માનસી-રોહિત રૉયઃ અનુષ્કા-વિરાટના લગ્નસ્થળે થયો યાદગાર અનુભવ!

ક્ટર-કપલ માનસી જોશી રૉય-રોહિત બન્ને ફરવાનાં શોખીન છે. અહીં માનસી પોતાનાં પ્રવાસ સંભારણાં વાગોળે છે.હોલિડેઝની વ્યાખ્યા?

હોલિડે ઈઝ ઈક્વલ ટુ હૅપ્પિનેસ. નવી નવી જગ્યા જોવાનો, નવું નવું ખાવાનું માણવાનો તથા મારી ક્ષિતિજો વિસ્તારવાનો અવસર.

હમણાં ક્યાં જઈ આવ્યા?

થોડા મહિના પહેલાં અમે બાર્સેલોના (સ્પેન) ફરી આવ્યાં. ત્યાંથી સવોનાની ક્રૂઝ લીધી ને વચ્ચે માર્સેઈલમાં સ્ટૉપ થયેલાં.

પ્રિય સ્થળ?

ફેવરીટ ડેસ્ટિનેશન છે નૉર્થ અમેરિકા, કેમ કે ત્યાં અમારા પરિવારજનો પણ વસે છે.

અમેરિકામાં શું જોવું-માણવું?

અમેરિકા વિરાટ દેશ છે. અનેક વાર ત્યાં ગયાં હોવા છતાં હજી અમે બધું જોયું નથી. જો કે ચિત્રલેખાના વાચકોને હું ન્યુ યોર્ક ફરવાની ભલામણ કરીશ. એ મારું ફેવરીટ શહેર છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી કોઈને સાથે ફરવા લઈ જવા હોય તો કોને લઈ જાવ?

(મસ્તીભર્યું સ્મિત) શાહરુખ ખાનને. દુબઈ ટુરિઝમની ઍડફિલ્મોમાં એ કહેતા હોય છેઃ કમ, વિઝિટ દુબઈ વિથ મી. તો હું એમની એ ઑફર સ્વીકારી લઉં. સાથે ફરવાની પણ મજા આવે એવું વ્યક્તિત્વ છે.

પ્રવાસ દરમિયાન શૉપિંગ કરવું ગમે?

હા. જો કે હવે પહેલાંની જેમ વિદેશ ગયાં એટલે શૉપિંગ કરવું જ એવું રાખ્યું નથી, કારણ કે હવે દુનિયાની બેસ્ટ, નામાંકિત બ્રાન્ડ્સ ભારતમાં આસાનીથી મળી જાય છે એટલે હવે વધુ સમય ફરવામાં જ વિતાવીએ છીએ. હા, ક્યારેક કોઈ સ્થાનિક આઈટમ ગમી જાય તો લઈએ ખરાં.

પ્રવાસની કોઈ સારીમાઠી સ્મૃતિ?

બાલીની એક કડવી સ્મૃતિ છે. અમે પહેલી લગ્નતિથિ ઊજવવા ગયેલાં. ઢળતી સાંજે એક ગલીમાં ટહેલી રહ્યાં હતાં ત્યાં બે લુખ્ખા બાઈક પર આવ્યા. એમણે ચાકુથી મારી શોલ્ડર બૅગ કાપવાની કોશિશ કરી. મેં ક્યાંક વાંચેલું કે શોલ્ડર બૅગ ક્યારેય રોડસાઈડ ન ભેરવવી. મતલબ, તમે રસ્તા પર ચાલતા હો તો જમણા ખભે ભેરવવી, જેથી રસ્તા પરથી છીનવવી મુશ્કેલ પડે. મેં એમ જ કરેલું. વળી, બૅગ પર મારી પકડ મજબૂત હતી એટલે એ લોકો છીનવી શક્યા નહીં. જો કે ઝપાઝપીમાં મારું શર્ટ ને બૅગ ચિરાઈ ગયાં.

મધુર સ્મૃતિ તસ્કાની (ઈટાલી)ની છે (થોડા સમય પહેલાં આ ખૂબસૂરત શહેરમાં અનુષ્કા-વિરાટનાં લગ્ન થયાં). અમે ત્યાં એક અઠવાડિયું રહેવાનાં હતાં એટલે આમતેમ જવા અમે કાર બુક કરાવેલી. જો કે ત્યાં પહોંચ્યા ત્યારે અમુક કારણસર કાર અમને મળી નહીં. હવે ? ફરવું કેમ ? તસ્કાનીમાં ધ લેઝી ઑલિવ કરીને એક મસ્ત જગ્યા છે ત્યાં અમે રોકાયેલાં. એના માલિક માલ્કમને ખબર પડી કે કાર ભાડે આપનારી કંપનીના લોચાને લીધે અમે રઝળી પડ્યાં છીએ તો એણે એની કાર અમને અઠવાડિયા માટે આપી દીધી. બોલો!

ખાણી-પીણી… જીભના ચટાકા?

હું તો જ્યાં જાઉં ત્યાં નવી વાનગી ટેસ્ટ કરું. લોકલ ડિશ ચાખવી-માણવી મને ગમે. મુંબઈથી નીકળતાં પહેલાં રિસર્ચ કરી લઉં કે ત્યાં શું માણવા જેવું છે.

વાચકોને કોઈ ટ્રાવેલ ટિપ્સ?

પ્રવાસ દેશમાં કરો કે વિદેશમાં- નીકળતાં પહેલાં પૂરું રિસર્ચ કરવું, જેથી ત્યાં શોધાશોધમાં સમય ન બગડે ને ફરવાનો પૂરતો સમય મળે. બીજું, માત્ર જાણીતી જગ્યા, સ્થળ કે સ્થાપત્ય જ જોવાનો કે શૉપિંગનો આગ્રહ ન રાખવો- નવી ચીજ માટે કંઇ નવું કરવા માટે ઓપન રહો. શાંતિથી, કૉફીની ચૂસકી ભરતાં ત્યાંનું જનજીવન, પ્રજાની તાસીર નિહાળો.

અહેવાલ- કેતન મિસ્ત્રી