નેરળ-માથેરાન ટોય ટ્રેનમાં એક ડબ્બો હશે રેસ્ટોરન્ટ

તમે કામ-ધંધામાંથી રજા મેળવી છે. પરિવારની સાથે મોજમજા કરવા માટે માથેરાન હિલ સ્ટેશન જવાનું નક્કી કર્યું છે. મુંબઈની નજીકના આ હિલસ્ટેશને જવા માટે તમે નેરલ સ્ટેશનેથી ટોય ટ્રેન પકડી. ટ્રેન પહાડોની વચ્ચેથી ધીમે ધીમે આગળ વધી રહી છે. તમને ગરમાગરમ મજેદાર વાનગી ખાવાનું મન થયું… તો તમારી એ ઈચ્છા પૂરી કરવાનું મધ્ય રેલવેએ આયોજન કર્યું છે.

હવેથી નેરલ-માથેરાન ટોય કે મિની ટ્રેનમાં એક ડબ્બો રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરવામાં આવશે. બ્રિટિશ યુગની અને નેરો ગેજ લાઈન પર દોડતી આ ટ્રેનમાં કુલ છ ડબ્બા હોય છે.

આ નિર્ણય લેવા પાછળ મધ્ય રેલવેના સત્તાવાળાઓનો નિર્ણય આ રમકડાં-ટ્રેનને વધારે ટૂરિસ્ટ્સ-ફ્રેન્ડલી બનાવવાનો છે.

હવે રૂટ પર દોડતી ટ્રેનની સાથે જ, તમારી સાથે જ રેસ્ટોરન્ટ પણ હશે. રેસ્ટોરન્ટ કોચમાંથી તમને સ્થાનિક વાનગીઓ ખાવા મળશે.

હિમાચલ પ્રદેશમાં કાલકા અને શિમલા સ્ટેશનો વચ્ચે દોડાવાતી ટોય ટ્રેનમાં આ જ વ્યવસ્થા છે. મધ્ય રેલવેએ નેરલ-માથેરાન ટોય ટ્રેન માટે એ જ મોડલ અપનાવ્યું છે.

નેરલ અને માથેરાન વચ્ચે રેલવે અંતર 21 કિ.મી.નું છે. આ રૂટ પરની ટોય ટ્રેનમાંના એક ડબ્બાને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરવા માટે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

નેરળ અને માથેરાન વચ્ચે ટોય ટ્રેન દરરોજ 12 ટ્રિપ કરતી હોય છે. મધ્ય રેલવેના સિનિયર અધિકારીઓ હાલમાં જ ટોય ટ્રેનની કામગીરી નિહાળવા આવ્યા હતા. એમણે ડબ્બાઓની જાળવણીની પણ ચકાસણી કરી હતી. આમાંના એક અધિકારી કાલકા-શિમલા ટોય ટ્રેનની કામગીરીમાં સામેલ છે.

નેરળ-માથેરાન રૂટ પર ટોય ટ્રેન પહાડો પરથી ભેખડ ધસી પડવાને લીધે તેમજ અન્ય ટેકનિકલ કારણોસર અમુક વખત સુધી બંધ રાખવામાં આવી હતી. એને ગયા વર્ષથી ફરી શરૂ કરવામાં આવી છે. ગઈ 30 ઓક્ટોબરે ટ્રેનને આંશિક રીતે શરૂ કરાઈ હતી અને આ વર્ષની 26 જાન્યુઆરીથી એની સેવા સંપૂર્ણ સ્તરની કરી દેવામાં આવી છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]