ગાડી બુલા રહી હૈઃ ભારતીય રેલવેને વધામણાં

ભારતમાં 166 વર્ષોથી એકધારી સેવા આપતી અને સમગ્ર એશિયામાં મુંબઈમાં સહુ પ્રથમ દોડનારી ભારતીય રેલવેનો આજે જન્મ દિવસ છે.

16 એપ્રિલ, 1853ના દિવસે મુંબઈમાં 21 માઈલ લાંબી 14 ડબ્બાવાળી પેસેન્જર ગાડી મુંબઈથી થાણે દરમ્યાન લગભગ 34 કિલોમીટરના રૂટ પર 400 પેસેન્જરને લઈને સવાર થઈ હતી.

400 પેસેન્જરોમાં ખાસ કરીને, તે વખતના ભારતના ગવર્નરના પત્ની શ્રીમતી ફૉકલેન્ડ સાથે અન્ય ગવર્મેન્ટ અધિકારીઓ, સાહેબો તેમજ જમીનદારો ઉપસ્થિત હતા. રેલવેએ તેનો 34 કિલોમીટરનો રૂટ 57 મિનિટમાં પૂરો કર્યો હતો. દરમ્યાન રેલવેએ ફક્ત ભાયખલા અને સાયન સ્ટેશનોએ હોલ્ટ લીધો હતો અને થોડા કિલોમીટર આગળ જઈ એન્જિનમાં પાણી ભરાવવા માટે રોકાણ કર્યું હતું.

રેલવેનો પાયો નખાયો ત્યારથી લઈને ફક્ત 25 મહિનામાં અંદાજે 10,000 જેટલા કારીગરો દ્વારા અને અંદાજિત રકમથી પણ 20% ઓછા ખર્ચમાં આ કામ પૂર્ણ થયું. 16 એપ્રિલ, 1853ના દિવસે 21 બંદૂકની સલામી આપીને ભારતની સહુથી પહેલી રેલવેના મુંબઈ (આજના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)થી શ્રીગણેશ થયા. તે વખતે હાજર હજારોની જનમેદનીએ ગગનભેદી હર્ષનાદ કર્યો હતો.

ત્યારથી લઈને આજ સુધી રેલવેએ તેની ટેક્નોલોજી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અવારનવાર સુધારા કર્યાં છે. અને રોજના અંદાજે 2 થઈ 2.5 કરોડ જેટલા યાત્રી લઈને આગળ વધતી દુનિયાની આઠમી મોટી પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમ ગણાઈ છે.

ભારતીય રેલવે એ વાત ઉપર ગર્વ કરે છે કે દુનિયામાં તેનું નેટવર્ક ચોથા નંબરે આવે છે. આટલું મોટું રેલવે તંત્ર ભારત સરકાર એકલે હાથે ચલાવે છે. ભારતીય રેલવે 1,27,760 કિ.મી. લાંબી છે તેમજ દુનિયાનો સહુથી ઉંચો રેલવે બ્રિજ ધરાવે છે જે જમ્મુ-કશ્મીર રાજ્યમાં ચેનાબ નદી ઉપર 359 (1,178 ફુટ) મીટરની ઉંચાઈ પર બાંધવામાં આવેલો છે.

 

httpss://youtu.be/tLaYQzGntdw

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]