સિક્કીમવાસીઓને મળી એરપોર્ટની ગિફ્ટ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશાન ભારતમાં, હિમાલયના પહાડો વચ્ચે વસેલા સિક્કીમ રાજ્યના પાટનગર ગેંગટોક નજીક પાક્યોંગ એરપોર્ટનું આજે ઉદઘાટન કર્યું. રાજ્યનું આ પહેલું જ એરપોર્ટ છે જ્યારે દેશનું 100મું એરપોર્ટ બન્યું છે. આમાંના 35 એરપોર્ટ છેલ્લા ચાર વર્ષમાં શરૂ કરવામાં આવ્યા છે.

આ એરપોર્ટ દરિયાઈ સપાટીથી 4,500 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.

એરપોર્ટ ઉદઘાટન પ્રસંગે સિક્કીમના મુખ્ય પ્રધાન પવન ચેમલિંગ અને કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા.

આ એરપોર્ટ પરથી કમર્શિયલ ફ્લાઈટ્સનો આરંભ 4 ઓક્ટોબરથી કરવામાં આવશે.

વડા પ્રધાન મોદી સિક્કીમના બે દિવસના પ્રવાસે આવ્યા છે.

પાક્યોંગ એરપોર્ટ શરૂ થવાથી સિક્કીમ રાજ્યમાં કનેક્ટિવિટીને મોટું બળ પ્રાપ્ત થશે. સાથોસાથ, આ રાજ્યમાં પર્યટનને પણ વેગ મળશે.

વડા પ્રધાન મોદી આજે સવારે પશ્ચિમ બંગાળના બાગડોગરા ખાતેથી MI-8 હેલિકોપ્ટર મારફત ગેંગટોક પહોંચ્યા હતા જ્યાં લિબિંગ આર્મી હેલિપેડ ખાતે એમનું સ્વાગત રાજ્યના ગવર્નર ગંગા પ્રસાદ, મુખ્ય પ્રધાન ચેમલિંગ તથા અન્યોએ કર્યું હતું.

સિક્કીમમાં પણ એરપોર્ટ હોય એવું રાજ્યના નાગરિકોનું સપનું 9 વર્ષે સાકાર થયું છે. 2009માં પાક્યોંગ એરપોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ એરપોર્ટ ગેંગટોકથી 33 કિ.મી. દૂર આવેલું છે.

આ એરપોર્ટ 201 એકર જમીનમાં ફેલાયેલું છે અને તે પાકયોંગ ગામથી આશરે બે કિલોમીટર ઊંચે પહાડની ટોચ પર બનાવવામાં આવ્યું છે.

દેશ આઝાદ થયો એ પછી 2014ની સાલ સુધીના 67 વર્ષમાં દેશમાં 65 એરપોર્ટ હતા. મતલબ કે એક વર્ષમાં સરેરાશ માત્ર એક જ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું.

મોદી સરકાર કેન્દ્રમાં સત્તારૂઢ થઈ એ પછી ચાર વર્ષમાં 35 એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે. મતલબ, દર વર્ષે સરેરાશ 9 એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યા.

પાક્યોંગ એરપોર્ટ શરૂ થવાથી સિક્કીમવાસીઓને દેશના અન્ય ભાગોમાં જવા માટે તથા પર્યટકોને સિક્કીમ આવવા માટે થતી પરેશાનીનો અંત આવી જશે. એમણે હવે થકવી દેનારી સફર કરવી નહીં પડે.

વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે એમની સરકારનો પ્રયાસ રહેશે કે સિક્કીમથી દેશના શેષ ભાગોમાં જવું-આવવું સામાન્ય માનવીની પણ પહોંચમાં રહેશે. તેથી જ આ એરપોર્ટને કેન્દ્ર સરકારે શરૂ કરેલી ઉડાન યોજના સાથે સાંકળી લેવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]