NYC છે અમેરિકાનું સૌથી ગંદું શહેર; ઠેરઠેર કચરાના ઢગલા

અમેરિકામાં સૌથી ગંદા શહેરનું બિરુદ મેળવ્યું છે ન્યુ યોર્ક સિટી શહેરે. નવાઈની વાત એ છે કે ભારતના અનેક શહેરો કરતાંય ન્યુ યોર્ક સિટી શહેર ગંદુ હોવાનું બહાર આવ્યું છે.

સફાઈની કામગીરી સંભાળતી કંપની ‘બિઝી બી’ તરફથી અમેરિકાની સરકારને આપવામાં આવેલા આંકડાને તૈયાર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ન્યુ યોર્ક સિટીમાં રસ્તાઓ પર ઠેરઠેર કચરાના જેટલા ઢગલા જોવા મળે છે એટલા અમેરિકાના બીજા શહેરોમાં જોવા મળતા નથી.

અમેરિકાના બીજા કોઈ પણ શહેરની સરખામણીએ ન્યુ યોર્ક સિટીમાં સૌથી વધારે કીડા-મકોડા અને કચરાના ઢગલા જોવા મળ્યા છે.

427 પોઈન્ટ્સ સાથે ‘બિગ એપલ’ મોખરે

અમેરિકન હાઉસિંગ સર્વે સંસ્થા પાસેથી મેળવાયેલી જાહેર ગંદકીને લગતી માહિતી, એન્વાર્ટમેન્ટલ પ્રોટેક્શન એજન્સી તરફથી હવાના પ્રદૂષણ અંગે મેળવાયેલી માહિતી તથા યૂએસ સેન્સસ બ્યૂરો પાસેથી મળેલી માહિતીના આધારે અમેરિકાના એવા 40 શહેરી વિસ્તારોની એક યાદી બનાવવામાં આવી છે જ્યાં ગંદકી સૌથી વધારે છે. આ યાદીમાં ‘બિગ એપલ’ (ન્યુ યોર્ક સિટી) પહેલા નંબરે છે. ન્યુ યોર્ક સિટી શહેરે ત્રણ કેટેગરીમાં પહેલો નંબર મેળવ્યો છે. ‘બિઝી બી’ના અત્યંત ગંદા સૂચકાંકમાં ન્યુ યોર્ક સિટીએ સૌથી વધારે – 427.9 અંક મેળવ્યા છે. સેન ફ્રાન્સિસ્કો 317.8 પોઈન્ટ સાથે બીજા નંબરે છે.

તો બોસ્ટન, લાસ વેગાસ, વોશિંગ્ટન જેવા મોટા શહેરોનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.

ન્યુ યોર્ક સિટીમાં, લગભગ 9 લાખ 4 હજાર જેટલા ઘર એવા છે જેની સામેના રસ્તા કે શેરીમાં કે પ્રોપર્ટીની બહાર કચરો પડેલો જોવા મળ્યો હતો. 23 લાખ ઘર એવા છે જ્યાં ઉંદર, બિલાડી કે વાંદાઓનો એક વર્ષથી ત્રાસ છે.

જનસંખ્યાના મામલે પણ ન્યુ યોર્ક સિટી શહેર અમેરિકાના તમામ શહેરો કરતાં મોખરે છે.