સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થઈ ‘રણવીર સિંહ ઓન ટૂર’ ટ્રેન…

બોલીવૂડ સ્ટાર રણવીર સિંહે આજે સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં ‘રણવીર સિંહ ઓન ટૂર’ ટ્રેનનું ઉદઘાટન કર્યું છે. આ ટ્રેન ભારતીય પર્યટકોમાં લોકપ્રિય ડેસ્ટિનેશન તરીકે સ્વિટ્ઝરલેન્ડની લોકપ્રિયતા વધારવા માટે રણવીરે આપેલા યોગદાનની કદર રૂપે શરૂ કરવામાં આવી છે. બોલીવૂડ એક્ટર સ્વિટ્ઝરલેન્ડ ટૂરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

આ ટ્રેન ગોલ્ડન પાસ લાઈન પર દોડે છે. એને સ્વિટ્ઝરલેન્ડ ટૂરિઝમ અને સ્વિસ ટ્રાવેલ સિસ્ટમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.

પોતાના નામે આ ટ્રેન શરૂ કરાઈ અને પોતે એને લીલી ઝંડી બતાવી એ બદલ રણવીર ખૂબ રોમાંચિત થઈ ગયો છે.

એણે કહ્યું છે કે, ‘રણવીર સિંહ ઓન ટૂર’ ટ્રેન એક યાદગાર સફર જેવી છે જે લોકોને સ્વિટ્ઝરલેન્ડની વિહંગમ સફર કરાવે છે. ટ્રેનમાંથી તમને ઊંચા પહાડો જોવા મળે છે, લીલીછમ વેલી અને અનંત વાઈનયાર્ડ્સ પણ જોવા મળે છે. ગયા વર્ષના ઉનાળામાં મેં જ્યારે પહેલી વાર આ રૂટ પર ટ્રેન સફર કરી હતી ત્યારે સંપૂર્ણપણે સંમોહિત થઈ ગયો હતો. મને આશા છે કે અમારા તમામ માનવંતા પર્યટકોને પણ મારા જેવો જ અવર્ણનીય આનંદ મળશે.

આ ટ્રેનમાં રણવીર સિંહની તસવીરો લગાડવામાં આવી છે. આ ટ્રેનની સફર દરમિયાન લેક જીનેવા રીજનનું કુદરતી સૌંદર્ય નિહાળવા મળે છે. આ ટ્રેન મોન્ટ્રોક્સથી પ્રવાસીઓને લઈ જાય છે અને સફર દરમિયાન યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ ઘોષિત લેવોક્સ વાઈનયાર્ડ્સ તથા બર્નીઝ આલ્પ્સ પર્વતમાળાના પહાડો પણ જોવા મળે છે.

httpss://twitter.com/RanveerPlanet/status/990970391425421312

સ્વિટ્ઝરલેન્ડ ટૂરિઝમના સીઈઓ માર્ટિન નેડેગરનું કહેવું છે કે અમારા માટે ભારતીય માર્કેટ હંમેશાં મહત્વની રહી છે.