ડિસેમ્બરથી મુંબઈ-ગોવા વચ્ચે ફેરી સર્વિસ શરૂ થશે

મુંબઈગરાંઓને મોજમજા અને આનંદ માણવા માટે રમણીય એવા ગોવામાં જવા માટે હવે એક વધુ મનોહર દ્રશ્યોવાળો અને ગીચતાથી મુક્ત એવો સમુદ્રી રૂટનો વિકલ્પ મળવાનો છે. આવતા મહિનાથી મુંબઈવાસીઓ માટે મુંબઈ-ગોવા ફેરી સેવા શરૂ થવાની છે.

નીતિન ગડકરીની આગેવાની હેઠળના કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ તથા હાઈવે તેમજ જળ સંસાધન ખાતાએ આ સેવાને મંજૂરી આપી દીધી છે.

મુંબઈ-ગોવા ફેરી સેવા શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે ગોવાના તમામ ૧૨ મોટા બંદરોના સત્તાવાળાઓ સાથે અનેક ચર્ચા-બેઠકો યોજ્યા બાદ આ નિર્ણય લીધો છે.

મુંબઈ-ગોવા ફેરી સર્વિસ વાસ્તવમાં ૬૦ અને ૯૦ના દાયકા વચ્ચે ટૂંકા સમયગાળા માટે ચાલુ હતી. તેથી ઘણા લોકો માટે આ ટ્રાન્સપોર્ટનો સાવ નવો માર્ગ નથી. પરંતુ હવે આ સેવાને કેન્દ્ર સરકારે આદરેલી સાગરમાલા યોજના અંતર્ગત ફરી શરૂ કરવામાં આવી રહી છે.

સાગરમાલા યોજનાથી થશે લાભ

કેન્દ્ર સરકાર ‘સાગરમાલા’ યોજના હેઠળ દેશના બંદરોને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી રહી છે.

આ વખતે દક્ષિણ મુંબઈસ્થિત ભાઉચા ધક્કા અથવા ફેરી વૉર્ફ ખાતેથી જહાજ ગોવા માટે રવાના થશે અને તે દર્શનીય કોંકણ પટ્ટાવિસ્તાર પરના વેંગુર્લા, માલવણ અને રત્નાગિરી થઈને ગોવાના પણજી પહોંચશે.

પ્રાથમિક માહિતી અનુસાર, જહાજ એરકન્ડિશન્ડ ક્રૂઝ લાઈનર હશે અને એની ક્ષમતા આશરે ૨૫૦ જણની હશે. એ જહાજ મુંબઈથી સાત કલાકે ગોવાના પણજી પહોંચશે.

અગાઉ આ સેવા શરૂ કરાઈ હતી, પણ નાણાં-ભંડોળના અભાવે તે બંધ કરી દેવામાં આવી હતી. એટલે આ વખતે જ્યારે આ સેવા ફરી શરૂ કરવાની વાત ચગી છે ત્યારે ઘણા લોકોને આશંકા છે કે એ શરૂ થાય ત્યારે ખરી અને શરૂ કરાયા પછી એને ચાલુ રાખવી જોઈએ.

કહેવાય છે કે, ૬૦ અને ૭૦ના દાયકાની વચ્ચે મુંબઈ અને ગોવા વચ્ચે કોંકણ શક્તિ અને કોંકણ સેવક નામના જહાજો પેસેન્જર ફેરી સર્વિસ કરતા હતા. પરંતુ, શ્રીલંકા યુદ્ધ વખતે એ બંને જહાજોને એ સેવામાંથી હટાવી લેવામાં આવ્યા હતા અને ત્યારથી એ રૂટ પર કોઈ જહાજી સેવા ચાલુ નહોતી. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં મુંબઈ-ગોવા વચ્ચે હોવરક્રાફ્ટ સેવા શરૂ કરાઈ હતી, પરંતુ એ સેવા પણ લાંબો સમય સુધી ચાલી નહોતી.

‘સાગરમાલા’ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ૨૮૯ પ્રોજેક્ટ શરૂ કરવાની છે. મુંબઈ-ગોવા ફેરી સર્વિસ પ્રોજેક્ટ એમાંનો એક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]