કેવડિયાને મળશે એનું પોતાનું રેલવે સ્ટેશન…

જે સ્થળ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિરાટ પ્રતિમાને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે તે કેવડિયા નગરને ટૂંક સમયમાં જ એનું પોતાનું રેલવે સ્ટેશન મળવાનું છે.

ગુજરાતમાં હાલમાં જ સ્થાપિત કરાયેલી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પ્રતિમાથી માત્ર 3.5 કિલોમીટર દૂરના અંતરે આવેલા કેવડિયા નગર પણ રેલવેના નકશામાં સામેલ થવાનું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયાની વસ્તી છે 6,788 લોકોની.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેંબરના શનિવારે કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે.

ભારતના લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી વિરાટ એવી પ્રતિમા નર્મદા જિલ્લામાં છે અને ત્યાં સુધી પહોંચવા માટે પહેલા કેવડિયા પહોંચવું પડે છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું એના પહેલા 11 દિવસમાં જ આ સ્મારકની મુલાકાત લેનારાઓની સંખ્યા આશરે 1.3 લાખ નોંધાઈ હતી.

કેવડિયાને પોતાનું રેલવે સ્ટેશન મળશે એ સમાચારથી કેવડિયા તથા આસપાસનાં વિસ્તારોનાં રહેવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે.

આ વિસ્તારને કનેક્ટિવિટીની સમસ્યા નડી રહી છે, પરંતુ સરકારી વહીવટીતંત્ર એ સમસ્યાઓ દૂર કરવા માટે સક્રિય છે.

કેવડિયાને આધુનિક કક્ષાનું રેલવે સ્ટેશન મળશે. આને કારણે પર્યટન ક્ષેત્રનો વિકાસ થશે, રોજગારની અનેક તકો ઉત્પન્ન થશે.

હાલ, કેવડિયા પહોંચવા માટે સીધી વિમાન કે ટ્રેન કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. કેવડિયાની સૌથી નિકટનું રેલવે સ્ટેશન વડોદરા છે, જે 71.94 કિ.મી.ના અંતરે આવેલું છે. ભરૂચ રેલવે સ્ટેશન 75.36 કિ.મી. અને અંકલેશ્વર રેલવે સ્ટેશન 77.95 કિ.મી.ના અંતરે આવેલું છે.

મિયાગામ કરજણ નામનું એક નાનકડું રેલવે સ્ટેશન પણ કેવડિયાથી 63.02 કિ.મી. દૂર આવેલું છે.

વિમાન માર્ગે કેવડિયા પહોંચવું હોય તો સુરત સુધીની ફ્લાઈટ પકડવી પડે. સુરતથી કેવડિયા 83 કિ.મી. દૂર થાય.

અમદાવાદ એરપોર્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્મારક 200 કિ.મી. દૂર છે.

કેવડિયા રેલવે સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાતના ગવર્નર ઓમપ્રકાશ કોહલી પણ હાજર રહેશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાતના પર્યટનસ્થળોની યાદીમાં નવું જ ઉમેરાયું છે. આ સ્થળે પર્યટકોનો પ્રવાહ વધે એ માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

ગુજરાત સરકારે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને લખી જણાવ્યું છે કે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક એમના સરકારી ગેસ્ટહાઉસો બનાવે. કેટલાક રાજ્યોએ એ માટે રસ દાખવ્યો છે.

ગુજરાત સરકારે રૂ. 3000 કરોડના ખર્ચે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તૈયાર કરાવી છે, જે 182 મીટર ઊંચી છે.

દરરોજ આ પ્રતિમા જોવા માટે સરેરાશ 15 હજાર મુલાકાતીઓ આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 31 ઓક્ટોબરે આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.

કેવડિયા ખાતે આધુનિક કક્ષાનું રેલવે સ્ટેશન બનાવવાની વડા પ્રધાન કાર્યાલય તરફથી સૂચના મળ્યા બાદ રેલવે મંત્રાલય દ્વારા એનો અમલ કરવામાં આવી રહ્યો છે.

રેલવે બોર્ડે 18 કિ.મી.ની ડભોઈ-ચાંદોડ નેરો ગેજને બ્રોડ ગેજમાં રૂપાંતર કરવા અને 32 કિ.મી.ની નવી રેલવે લાઈન નાખીને ચાંદોડથી કેવડિયા કોલોની સુધીની વિસ્તરણ યોજનાને મંજૂરી પણ આપી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]