હોટેલ બધાને પરવડે એવી નથી. આ હોટેલમાં બૅન્કવે હૉલ નથી, જેથી હોટેલના ગેસ્ટ્સને વેડિંગ પાર્ટી કે કૉન્ફરન્સીઝને કારણે બિનજરૂરી ખલેલ ન પહોંચે. એ ઉપરાંત આ હોટેલમાં સરસ લાઈબ્રેરી પણ છે. જો કે અહીંની વિશેષતા છે બૉટલ્ડ લૉકર્સ, જે હોટેલના પેટ્રન્સનું નામ ધરાવતા હોય છે. અને પેટ્રન્ટસ એમાં પોતાની કીંમતી ચીજો મૂકી શકે છે ને એ ચીજો એમને આગામી મુલાકાત વખતે પાછી મળી શકે છે.ઈમ્પિરિયલ પેલેસથી પાંચ મિનિટના અંતરે આવેલા ઓટેમાચી નામના બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં 38 માળનું બહુમાળી મકાન છે, જેના સૌથી ઉપરના છ માળ આ વૈભવી હોટેલના છે. 33મા માળે આવેલી 30 મીટર લાંબી હોટેલ દ્વારા જ એક કાફે ચલાવવામાં આવે છે, જે ઓટેમાચી વિસ્તારમાં જ છે. એમાં 186 વૃક્ષ છે અને 600 જેટલા છોડ-ઝાડીઓ છે. ટોકિયોમાં આવું ક્યાંય નથી. આ જ કારણસર આ વિસ્તારને અર્બન સેન્ક્ચુરી એટલે કે શહેરી અભયારણ્ય કહે છે.

પ્રવાસ ગાઈડ

  • કેવી રીતે જવું ? મુંબઈ-દિલ્હીથી ટોકિયો (નરીટા)ની નૉન-સ્ટોપ ફ્લાઈટના ઘણા વિકલ્પ છે.
  • ક્યારે જવું ? માર્ચ-એપ્રિલ. જે ચેરી બ્લોઝમ સીઝન ગણાય છે અથવા પાનખરમાં (દિવાળીમાં).
  • બુલેટ ટ્રેનની ટિકિટ જપાનને બદલે ભારતથી લેવી સસ્તી પડશે.
  • હોટેલ સિવાય સર્વિસ એપાર્ટમેન્ટ્સ, ઍરએન્ડબીના વિકલ્પ પણ ઉપલબ્ધ.

 

અહેવાલ-તસવીરોઃ મિત્રજિત ભટ્ટાચાર્ય

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]